વય ભલે ૮૩ વર્ષની હોય, પણ ઓલિવરનો કાર્યપ્રવૃત્તિમાંથી નિવૃત્તિનો ઇરાદો નથી

Saturday 27th July 2019 06:28 EDT
 
 

લંડનઃ યુકેમાં ફાસ્ટ ફૂડ જાયન્ટ મેક્ડોનાલ્ડ ચેઈનના સૌથી વૃદ્ધ કર્મચારી ઓલિવર ગ્રોગાન ૮૩ વર્ષના થયા પરંતુ, કામકાજમાંથી નિવૃત્ત થવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી. ઓલિવર ૫૫ વર્ષના હતા ત્યારથી વિન્ડસર કેસલની સામે આવેલી થેમ્સ સ્ટ્રીટ બ્રાન્ચમાં સેવા આપી રહ્યા છે. સ્ટાફ દ્વારા તેમને જન્મદિનની પાર્ટી અપાઈ તે પછી તેમણે કહ્યું હતું કે,‘હું મારી ટીમ અને કસ્ટમર્સને જોતા રહેવા આતુર છું.’
ફાસ્ટ ફૂડ જાયન્ટ મેક્ડોનાલ્ડનું કહેવું છે કે ઓલિવર અમારા સૌથી જૂના કર્માચારીઓમાંના એક છે અને તેમણે કોઈ વિક્રમ સર્જયો છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. ટિલ્સ પર કસ્ટમર કેર આસિસ્ટન્ટ તરીકે કાર્યરત ગ્રોગાન કહે છે કે તેઓ દરરોજ કામ પર પહોંચવાની પ્રતીક્ષા કરતા રહે છે. તેમને સાથીઓ સાથે કામ અને આનંદમસ્તી કરવાં ગમે છે. તેઓ ટીમ કર્મચારીઓ અને ગ્રાહકોને મળવા રેસ્ટોરાં આવવા ઉત્સુક છે.
સ્થાનિક ફ્રેન્ચાઈઝી અતુલ પાઠક કહે છે, ‘ઓલિવર અમારી ટીમના મૂલ્યવાન સભ્ય છે અને બધામાં લોકપ્રિય છે. તેમના જેવા કર્મચારી મારી પાસે હોવાનો મને ગર્વ છે. હું તેમની નિષ્ઠાને સલામ કરું છું અને તેમનો આગામી જન્મદિન પણ સાથે ઉજવવા ઉત્સુક છું.’
ગ્રેટર માન્ચેસ્ટરમાં એસ્ટોન ખાતે મેક્ડોનાલ્ડની શાખામાં બ્રાયન હોલ્ડન નામે કર્મચારીએ ૮૭ વર્ષના થયા ત્યાં સુધી કામ કર્યું હતું. કંપનીની સેવાના ઉપલક્ષ્યમાં તેમને પોતાની જ કાંસ્ય તખ્તી આપીને સન્માનિત કરાયા હતા. તેઓ ૮૮ વર્ષની વયે સપ્ટેમ્બર ૨૦૧૭માં મૃત્યુ પામ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter