વયોવૃદ્ધ લોકોમાં કોવિડ લોકડાઉનની ગંભીર માનસિક અને શારીરિક અસર

Wednesday 04th August 2021 04:34 EDT
 
 

લંડનઃ લાખો વયોવૃદ્ધ લોકો કોવિડ લોકડાઉનની માનસિક અને શારીરિક નુકસાનની ગંભીર અસરોમાંથી કદાચ કદી બહાર આવી શકે નહિ તેવી ચેતવણી Age UK દ્વારા અપાઈ છે. ચેરિટી દ્વારા ૧૪,૮૪૦ વયોવૃદ્ધ લોકો, તેમની સંભાળ લેનારાનો સર્વે કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટમાં પેન્શનરોની જરૂરિયાતો માટે પૂરતું ભંડોળ ફાળવવાની અપીલ સાથે જણાવાયું છે કે લગભગ ૨૫ ટકા વૃદ્ધો ભારે શારીરિક પીડા સાથે જીવન વીતાવી રહ્યા છે.

ચેરિટીનું કહેવું છે કે ૧૬ મહિનાની સામાજિક એકલતા, હેરફેરનો અભાવ અને રોજબરોજની સામાન્ય ક્રિયાઓ ન થઈ શકવાથી ઘણા વૃદ્ધોને આંતરિક ઉઝરડા પડ્યા છે. ચેરિટી દ્વારા ફેબ્રુઆરીમાં લગભગ ૧૫,૦૦૦ વૃદ્ધોનો સર્વે કરાયો હતો. જે અનુસાર ૨૫ ટકા વૃદ્ધો (૪ મિલિયન) શારીરિક પીડાનો શિકાર છે, ૧૭ ટકા (૨.૭ મિલિયન) પોતાના પગ પર સ્થિર ઉભા રહી શકતા નથી અને ૧૨ ટકા (૧.૯ મિલિયન) પોતાને મહામારી અગાઉની સરખામણીએ ઓછાં સ્વતંત્ર હોવાનું અનુભવે છે. સર્વેમાં એમ પણ જણાયું હતું કે ૨૨ ટકા (૩.૨ મિલિયન) વૃદ્ધોને કશું પણ યાદ રાખવાની ઘણી મુશ્કેલી પડે છે અને ૪૩ ટકા (૬.૯ મિલિયન)ને મનપસંદ બાબતો કરવામાં વધુ રસ જણાતો નથી.

આ સર્વે મુજબ ઘણા લોકોને ઘરની બહાર રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં વિશ્વાસ રહ્યો નથી. વયોવૃદ્ધોમાં ૫૪ ટકા (૮.૭ મિલિયન)ને હોસ્પિટલ એપોઈન્ટમેન્ટ્સમાં હાજરી આપવામાં ઓછો વિશ્વાસ રહ્યો હતો જ્યારે ૩૭ ટકા (૬ મિલિયન)ને GP સર્જરીઝમાં જવામાં વિશ્વાસ ઘટી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter