વોશિંગ્ટનઃ અમેરિકાના વર્જિનિયામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ હવેથી શીખ ધર્મ વિશે પોતાની સ્કૂલ બુકમાંથી માહિતી મેળવી શકશે. આ રાજ્યમાં ગયા ગુરુવારે નવા સામાજિક અધ્યયનના સ્કૂલ સિલેબસમાં પહેલી વાર શીખ ધર્મ-પરંપરાનો વિષય સામેલ કરવામાં આવ્યો છે.
વર્જિનિયા પહેલાં ઉટાહ અને મિસિસિપીએ પોતાના સામાજિક અધ્યયનના અભ્યાસક્રમમાં શીખ ધર્મ, શીખ પ્રથાઓ અને પરંપરાઓ અંગેની માહિતી સામેલ કરી હતી. આ બંને શીખ ધર્મને અભ્યાસક્રમમાં દાખલ કરનારા 15મા અને 16મા રાજ્ય બન્યાં હતાં. વર્જિનિયા શીખ ધર્મનો અભ્યાસ કરાવનારું 17મું રાજ્ય બન્યું છે. વર્જિનિયા સ્ટેટ એજ્યુકેશન બોર્ડે નવા ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાનના માનાંકોના પક્ષમાં મતદાન કર્યું હતું. શીખ સમુદાયનું કહેવું છે કે આ પગલાંને લીધે 10 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને શીખ સમુદાય વિશે જાણવાની તક પ્રાપ્ત થશે.
આ પહેલ સાથે વર્જિનિયા હવે એવાં અમેરિકન રાજ્યોની ગણતરીમાં 17મા સ્થાને છે જેમણે પબ્લિક સ્કૂલ સામાજિક અધ્યયનના માપદંડોમાં શીખો વિશેની માહિતી સામેલ કરવા માટે શીખ ગઠબંધન સાથે કામ કર્યું છે. શીખ ગઠબંધનના વરિષ્ઠ શિક્ષણ પ્રબંધક હરમનસિંહે કહ્યું કે, સ્થાનિક સંગતોની સાથે બે વર્ષ કરતાં વધારે સમય સુધી કામ કર્યા પછી એ નક્કી કરવામાં મદદ મળશે કે શીખિઝમને વર્જિનિયાના રાષ્ટ્રમંડળમાં વર્ગખંડોમાં ભણાવી શકાય છે. એમણે કહ્યું કે, શીખ ધર્મ દુનિયાના મોટા ધર્મોમાંનો એક છે અને સમુદાયના સભ્યોએ નાગરિક અધિકારો, રાજકારણ, કૃષિ, એન્જિનિયરિંગ અને ચિકત્સાના ક્ષેત્રમાં 125 વર્ષોથી અમેરિકન સમાજમાં યોગદાન આપ્યું છે.