વર્ષ ૨૦૧૮માં ડ્રગ્સના કારણે ૪,૩૫૯ મૃત્યુ

Wednesday 21st August 2019 05:09 EDT
 
 

લંડનઃ લોકો અને ખાસ કરીને યુવા વર્ગમાં ડ્રગ્સ લેવાનું પ્રમાણ ખતરનાક ઝડપે વધી રહ્યું છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ડ્રગ્સની ઝેરી અસરોથી સંબંધિત મૃત્યુ સૌથી ઊંચા ૪,૩૫૯ના સ્તરે પહોંચ્યા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા જણાવે છે. આ મૃત્યુ ૨૦૧૭ના વર્ષ કરતા ૧૬ ટકા વધુ (૬૦૩) હોવાનું પણ જણાવાયું છે. કોકેઈનના કારણે થતાં મોતની સંખ્યા પણ વધી છે.

૧૯૯૩માં રેકોર્ડ્સ રાખવાની શરૂઆત થઈ તે પછી ડ્રગ્સના કારણે થયેલાં વિક્રમજનક ૪,૩૫૯ મૃત્યુમાં લગભગ અડધા અથવા ૨,૨૦૮ મોત હેરોઈન કે મોર્ફિન જેવા ઓપિએટ પ્રકારની ડ્રગ્સથી થયાં છે જ્યારે, નવા સાયકોએક્ટિવ પદાર્થો લેવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ONSના આંકડામાં અંકુશિત અને બિનઅંકુશિત ડ્રગ્સ, પ્રીસ્ક્રિપ્શન તેમજ કાઉન્ટર પર મળતી દવાઓના કારણે થતાં મોત તેમજ તેને સંબંધિત અકસ્માતો અને આત્મહત્યાને પણ આવરી લેવાયાં છે.

આશરે ૩૦૦૦ મોત ડ્રગ્સના દુરુપયોગના લીધે થયાં હતાં. ડ્રગ્સ પોઈઝનિંગના કારણે થયેલાં મોતમાં બે તૃતીઆંશથી વધુ હિસ્સો પુરુષોનો હતો. મોટા ભાગના આકસ્મિક પોઈઝનિંગ મોતમાં પુરુષોના ૮૦ ટકા અને સ્ત્રીઓનાં ૬૭ ટકા હતા. ONSના હેલ્થ એનાલિસીસ એન્ડ લાઈફ ઈવેન્ટ્સના ડેપ્યુટી ડાયરેક્ટર બેન હમ્બરસ્ટોને જણાવ્યું હતું કે ડ્રગ્સ પોઈઝનિંગના કારણે મૃત્યુનું જોખમ ધરાવતાં લોકોને રક્ષણ આપવાનું કામ કરતા નિયમો ઘડનારાઓને નિર્ણયમાં મદદ કરવા માટે આ આંકડા જાહેર કરાયા છે. (૨૨૨)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter