બ્રિટનના ટોચના ભારતવંશી ફોટોગ્રાફર રજનીકાંત કુરજી મશરૂનું ગુરુવાર - 4 જૂનના રોજ 78 વર્ષની વયે નિધન થયું છે. માઝ મશરૂના નામે જાણીતા રજનીકાંત મશરૂ મૂળ યુગાન્ડાના સરોઠી ગામના હતા અને ફોટોગ્રાફર તરીકે આગવી નામના ધરાવતા હતા. આગવી શૈલી થકી અનેક લોકોના જીવનની યાદગાર ક્ષણોને કેમેરામાં કંડારનાર માઝ મશરૂ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હતા અને ફોટોગ્રાફી ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનેક પુરસ્કારો મેળવ્યા હતા.
મશરૂ પરિવારે આપેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યું હતું કે, ‘તેઓ એક અસાધારણ વ્યક્તિ હતા જેમની દયા, શાણપણ, ઉદારતા અને શક્તિએ અસંખ્ય લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો. તેમણે ફક્ત લેસ્ટરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઘણા લોકોને પ્રેરણા આપી હતી.
તેમનો ઉષ્માપૂર્ણ સ્વભાવ, માર્ગદર્શન, રમૂજ અવર્ણનીય હતાં.’ તેમની સ્મૃતિમાં ૭ જૂનના રોજ લેસ્ટરમાં ઘીવાલા લોહાણા સેન્ટરમાં એક પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. તેઓ પોતાની પાછળ પત્ની રેખાબહેન મશરૂ તેમજ સંતાનો રીટાબહેન, રૂપિનભાઇ, અમિતભાઇ અને કવિતાબહેન સહિતના વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકી ગયા છે.


