વિચિત્ર ડાઈવોર્સ કેસઃ સંપત્તિમાં મોટો દલ્લો લેવાંની મમતે આધેડ દંપતી દેવાંમાં ડૂબ્યું

દંપતી ૨૨ વર્ષના લગ્નજીવન પછી કોર્ટે ચડ્યુઃ બે વર્ષના કાનૂની ખર્ચમાં £૬૦૦,૦૦૦ ગુમાવ્યા

Saturday 13th June 2020 02:29 EDT
 
 

લંડનઃ લગ્નજીવન અથવા કોઈ પણ બાબતે લોકો મમતે ચડી જાય ત્યારે બંને પક્ષની ખાનાખરાબી થઈ જાય છે અને હાથમાં કડવાશ સિવાય કશું આવતું નથી. લગભગ ૨૨ વર્ષના લગ્નજીવન પછી ડાઈવોર્સ અને સંપત્તિ માટે કોર્ટે ચડનારા આધેડ દંપતીનો આવો જ કિસ્સો જાહેર થયો છે, જેને લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસ હાઈ કોર્ટે ડાઈવોર્સ મંજૂર કર્યા છે. કેર હોમ બિઝનેસ ચલાવતા દંપતીએ સંપત્તિની વહેંચણી મુદ્દે બે વર્ષની લડાઈમાં કાનૂની પ્રક્રિયા અને વકીલોની ફી પાછળ ૫૯૪,૦૦૦ પાઉન્ડ ખર્ચ્યા અને તેમના હાથમાં તો ૫,૦૦૦-૫૦૦૦ પાઉન્ડ જ આવ્યા હતા.

ઓળખ જાહેર કરાઈ નથી તેવા ૫૩ વર્ષીય પતિ અને ૫૦ વર્ષીય પત્નીનું સુખી લગ્ન જીવન હતું અને ત્રણ બાળકો પણ હતા. દંપતી કેર હોમ બિઝનેસના માલિક હતા. અચાનક ૨૨ વર્ષે કોઈ મુદ્દે કડવાશ સર્જાઈ અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. વેસ્ટ લંડનમાં રહેતા દંપતીએ સંપત્તિની વહેંચણીમાં કોઈ સમાધાન ન કર્યું અને કેસ હાઈ કોર્ટ અને અપીલ કોર્ટ્સ સુધી લંબાતો ગયો. મોટો દલ્લો મેળવવાની કાનૂની લડાઈમાં બે વર્ષ અને ૧૩ સુનાવણી પછી તેમની પાસે કશું રહ્યું નથી. તેમણે વકીલો પાછળ ૫૯૪,૦૦૦ પાઉન્ડ ખર્ચી નાખ્યા અને તેમના ભાગે માત્ર ૫,૦૦૦-૫૦૦૦ પાઉન્ડથી થોડી વધુ રકમ જ આવી હતી.

કેસની સમાપ્તિ પછી હાઈ કોર્ટના જજે કહ્યું હતું કે આ કેસ દંપતી માટે એક ચેતવણી છે. કોઈ માની નહિ શકે કે બધુ પૂરુ થયા પછી તે બંનેને ૫,૦૦૦ પાઉન્ડ જ મળશે કારણકે ૬૦૦,૦૦૦ પાઉન્ડ તો કાનૂની ખર્ચમાં વહી ગયા છે. સંસાધનોની આ કેટલી અનર્થકારી બરબાદી છે તેનું વર્ણન કરી શકાય એમ નથી. તેમણે કમાણી કરતાં વધુ ખર્ચ કર્યો અને દેવાંદાર બની ગયાં. આ જ વાસ્તવિકતા છે.

લંડનમાં પાંચ બેડરુમના ઘરમાં રહેતું દંપતી ગજા બહારનું જીવન વીતાવતું અને દેવામાં ડૂબી રહ્યું હતું. તેમણે મર્સિડીસ કારની અંગત નંબર પ્લેટ માટે ૧૪,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. બાળકોનાં સારા અભ્યાસ માટે ખર્ચ કરવા ઉપરાંત, તેમની સાથે નિયમિત રજાઓ પર ગાળતાં હતાં. તેઓ અલગ થયાં ત્યારે  પતિ દ્વારા કેર હોમના સંચાલન સામે પ્રશ્ન ઉઠ્યો હતો. કેર હોમ બંધ થતા બેરોજગાર પતિએ પ્લમ્બિંગ કંપનીમાં વાર્ષિક ૩૨,૦૦૦ પાઉન્ડના પગારની નોકરી કરવી પડી હતી. તેના પર ડેબિટ કાર્ડનું ૧૨૨,૦૦૦ પાઉન્ડનું દેવું હતું. કાનૂની યુદ્ધમાં તેમનું ઘર પણ ૬૩૦,૦૦૦ પાઉન્ડમાં વેચાઈ ગયું અને હવે પત્નીને તેના પિયર રહેવા જવું પડે તેવી હાલત છે. પત્નીના માથે પણ પિતાએ આપેલા ૫૦,૦૦૦ પાઉન્ડનું દેવું છે. બાળકો સાથે પિતાના સંબંધો પણ રહ્યા નથી અને તેમની કસ્ટડીનો વિવાદ ફેમિલી કોર્ટ્સમાં ચાલી રહ્યો છે. કાનૂની યુદ્ધના ખર્ચમાં પતિના હિસ્સામાં ૨૫૧,૦૫૧ પાઉન્ડ અને પત્નીના ભાગે ૨૧૪,૮૩૦ પાઉન્ડની ચૂકવણી આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter