વિઝા નિયમોમાં ફેરફારોથી બિનયુરોપીય ઈમિગ્રન્ટ્સને ભારે મુશ્કેલી

Wednesday 12th April 2017 07:16 EDT
 
 

લંડનઃ યુકેમાં લોકોને મોટી સંખ્યામાં આવતાં અટકાવવા વિઝા કાયદા કડક બનાવવા સાથે ફીમાં પણ ઘરખમ વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલ ૬,૨૦૧૭થી અમલી બનેલા કડક વિઝા નિયમોના પરિણામે ઈમિગ્રેશન અને રાષ્ટ્રીયતા માટેની અરજીઓ વધુ ખર્ચાળ બની છે. સેટલમેન્ટ અરજીઓમાં ૧૮ ટકાના વધારા સાથે ફી ૨,૨૯૭ પાઉન્ડ અને આશ્રિત સગાસંબંધી માટેની અરજી ધરખમ વધારા સાથે ફી ૩,૨૫૦ પાઉન્ડ કરવામાં આવી છે. યુકે ઈયુમાંથી બહાર નીકળવાની વાટાઘાટો આદરી રહ્યું છે ત્યારે બદલાયેલાં નિયમોની અસર માત્ર બિન-EEA વર્કર્સને જ નહિ થાય પરંતુ, બ્રેક્ઝિટ પૂર્ણ થયાં પછી EEAમાંથી આવતાં વર્કર્સને પણ તેની અસર થશે.

વાર્ષિક ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ

માત્ર વ્યક્તિગત ઈમિગ્રન્ટ્સને નવા નિયમોની અસર થશે તેમ નથી. ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ રેગ્યુલેશન્સ ૨૦૧૭ અનુસાર જે એમ્પ્લોયર્સ ઈયુ બહારથી વિદેશી કામદારની નોકરી માટે ભરતી કરશે તેમણે વર્કરદીઠ વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડનો ચાર્જ ભરવો પડશે. કેટલાક અપવાદ સહિત નાના બિઝનેસીસ અને યુનિવર્સિટીઓએ પણ વર્કરદીઠ વાર્ષિક ૩૬૪ પાઉન્ડનો લઘુતમ ચાર્જ ભરવાનો થશે. બિઝનેસીસ દ્વારા વિદેશી વર્કર્સને કામે ન લેવાય તેમજ આ નોકરીઓ પર બ્રિટિશ સ્ટાફને કામે રાખવામાં આવે તે હેતુસર વાર્ષિક ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ લાદવામાં આવ્યો છે. જોકે, આ ચાર્જ નવી ભરતીને જ લાગુ પડશે. ટીઅર-ટુ ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર (ICT) વિઝા માટે અરજી કરનારાએ વ્યક્તિદીઠ વાર્ષિક ૨૦૦ પાઉન્ડનો હેલ્થ સરચાર્જ ચુકવવાનો રહેશે. મુખ્ય અરજદારના આશ્રિતોએ પણ મુખ્ય અરજદારે ભરવાની થતી રકમ જેટલી રકમ ચુકવવાની થશે. યુકેની સ્વતંત્ર માઈગ્રેશન એડવાઈઈઝરી કમિટીએ ગત વર્ષે વિઝા સિસ્ટમમાં ફેરફારની ભલામણ કરી હતી.

PhD સ્તરની નોકરીઓ માટે ચાર્જ નહિ

Workpermit.com ના રિપોર્ટ અનુસાર PhD લેવલની નોકરીઓમાં ભરતી કરાયેલા એમ્પ્લોઈ માટે ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ લાગુ કરવામાં નહિ આવે. આ ઉપરાંત, યુકેમાં ટીઅર-૪ વિઝા પર આવેલો કોઈ પણ વિદ્યાર્થી ઈમિગ્રેશન કાયદા અનુસાર ટીઅર-ટુ વિઝા (જનરલ)માં તબદીલ થઈ શકે તેમ હશે તેના માટે પણ ૧,૦૦૦ પાઉન્ડની ફીમાંથી માફી મળશે.

બ્રિટનમાં રહેવાની મુદત લંબાવવા અરજી કરનાર માટે ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ લાગુ થશે કે કેમ તે વિશે હોમ ઓફિસે શરૂઆતમાં કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જોકે, આ પછી સરકારી વિભાગે તેના ટીઅર-ટુ સ્પોન્સરશિપ ગાઈડન્સને અપડેટ કરેલ છે. સુધારાઓમાં સ્પષ્ટ કરાયું છે કે ૬ એપ્રિલ ૨૦૧૭ અગાઉ ટીઅર-ટુ ઈમિગ્રેશન રુટ થકી સ્પોન્સર કરાયેલા બિન-EEA નાગરિકને તેમજ એક જ અથવા અલગ સ્પોન્સર સાથે ટીઅર-ટુ વસવાટ લંબાવવા યુકેમાથી જ અરજી કરનારને આ ચાર્જ લાગુ નહિ થાય. હોમ ઓફિસે જણાવ્યું છે કે

Tier 2 CoSની ફાળવણીના સમયે સ્પોન્સરોએ સ્પોન્સરશિપના સર્ટિફિકેટમાં આવરી લેવાયેલાં સંપૂર્ણ સમયગાળા માટે એડવાન્સમાં જ ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ ચુકવવાનો થશે.

લઘુતમ વેતનની મર્યાદા

ઘણા ઓવરસીઝ કર્મચારીઓ માટે કોસ્ટ ઓફ સ્પોન્સરશિપ (CoS) વધુ ખર્ચાળ બનશે. ટીઅર-ટુ (જનરલ) ઈમિગ્રેશન કેટેગરીમાં ‘અનુભવી વર્કર્સ’ને ચુકવવાપાત્ર લઘુતમ વેતન વધારીને વાર્ષિક ૩૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવ્યું છે. જોકે, મેડિકલ રેડિયોગ્રાફર્સ, નર્સીસ, પેરામેડિક્સ તેમજ મેથ્સ, ફીઝિક્સ, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર સાયન્સ અને મેન્ડેરિન શીખવતા સેકન્ડરી એજ્યુકેશન પ્રોફેશનલ્સ સહિત ‘પબ્લિક સર્વિસ ઓક્યુપેશન્સ’ માટે આ નિયમમાં મર્યાદિત અપવાદ લાગુ પડશે.

ઓવરસીઝ ક્રિમિનલ રેકોર્ડ સર્ટિફિકેટ્સ

સરકાર દેશમાં હેલ્થ, એજ્યુકેશન અને સામાજિક સંભાળના ક્ષેત્રોમાં કામ કરવા આવતા ટીઅર-ટુ (જનરલ) વિઝા અરજદાર અને તેમના પુખ્ત આશ્રિતો માટે પણ ક્રિમિનલ રેકોર્ડ સર્ટિફિકેટ્સ પૂરાં પાડવાની જરૂરિયાત લંબાવવા માગે છે. આ સ્ટાન્ડર્ડ ઓક્યુપેશન ક્લાસિફિકેશન કોડ્સ સ્પોન્સર કરાયેલા અરજદારો પાસેથી સર્ટિફિકેટ મેળવાશે. ટીઅર-ટુ (જનરલ) રુટની બહાર આ કોડ્સના અરજદારો, જેવાં કે ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર્સને તેની અસર નહિ થાય. આ સેક્ટર્સમાં કાર્યરત વર્તમાન ટીઅર-ટુ (જનરલ) વિઝાધારક સાથે જોડાવા માગતા અને ૬ એપ્રિલ, ૨૦૧૭ કે તે પછી દરિયાપારથી અરજી કરનારા પાર્ટનર્સે પણ આવું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

૨૦૦ પાઉન્ડનો હેલ્થ સરચાર્જ

યુકેમાં કામ, અભ્યાસ કરવા અથવા છ મહિના કરતા વધુ સમય પરિવાર સાથે જોડાવા અરજી કરનારા બિન-EEA નાગરિક પાસેથી સરચાર્જ લેવાનું ૨૦૧૫થી શરૂ કરાયું છે. યુકેમાં રહેતા અને તેમનો વસવાટ લંબાવવા અરજી કરનારા બિન-EEA નાગરિક દ્વારા પણ તેની ચુકવણી થાય છે. ૬ એપ્રિલ, ૨૦૧૭થી ટીઅર-ટુ (ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર) અરજી કરનારાએ વ્યક્તિદીઠ વાર્ષિક ૨૦૦ પાઉન્ડનો હેલ્થ સરચાર્જ ચુકવવો પડશે. આશ્રિતોએ પણ મુખ્ય અરજદાર જેટલી જ રકમ ચુકવવી પડશે.

ફેરફારો પર એક નજરઃ

કમ્બાઈન્ડ સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ અને મેન્ડેરિન શીખવતા સેકન્ડરી સ્કૂલ ટીચર્સને શોર્ટેજ ઓક્યુપેશન લિસ્ટમાં સમાવાયા છે. કેમિસ્ટ્રી સેકન્ડરી સ્કૂલ ટીચર્સને આ યાદીમાંથી દૂર કરાશે. • ટીઅર-ટુ (જનરલ) અનુભવી વર્કર્સને સ્પોન્સર દ્વારા ઓફર થઈ શકે તે લઘુતમ વેતન ૨૫,૦૦૦ પાઉન્ડથી વધારી ૩૦,૦૦૦ પાઉન્ડ કરાયું છે. હેલ્થ અને એજ્યુકેશન ક્ષેત્રોમાં કેટલીક નોકરીઓ જુલાઈ ૧, ૨૦૧૯ સુધી માફીપાત્ર રહેશે. • ટીઅર-ટુ (ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર) શોર્ટ ટર્મ સ્ટાફ કેટેગરી બંધ કરવામાં આવી છે. આથી, ગ્રેજ્યુએટ ટ્રેઈની સિવાયના તમામ ICT વર્કર્સે સિંગલ રુટ ૪૧,૫૦૦ પાઉન્ડની વેતનમર્યાદા હેઠળ ક્વોલિફાય બનવું પડશે. • ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર લોંગ ટર્મ સ્ટાફ કેટેગરીમાં ઊંચા વેતન ૧૫૫,૩૦૦ પાઉન્ડથી ઘટાડી ૧૨૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવ્યા છે. આ રુટમાં ઊંચી કમાણી કરનારા સામાન્ય પાંચ વર્ષના વસવાટના બદલે નવ વર્ષ સુધી વસવાટ કરી શકશે. • ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર વર્કર માટે સ્પોન્સરની દરિયાપારની સંકળાયેલી કંપનીમાં કામ કરવાનો ઓછામાં ઓછાં એક વર્ષના અનુભવની જરૂરિયાત ૭૩,૯૦૦ પાઉન્ડ કે તેથી વધુ કમાણી કરતા અરજદાર માટે દૂર કરાઈ છે. નવા ઈન્વર્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ અથવા યુકે માટે હાઈ વેલ્યુ બિઝનેસના રિલોકેશનને ટેકો આપતી નોકરીઓ માટે ટીઅર-ટુ (જનરલ)માંથી માફી અપાશે અને રેસિડેન્ટ લેબર માર્કેટ ટેસ્ટ જતો કરાશે.• કોડ્સ ઓફ પ્રેક્ટિસમાં ઓક્યુપેશનલ સેલરી રેટ્સમાં વાર્ષિક અપડેટ્સ • વિઝિટ વિઝા, ટીઅર-૪ એપ્લિકેશન્સ તેમજ પરિવાર અને પ્રાઈવેટ લાઈફ વિઝા સંબંધિત ઈમિગ્રેશન રુલ્સમાં પણ ફેરફારો અને સ્પષ્ટતા કરવા સરકારે જાહેરાત કરી છે.

£૩૫,૦૦૦ વેતનમર્યાદામાં માફી માટે પિટિશન

યુકેસ્થિત બિન-ઈયુ નાગરિક યુકેમાં કાયમી વસવાટ કરવા ઈચ્છતા હોય તેમણે એપ્રિલ ૨૦૧૬થી સિંગલ કોન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક ૩૫,૦૦૦ પાઉન્ડની કમાણી કરવી આવશ્યક છે. જોકે, NHS ના કોન્ટ્રાક્ટ હેઠળ નોકરીના પ્રથમ પાંચ વર્ષમાં આ તદ્દન અશક્ય છે. હાલ, યુકેમાં કોઈ વ્યક્તિની સરેરાશ કમાણી ૨૫,૦૦૦ પાઉન્ડથી વધુ નથી. આથી, આનંદકુમારે NHS ના સ્ટાફ માટે આ વેતનમર્યાદા યુકેની સરેરાશ સેલરી ૨૮,૦૦૦ પાઉન્ડ જેટલી નીચી રાખવા ઈ-પિટિશન https://petition.parliament.uk/petitions/176987 કરી છે. તેઓ સાતથી વધુ વર્ષથી યુકેમાં રહે છે અને NHS માટે કામ કરવા માગે છે. પિટિશનમાં ૧૧,૬૩૪ સહી થઈ છે અને ૧૦,૦૦૦થી વધુ સહી થાય તો સરકાર તેના પર પ્રતિભાવ આપે છે. જોકે, આનંદ કુમારને પ્રતિભાવની પ્રતીક્ષા છે. જો પિટિશનમાં ૧૦૦,૦૦૦ સહી થાય તો સંસદમાં તેની ચર્ચા થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter