વિઝા રિન્યુઅલ પ્લાન મિડવાઈવ્ઝ અને સોશિયલ વર્કર્સને પણ લાગુઃ પ્રીતિ પટેલ

વિદેશી NHS સ્ટાફના મૃત્યુના સંજોગોમાં તેમના પરિવારોને કોઈ પણ ફી ચૂકવ્યા વિના યુકેમાં બેમુદત રહેવા પરવાનગીની તત્કાળ મંજૂરી અપાશે.

Monday 04th May 2020 00:30 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જાહેર કર્યું છે કે કોરોના વાઈરસ કટોકટી દરમિયાન ભારતીયો સહિત માઈગ્રન્ટ NHS સ્ટાફને ઓટોમેટિક એક વર્ષીય વિઝા રિન્યુઅલ યોજનામાં હવે મિડવાઈવ્ઝ અને સોશિયલ વર્કર્સને પણ આવરી લેવાશે. જેમના વિઝા ૧ ઓક્ટોબર અથવા તે અગાઉ પૂર્ણ થતાં હશે તેમને આ યોજના લાગુ કરાશે. હોમ સેક્રેટરીએ અગાઉ, ૩૧ માર્ચે માઈગ્રન્ટ ડોક્ટર્સ, નર્સીસ માટે આ યોજના જાહેર કરી હતી. વિઝા એક્સ્ટેન્શનનો લાભ ક્લીનર્સ અને એજન્સી વર્કર્સ જેવા NHS સપોર્ટ સ્ટાફને અપાશે તેવા પ્રશ્નના ઉત્તરમાં મિસ પટેલે કહ્યું હતું કે તમામ ફ્રન્ટલાઈન સ્ટાફને કેવી રીતે મદદ કરી શકાય તેની વિચારણા મિનિસ્ટર્સ દ્વારા કરાઈ રહી છે. તેમણે વિદેશી NHS સ્ટાફના મૃત્યુના સંજોગોમાં તેમના પરિવારોને  કોઈ પણ ફી ચૂકવ્યા વિના યુકેમાં બેમુદત રહેવા પરવાનગીની તત્કાળ મંજૂરી અપાશે તેમ પણ કહ્યું હતું.

કોરોના વાઈરસ કટોકટી દરમિયાન માઈગ્રન્ટ NHS સ્ટાફ માટે જાહેર કરાયેલી ઓટોમેટિક એક વર્ષીય વિઝા રિન્યુઅલ યોજનાને વિસ્તારવામાં આવી છે. હવે આ યોજનામાં મિડવાઈવ્ઝ, મેડિકલ રેડિયોગ્રાફર્સ અને સોશિયલ વર્કર્સને પણ આવરી લેવાની જાહેરાત હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. તેમણે ફ્રન્ટલાઈન બિન-યુકે સોશિયલ કેર વર્ક્સને પણ આપમેળે એક વર્ષ વિઝા લંબાવવાની યોજનામાં સામેલ કરવાના દ્વાર ખુલ્લાં રાખ્યાં છે. પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ વિદેશી NHS સ્ટાફનું મૃત્યુ થયું હશે તો તેમના પરિવારોને યુકેમાં બેમુદત રહેવાની પરવાનગીની તત્કાળ મંજૂરી અપાશે અને તેમણે કોઈ ફી ચૂકવવાની રહેશે નહિ.

હોમ સેક્રેટરીએ અગાઉ, ૩૧ માર્ચે જાહેર કર્યું હતું કે ૨,૮૦૦ જેટલા મેડિક્સના રેસિડેન્સી ડોક્યુમેન્ટ્સ ૧ ઓક્ટોબર અથવા તે અગાઉ પૂર્ણ થવાનાં હશે તેમને આપમેળે એક વર્ષની મુદતનો વધારો મળી જશે. આ સમયે ચિંતા દર્શાવાઈ હતી કે આ યોજના અપૂરતી છે અને કેટલીક કામગીરી સંભાળતા માઈગ્રન્ટ NHS સ્ટાફને તેનો લાભ મળશે નહિ તેમજ તેમનું ભવિષ્ય અનિશ્ચિત રહેશે.

મિસ પટેલને હોમ સિલેક્ટ કમિટી દ્વારા પ્રશ્ન કરાયો હતો કે ઓટોમેટિક ફીમુક્ત વિઝા મુદતવધારાનો લાભ તમામ પ્રકારના વિઝા સાથેના NHS સ્ટાફને મળશે કે કેમ? હોમ સેક્રેટરી પટેલે લેખિત ઉત્તર વાળ્યો હતો કે,‘ આ ઓફર ટિયર-૨ (જનરલ) અથવા ટિયર-૫ વિઝા હેઠળ સ્પોન્સર કરાયેલા માઈગ્રન્ટ વર્કર્સ જ નહિ, ઈમિગ્રેશન કંટ્રોલ હેઠળ આવતા કોઈ પણ NHS ડોક્ટર, નર્સ અથવા પેરામેડિક સ્ટાફને લાગુ કરાશે, જેમના વિઝા ૧ ઓક્ટોબર ૨૦૨૦ અથવા તે અગાઉ પૂર્ણ થવાનાં હશે તેમજ NHS ટ્રસ્ટ દ્વારા કન્ફર્મ કરાય કે તેઓ વ્યક્તિને નોકરી પર ચાલુ રાખવા માગે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter