નવરાત્રિ ઢુંકડી જ છે અને ઉત્સાહપૂર્ણ ઊજવણીનો થનગનાટ ઉભરી રહ્યો છે. આ ઉત્સવી રોમાંચક માહોલમાં લોકપ્રિય ગુજરાતી લોકગાયક કિશન રાવલ MK ઈવેન્ટ્સ દ્વારા આયોજિત ‘ચાચર ચોક’માં લાઈવ પરફોર્મન્સ આપશે ત્યારે સંગીત, નૃત્યની રમઝટ અને રાસગરબાની પરંપરાગત ધૂમધામની રાત્રિઓનો આનંદ માણવા મળશે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિશેષ વાતચીતમાં કિશન રાવલે જણાવ્યું હતું કે, ‘મારી સંગીતયાત્રાની શરૂઆત બાળપણથી જ ઘરમાં પરંપરાગત ભજનો અને ગરબાના અવાજોની સંગાથે થઈ હતી. મધૂર ગીતસંગીતની કાયમી છાપ છપાઈ ગઈ અને ગાવાનું જોશ પ્રગટ્યું જે આજદિન સુધી મારી સાથે જોડાયેલું છે. વર્ષો વીતવા સાથે આ જોશ આજીવન પ્રતિબદ્ધતા સ્વરૂપે વિકસ્યું છે, એવી જગ્યા છે જ્યાં મારું હૃદય સતત ધબકતું રહે છે.’
‘ચાચર ચોક’માં આગામી પરફોર્મન્સ વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘યુકેના દર્શકો સામે ‘ચાચર ચોક’ જેવી વિશિષ્ટતાની રજૂઆત એક સન્માન છે. મારા લાઈવ પરફોર્મન્સ થકી લોકો પરંપરાગત ગુજરાતી સંગીતના સત્વની અનુભૂતિ કરશે. હું ખાસ તો એવી આશા રાખું છું કે યુવાન પેઢીને તેમના મૂળિયાંની સ્મરણીય ઝાંખી જોવા મળશે અને પ્રત્યેક શ્રોતા ગુજરાતના હૃદયના ધબકારા સાથે સંકળાઈ જવાનો અનુભવ માણી શકશે.’ પરંપરાગત ગુજરાતી સાઉન્ડને આધુનિક સ્ટાઈલો સાથે અનોખું સંમિશ્રણ કરવા સંદર્ભે કિશન રાવલે જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે સંગીત આજના યુવાન જનરેશનને પ્રેરણા આપવાની સાથોસાથ ગુજરાતી ગીતો સાથે તેમને જોડી રાખનારું બનવું જોઈએ. મારો અભિગમ ગુજરાતી લોકસંગીતના આત્માને જાળવી રાખવા સાથે સમકાલીન રિધમ્સ અને વાદ્યો સાથે સંમિશ્રણ કરવાનો રહ્યો છે. આ રીતે, કાલાતીત પરંપરાઓ જીવંત રહેશે તેમજ નવા ઓડિયન્સને તેની તાજગી અને આકર્ષણ ખેંચતા રહેશે.’
ગુજરાતી ડાયસ્પોરા સાથે સંકળાવાના મહત્ત્વ વિશે તેમણે જણાવ્યું હતું કે,‘ આ આવશ્યક છે. પરદેશમાં વસતા ગુજરાતીઓ માટે તેમને વતન સાથે સાંકળતી સૌથી મજબૂત કડીઓમાં એક સંગીત છે. હું પરફોર્મ કરું છું ત્યારે એમ લાગે છે કે જાણે આપણે બધા એક જ ભૂમિ સાથે જોડાયેલા છીએ. આપણા દોડભાગના જીવનમાં કેટલીક આનંદી પળોને માણવા સંગીત થકી એક થઈએ ત્યારે આખા વર્ષનો થાક તદ્દન ઓગળી જાય.’ વિદેશમાં રહેતા યુવાન ગુજરાતીઓ પર તેમના મ્યુઝિકની અસર વર્તાશે તેવી આશા વ્યક્ત કરવા સાથે કિશન રાવલે જણાવ્યું હતું કે, ‘હું આશા રાખું કે યુવા પેઢી તેમના મૂળિયાં અને સંસ્કૃતિ સાથેનો સંપર્ક કદી ભૂલે નહિ. મારા સંગીત થકી હું તેમને એ યાદ કરાવવાનું લક્ષ્ય રાખું છું કે આપણે ભલે ગમે ત્યાં હોઈએ, આપણી સુમધુર સંગીતરચનાઓ, ગીતો અને ગૌરવ હંમેશાં આપણા જ રહેશે. જો ગુજરાતનું સંગીત દરેકને એકબીજા સાથે બાંધી રાખે, તેમના દિલોને સાથે હલબલાવી નાખે તો તેનાથી વધુ વિશિષ્ટ કશું હોઈ ન શકે.’