વિદેશી ધરતી પર ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરે છે અક્ષરધામ મંદિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોબિન્સવિલે બીએપીએસ મંદિરની મુલાકાતે

Wednesday 26th August 2026 04:44 EDT
 
 

ન્યૂજર્સીઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે રોબિન્સવિલે સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન (બીએપીએસ) અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027ના આયોજનને લઈ મુખ્યમંત્રી રોકાણકારો, ઉદ્યોગકારો અને વિવિધ કંપનીના વડાને આમંત્રણ આપવા અમેરિકાના પ્રવાસે આવ્યા હતા.
રોબિન્સવિલે ખાતેના વિશાળ અક્ષરધામની મુલાકાત બાદ હરિભક્તો અને સંતોના સમૂહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ‘વિદેશી ધરતી પર ભારતની પ્રાચીન સંસ્કૃતિને જીવંત કરવા અને દેશના આધ્યાત્મિક વારસાને વિશ્વભરના સમુદાયો સુધી પહોંચાડવા માટે BAPSના પ્રયાસો પ્રસંશનીય છે.’ તેમણે આટલા સુંદર અક્ષરધામના નિર્માણમાં સહયોગ આપનાર સૌ હરિભક્તોની સેવાને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ મંદિર આવનારી પેઢીઓને સનાતન ધર્મ અને પ્રાચીન વારસા, સંસ્કૃતિ અંગે પ્રેરણા આપતું રહેશે. વિશ્વભરમાંથી અહીં આવનાર સૌને અહીં શાંતિ પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસના સાતમા દિવસે ન્યૂ જર્સીમાં આવેલા વિખ્યાત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. પૂ. સંત બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે મંદિરની આધ્યાત્મિક ચેતના, ભારતીય સંસ્કૃતિની ઝલક, પરંપરા અને સામાજિક સેવાકાર્યોની માહિતી મેળવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મંદિરની ભવ્યતા સાથે સંપ્રદાયની વૈચારિક દિવ્યતા વિદેશમાં પણ ભારતીય સંસ્કારોનું વહન કરી રહી છે.
મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કારવારસાને રજૂ કરતા મ્યુઝિયમની પણ પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે, માનવજાત માટે, સેવાને કેન્દ્રમાં રાખતા સનાતન ધર્મની બારિકીઓ મ્યુઝિયમમાં પ્રસ્તુત છે. વિદેશી ધરતી પર ભારતના વારસા, સંસ્કૃતિનું આવી રીતે સંવર્ધન એ પ્રસંશનીય છે.
અક્ષરધામની મુલાકાત વેળાએ પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્યમંત્રી અને ઉચ્ચ સ્તરીય ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું. બ્રહ્મવિહારી સ્વામીએ મુખ્યમંત્રીને સમગ્ર મંદિર પરિસરના નિર્માણ, અહીં થતી વિવિધ પ્રવૃત્તિની વિગતવાર માહિતી આપી હતી.
પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, ‘મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ મંદિરના આર્કિટેક્ટચર, તેની ભવ્યતા અને આધ્યાત્મિકતાથી અત્યંત પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીની રોબિન્સવિલે ખાતેના બીએપીએસ અક્ષરધામની મુલાકાત અમારા માટે ગૌરવની વાત છે. મંદિરની ભવ્યતા અને વિશાળ પરિસર, સુંદર કૃતિઓથી જ નહીં પરંતુ અહીંની દિવ્યતા અને આધ્યાત્મિક વાતાવરણથી પણ પ્રભાવિત થયા હતા. ખાસ કરીને, મ્યુઝિયમની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ‘તમે તો ભારતની પ્રાચીન સંસ્કૃતિને અહીં જીવંત કરી છે!’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter