લંડનઃ સ્ટેફર્ડશાયરના ટેમવર્થની રોલેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આંગળીના નખ વધારવા સામે પ્રતિબંધ મૂકાયો છે. શાળાના યુનિફોર્મ નિયમોના ભાગરુપે નખની લંબાઈ તેના મૂળથી ૧.૫ સેન્ટિમીટર કે ૦.૫ ઈંચથી વધુ ન હોવી જોઈએ તેવો નિયમ જાહેર કરાયો છે, જેની જાણ પેરન્ટ્સને પણ કરી દેવાઈ છે.
ટેમવર્થની રોલેટ સ્કૂલ મિક્સ્ડ સેકન્ડરી છે, જેમાં ૧૧થી ૧૬ વર્ષના કુલ ૯૬૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. ગયા વર્ષે માર્ચમાં ઓફસ્ટેડ ઈન્સ્પેક્શનમાં તેને ‘ગૂડ’ રેટિંગ અપાયું હતું. શાળાના હેડટીચર ટીમ બેસેટે નખની લંબાઈની સાથે તેનો રંગ ભડકીલો ન હોવો જોઈએ તેવી સૂચના પણ આપી છે. આ સૂચના શાળાના ફેસબૂક પેજ પર પણ મૂકાઈ છે.
પેરન્ટ્સ દ્વારા નવા નિયમોનો વિરોધ પણ કરાયો છે કે નખની ઓછી લંબાઈ અને વાર્નિશના સૂચનો બરાબર છે પરંતુ, ચોક્કસ લંબાઈ રાખવાની સૂચના હાસ્યાસ્પદ અને અમલ ન કરી શકાય તેવી છે. દરેકના નખની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. વિદ્યાર્થીઓના નખની લંબાઈ માપવા સ્કૂલ સત્તાવાળાઓ શું કરાશે?


