લંડનઃ વિન્ડરશ સ્કેન્ડલથી પ્રભાવિત લોકોમાં ભારતીય સૌથી મોટા સમૂહના સ્વરુપમાં ત્રીજા ક્રમે છે. કોમનવેલ્થ દેશોની નાગરિકતા ધરાવતા લોકોને બ્રિટિશ નાગરિકત્વના અધિકારોથી ખોટી રીતે વંચિત રખાયા છે. ઈમિગ્રેશન સંબંધિત વિન્ડરશ કૌભાંડમાં લોકોને ખોટી રીતે કાનૂની અધિકારોથી વંચિત રાખી સ્વદેશ પરત મોકલવા ધમકી અપાઈ છે.
માઈગ્રેશન ઓબ્ઝર્વેટરીના ઉપનિર્દેશક રોબ મૈકનીલના કહેવા અનુસાર વિન્ડરશ પેઢીનો ઉલ્લેખ એ લોકો માટે કરાય છે, જે ૧૯૭૩ પહેલાં બ્રિટન આવ્યા હતા, જ્યારે બ્રિટને કોમનવેલ્થ દેશોથી આવનાર અને મુખ્યત્વે જમૈકન, કેરેબિયન દ્વિપસમૂહ તેમજ ભારતીય અને અન્ય દક્ષિણ એશિયાઈ લોકોના નાગરિક અધિકાર પર કાપ મૂક્યો હતો.
હોમ સેક્રેટરી સાજિદ જાવેદ દ્વારા સંસદીય કમિટીને સૂચના અનુસાર ૧૦૨ ભારતીયોના દસ્તાવેજ આપી દેવાયા છે, જેથી એ બ્રિટનમાં રહીને કામ કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે. કોમનવેલ્થ દેશોના નાગરિકોના મામલાનો ઉકેલ લાવવા ખાસ સંસ્થા રચવામાં આવી છે. જેના થકી ૨૨૭૨ મામલાનું નિરાકરણ લવાયું છે, જેમાં જમૈકાના ૧૦૯૩, બાર્બાડોઝના ૨૧૩ કેસ છે, જ્યારે ૧૦૨ કેસ સાથે ભારત ત્રીજા ક્રમે છે.