વિભાજિત બ્રિટને ડાયસ્પોરા કોમ્યુનિટીઓ સાથે સંવાદ વધારવાની જરૂર

મનોજ લાડવા Tuesday 13th June 2017 14:44 EDT
 
 

યુકેની ચૂંટણીએ વિભાજિત ચુકાદો આપ્યો છે. એક વર્ષ અગાઉ બ્રેક્ઝિટ ચુકાદો પણ આવો જ હતો. કલ્પનાના ઘોડા દોડાવીએ કે સ્પીન ડોક્ટર્સ ગમે તેટલા દાવા કરે કોઈ પણ ચુકાદો નિર્ણાયક નથી. વાસ્તવમાં, ૨૦૧૦થી કન્ઝર્વેટિવ્ઝ અને લિબરલ ડેમોક્રેટ્સની દોસ્તીમાં વિખવાદ થયો ત્યારથી યુકે ઓછામાં ઓછું એક પેઢીથી ન જોવા મળી હોય તેવી રાજકીય વ્યગ્રતામાંથી પસાર થઈ રહ્યું છે. મારા મતે આ સમસ્યાનું મૂળ છે. બ્રિટિશ સમાજ ખુદ મુશ્કેલ ફોલ્ટ લાઈન્સથી પીડિત છે.

ત્રાસવાદ અને તેના કારણોના મૂળ ઘરઆંગણામાં જ રહેલાં હોવાની પ્રગટેલી સમજણ હોય અથવા અનિયંત્રિત ઈમિગ્રેશન અને તેની સામેના નકારાત્મક પ્રતિભાવો રંગદ્વેષી તણાવો તરફ દોરી જાય છે અથવા વધુ સરળ રીતે કહીએ તો બ્રિટિશ પ્રજાનો મોટો હિસ્સો પોતાના ભાવિની સ્પષ્ટ સમજ વિના નાણાકીય અસુરક્ષિતતા સાથે જીવે છે- ત્યારે વર્તમાન બ્રિટન એક દાયકા અગાઉની સરખામણીએ મૂળભૂત રીતે તદ્દન અલગ સ્થળ છે તેનો ઈનકાર થઈ શકતો નથી.

એ તો સારું છે કે બ્રિટનનો લોકશાહીવાદી સ્વભાવ અને મજબૂત, હેતુલક્ષી અને તટસ્થ સંસ્થાઓ તેની તાકાત અને સ્થિરતાની આધારશિલા છે. તેઓ વિશ્વભરમાં આદર ધરાવતા શિષ્ટ બ્રિટિશ સમાજના મૂળ તત્વોને એક બંધનમાં જકડી રાખે છે. કોઈ બીજો દેશે તો અત્યાર સુધીમાં મોટી ઉથલપાથલ નિહાળી હોત. આ જ સંદર્ભમાં આપણે વડા પ્રધાન તરીકે ચાલુ રહેવાની થેરેસા મેની ક્ષમતા તેમજ જેરેમી કોર્બીનનું વિદ્રોહી વિરોધકારમાંથી લગભગ માની શકાય તેવા પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઈટિંગમાં નોંધપાત્ર રુપાંતરને મૂલવવાં જોઈએ.

પરંતુ, મને ભય છે કે કોઈ પણ મુખ્ય રાજકીય પક્ષ દેશના ઘા રુઝાવી એકસંપ બનાવે તેવી ભાષા બોલી રહ્યા નથી. પોતાની જાતને નવા સ્વરુપે રજૂ કરવાના પ્રશંસનીય પ્રયાસો છતાં કન્ઝર્વેટિવ્ઝને ફરીથી થોડા વિશેષાધિકારિત લોકોની પાર્ટી ગણવામાં આવે છે જ્યારે લેબર પાર્ટી તેના હાર્દ સમાન સમર્થકો સમક્ષ મોટેથી અને અસરકારક રજૂઆત કરતી હોવાં છતાં ચૂંટણીઓ જીતાય છે અને ભારે મતથી જીતાય છે તેવા રાજકીય સેન્ટર ગ્રાઉન્ડમાં પહોંચવામાં નિષ્ફળ રહે છે. આથી જ યુકેની રાજકીય નેતાગીરી ફોલ્ટ લાઈન્સને તાકીદે રુઝાવે અને ‘તમારું અને અમારું’ની રાજકીય માનસિકતામાંથી બહાર આવે તે અનિવાર્ય છે. મારો રેફરન્ટ પોઈન્ટ હંમેશા મારી પોતાની કોમ્યુનિટી, બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી જ રહ્યો છે. વર્ષ ૨૦૧૦માં ૬૮ ટકા બ્રિટિશ ભારતીયોએ લેબર પાર્ટીને મત આપ્યા હતા. બીજી તરફ, ૨૦૧૫માં નાટ્યાત્મક વળાંકમાં ઝોક કન્ઝર્વેટિવ પાર્ટી તરફનો હતો, જેમાં પ્રથમ વખત લેબરના બદલે ટોરીને મત આપનારા બ્રિટિશ ભારતીયોની સંખ્યા વધુ હતી. આ ચૂંટણીનો ડેટા મળે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે પરંતુ, મને શંકા છે કે લેબર તરફનો સ્વિંગ કે ઝોક બાકીના દેશની માફક એટલો નાટ્યાત્મક રહ્યો નથી. અંશતઃ આ બાબત બ્રિટિશ ઈન્ડિયન્સ વિશાળ વોટબેન્ક હોવાની કલ્પનાને તોડી પાડે છે. આ એક સારી બાબત છે. પરંતુ, તમામ રાજકીય પક્ષો બ્રિટિશ ભારતીયો સાથે તમામ મહત્ત્વપૂર્ણ નીતિઓના મુદ્દે અર્થપૂર્ણ, રચનાત્મક અને પરિપક્વ સંવાદ કરશે ત્યાં સુધી જ આ બાબત સારી છે.

મને નિરાશા એ વાતની છે કે ચૂંટણીમાં કોઈ મંદિરની મુલાકાતો લેવી અથવા યુકે-ભારતના સંબંધો વિશે મોટી વાતો કે નિવેદનો કરી લેવાથી બ્રિટિશ ભારતીયોના મત મેળવી લેવાશે તેમ માનતા હોવાની છાપ બ્રિટિશ રાજકારણીઓ ઉપસાવે છે. વાસ્તવમાં, ગત થોડા વર્ષોમાં બ્રિટિશ ભારતીયો કુદરતી લેબર મતદારો નથી તેમ માની હાથ ધોઈ નાખી કાસ્ટ લેજિસ્લેશન, કાશ્મીર તેમજ ત્રણ દાયકા અગાઉ ભારતીય ઉપખંડમાં ઘટેલી ઘટનાઓ અંગે ઘા ઉખેળવા સહિતના મુદ્દે લેબર પાર્ટીની આકરી ટીકાઓ મેં કરી છે. આવું જ વલણ ‘તમારું અને અમારું’ રાજકારણ તરફ દોરી જાય છે, જે કોમ્યુનિટીના અસંતોષને ઠારવાના બદલે વિભાજિત કરે છે.

વડા પ્રધાન મોદીએ ભારતીય ડાયસ્પોરાને ‘જીવંત સેતુ’ તરીકે ગણાવ્યા છે, જે આપણા બે મહાન રાષ્ટ્રને પ્રેરણા આપે છે અને જોડી રાખે છે. હું આગળ એવી દલીલ કરીશ કે તેઓ ઘણા કોમનવેલ્થ રાષ્ટ્રો વચ્ચે પણ ‘જીવંત સેતુ’ બની શકે છે. જો બ્રિટનના સામુદાયિક સંવાદની ઊંડાઈ અને તેની ડાયસ્પોરા કોમ્યુનિટીઝની તાકાતના પ્રદર્શનની તાતી જરૂરિયાત હોય તો તે આજે જ છે. યુકે બ્રેક્ઝિટના અસ્થિર વહેણમાં આગળ વધી રહ્યું છે ત્યારે દંતકથારુપ વૈશ્વિક દૃષ્ટિકોણ અને સાહસિક ભાવનાનો લાભ હાંસલ કરવા બ્રિટનની ૧.૫ મિલિયન ભારતીય કોમ્યુનિટી સાથે આરંભ કરવો યોગ્ય બની રહેશે.

મનોજ લાડવા ઈન્ડિયા ગ્લોબલ બિઝનેસ મેગેઝિનના પ્રકાશક ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને સીઈઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter