વિલ અવશ્ય બનાવીએ સાથે લાસ્ટિંગ પાવર ઓફ એટર્ની (LPA)નું મહત્ત્વ પણ વિચારીએ

Wednesday 03rd June 2020 06:34 EDT
 
 

આપણે જોયું તેમ વિલ તમારા મૃત્યુ પછી તમારી એસ્ટેટ સંબંધિત બાબતોને હાથ ધરે છે અને માન્ય વિલ તમારા મૃત્યુ પછી તમારી ઈચ્છાનુસાર તમારી પ્રોપર્ટીની વહેંચણીને શક્ય બનાવે છે. જોકે, તમે કદી એ બાબતે વિચાર્યું છે કે તમે જીવતા હો ત્યારે અકસ્માતના કારણે અચાનક શારીરિક કે માનસિક બીમારીના શિકાર બનો અથવા વૃદ્ધાવસ્થા કે બીમારી થાય ત્યારે શું બની શકે? બીમારીના કારણે તમે અશક્ત કે અક્ષમ બની જાઓ અને જીવનભરની તમારી રોકડ બચતો, મહામૂલી પ્રોપર્ટી અને ઈન્વેસ્ટમેન્ટ્સ સંબંધિત કામકાજ કરી ન શકો ત્યારે તમારી પ્રોપર્ટીનું શું થશે અને તેનો વહીવટ કેવી રીતે કરી શકાશે? અક્ષમતાનું કારણ કોઈ પણ હોઈ શકે, અકસ્માત અથવા વૃદ્ધાવસ્થા અથવા માંદગી, જેના પરિણામે માનસિક અથવા શારીરિક ક્ષમતા ગુમાવવી પડે.
આવી પરિસ્થિતિમાં, તમારી તદ્દન નિકટના સ્વજનને પણ તમારા વતી કાર્ય કરવાના ઓટોમેટિક કાનૂની અધિકારો હોતા નથી. આનો અર્થ એ થાય કે તમારા સ્વજન મેડિકલ ટ્રીટમેન્ટ વિશે નિર્ણય લઈ શકતા નથી, તમારી એસ્ટેટમાંથી બિલ્સની ચૂકવણી કરી શકાતી નથી, તમારા વ્યક્તિગત બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરી દેવાશે અને કેટલાક સંજોગોમાં જોઈન્ટ બેન્ક એકાઉન્ટ્સ પણ સ્થગિત થઈ જશે, ઈન્વેસ્ટમેન્ટ્સના નિર્ણયો લઈ શકાય નહિ કે રદ કરી શકાય નહિ, પ્રોપર્ટીનું વેચાણ પણ થઈ ન શકે સહિતની સમસ્યા સર્જાઈ શકે છે. ખરેખર તો, તમારી એસ્ટેટ સંબંધિત કામકાજ કરવા માટે નિકટના સ્વજને કોર્ટ ઓર્ડર મેળવવાની જરુર પડશે જે પ્રક્રિયા, ભારે ખર્ચાળ, લાંબી અને દખલગીરી કરનારી બની રહે છે.
મોટા ભાગના કેસીસમાં જ્યારે વ્યક્તિ વૃદ્ધાવસ્થા, બીમારી અને અકસ્માતના કારણે અક્ષમ- અશક્ત બની જાય ત્યારે તેમના અવાજનું વિશેષ મહત્ત્વ રહેતું નથી, તેમને કોઈ સાંભળતું નથી. તેમને ઓછાં અસરકારક ગણવામાં આવે છે અને તેઓ પોતાના જીવનકાળમાં કમાયેલી સંપત્તિની સોંપણી કે વહીવટ કરી શકતા નથી. તેમની એસ્ટેટનો વહીવટ અયોગ્ય-અનિચ્છનીય રીતે કરવામાં આવે તેવી પણ શક્યતા રહે છે. વ્યક્તિની અક્ષમતા તેમને જીવનકાળ દરમિયાન પોતાની જ એસ્ટેટનો વહીવટ કરવાથી અળગા કરી દે છે. વિલ આવી પરિસ્થિતિ કે બાબતોમાં કામ લાગી શકતું નથી કારણકે તેનો અમલ વ્યક્તિના મૃત્યુ પછી જ કરાવી શકાય છે.
આવી મુશ્કેલ પરિસ્થિતિને ટાળી શકે તેવો ઉપાય લાસ્ટિંગ પાવર ઓફ એટર્ની – Lasting Power of Attorney (LPA) છે, જેના દ્વારા તમે જીવનકાળ દરમિયાન જાતે નિર્ણય લઈ શકો તેવી સ્થિતિમાં ન હો, અક્ષમ હો ત્યારે તમારા વતી નિર્ણય લેવાની સત્તા કોણ ધરાવશે તે નિશ્ચિત કરી શકો છો. લાસ્ટિંગ પાવર ઓફ એટર્ની તમારા બેન્ક એકાઉન્ટ્સનું સંચાલન સામાન્ય રીતે થાય તેની ચોકસાઈ કરે છે. તમારા ઈન્વેસ્ટમેન્ટ્સ, ફાઈનાન્સીસ અને મેડિકલ સારવારના નિર્ણયો પણ તમે પસંદ કરેલી વ્યક્તિ દ્વારા સમયસર કરવામાં આવે છે. તમારા બિલ્સની ચૂકવણી અને ઘણુ બધુ તેનાથી કરી શકાય છે. લાસ્ટિંગ પાવર ઓફ એટર્ની કાનૂની દસ્તાવેજ છે જે, તમારા સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતો સંબંધિત કામકાજ કરે છે અને તેની જરુર પડવા સાથે જ કોણ કામગીરી કરે તેની વ્યવસ્થા રાખે છે. આથી, LPA હોવાનું એટલા માટે ડહાપણભર્યુ છે કે જ્યારે તમે જીવનકાળમાં તમારા હિતો અને ઈચ્છાને આગળ ધરવામાં અક્ષમ કે અશક્ત બની જાઓ ત્યારે પણ તમારો અવાજ સાંભળવામાં આવશે, ઈચ્છા પૂર્ણ કરી શકાશે અને તેની વ્યવસ્થા તમારી પસંદગીની વ્યક્તિ મારફત થશે. લાસ્ટિંગ પાવર ઓફ એટર્ની તમારા એટર્નીને- નિયુક્ત વ્યક્તિને તમારી નાણાકીય બાબતો અને પ્રોપર્ટીની દેખરેખ તેમજ તમારા આરોગ્ય, કાળજી અને વેલ્ફેર માટેના નિર્ણયો લેવાની સત્તા આપે છે.
વિલ મૃત્યુ પછીની બાબતો સાથે સંબંધ ધરાવે છે. બીજી તરફ, LPA તમે વૃદ્ધાવસ્થા અથવા અકસ્માત અથવા બીમારીના કારણે અક્ષમ બની જાઓ છો તેવા તમારા જીવનકાળ દરમિયાન કામ કરે છે.

વધુ માહિતી માટે સંપર્કઃ

Rakesh Prajapati, Solicitor
email: [email protected]
Mobile: 07979 590 670


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter