લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કલની બોમ્બશેલ બાયોગ્રાફી ‘ફાઈન્ડિંગ ફ્રીડમ’ વિવાદના વંટોળ જગાવી રહી છે. ડ્યૂક એન્ડ ડચેસ ઓફ સસેક્સે અમેરિકા રવાના થતા પહેલા જીવનકથાના આલેખકો ઓમિડ સ્કોબી અને કેરોલીન ડુરાન્ડ સાથે ઈન્ટરવ્યૂમાં સ્ફોટક વિગતો આપી હોવાનું કહેવાય છે. આ પુસ્તક શાહી પરિવારની બે છાવણીઓ વચ્ચે હિસાબ ચૂકતે કરવાની પ્રક્રિયા બની રહેશે તેમ કહેવાય છે.
આમ તો ‘Finding Freedom: Harry and Meghan and the Making of a Modern Royal Family’ જીવનકથા સત્તાવારપણે ૧૧ ઓગસ્ટે રીલિઝ થવાની છે અને ૨૦ ઓગસ્ટથી તેની હાર્ડ કોપી મળવાની શરુ થશે પરંતુ, એમેઝોન યુકે પર અત્યારથી જ બેસ્ટસેલિંગ બુક બની ગઈ છે. યુએસ ચાર્ટ પર પુસ્તકે ૧૪મો ક્રમ હાંસલ કરી લીધો હતો. બૂકના વર્ણનમાં ‘હેરી અને મેગનની સાચી કથા ઘણા ઓછાં જાણે છે’ તેમ જણાવાયું છે. સ્કોબી અને ડુરાન્ડે પ્રિન્સ હેરી અને મેગનના નિકટતમ મિત્રો, રોયલ સહાયકો, પેલેસના સ્ટાફ (પૂર્વ અને વર્તમાન) સહિત ૧૦૦થી વધુ સ્રોતો સાથે વાતચીત કરી હતી અને પુસ્તકની તમામ વિગતો ‘ઓછામાં ઓછાં બે સ્રોત’ને આધારિત હોવાનું કહેવાયું છે.
હેરી અને મેગનના સહજીવનની અણજાણી વિગતો, અફવાઓ અને ગેરમાહિતીનો આ સાથે અંત આવશે તે સાથે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ આત્મવિશ્વાસી, પ્રભાવશાળી, વિચારશીલ દંપતી હોવાનો દાવો આ પુસ્તકમાં કરાયો છે. આ દંપતી પરંપરાગત માર્ગથી દૂર જવાથી ડરતું નથી, પ્રકાશથી દૂર અજાણ્યો માર્ગ કંડારે છે તેમજ વિશ્વમાં ગણનાપાત્ર તફાવત સર્જનારા માનવતાવાદી વારસાના નિર્માણને સમર્પિત છે તેવી પ્રશંસા કરવામાં આવી છે.
‘ફાઈન્ડિંગ ફ્રીડમ’ શાહી પરિવારને ખળભળાવશે
પ્રિન્સ હેરી અને મેગનની નવી બાયોગ્રાફીથી બકિંગહામ પેલેસમાં ખળભળાટ મચી ગયો છે અને તેનાથી શાહી પરિવારમાં વધુ તિરાડ પડશે તેવી ધારણા છે. શાહી જીવનથી દૂર ચાલ્યા જવાની મેગ્ઝિટ યોજનાની વિગતો પુસ્તકમાં વણી લેવી છે. એમ મનાય છે કે ક્વીનને તેમનો લાડકો પૌત્ર હેરી ફરી પરિવારમાં પાછો આવશે તેવી આશા હતી પરંતુ, બજારમાં નવા પુસ્તકના આગમન સાથે આ આશા ધ્વસ્ત થયાના લક્ષણો દેખાય છે. હેરી અને મેગને રાજાશાહીની બેડીઓ તોડવાનું પસંદ કર્યું હતું. તેઓ વર્કિંગ રોયલ્સ તરીકે રોષ અને નારાજગી ધરાવતા હતા તે આ પુસ્તકના પ્રેશર કૂકર તરીકે બહાર આવ્યું છે.
શાહી પરિવારના દ્વાર બંધ થઈ જશે?
આ પુસ્તકના કારણે હેરી અને મેગન ટ્રાયલ પીરિયડ પછી શાહી પરિવારમાં પરત ફરી શકે તેવા ચાન્સ નહિવત છે. આ જીવનકથા મોટી ભૂલ હોવાનું હવે તો કોઈ સ્વીકારશે જ નહિ. જોકે, સૂત્રો એમ પણ જણાવે છે કે સસેક્સ દંપતી કેલિફોર્નિયા છોડવા ઈચ્છતું જ નથી. પ્રિન્સ હેરી તો શાહી પરિવાર છોડવા એટલા ઉત્સુક હતા કે તેમણે શરુઆતમાં ૧૨ મહિનાના ટ્રાયલ પીરિયડની ઓફર ફગાવી દીધી હતી. આ ઓફર પાછળ મેગ્ઝિટ પછી હેરી અને મેગન યુકે પરત ફરી શકે તેવો આશય હતો. શાહી દરબારીઓ અને અન્ય સભ્યોએ આ રીવ્યૂનો આગ્રહ રાખ્યો હતો. આ પછી દાદીમા ક્વીને હેરીને સમજાવ્યો હતો કે જો તેમનો વિચાર બદલાય તો તેઓ પરિવારમાં પાછા ફરી શકે છે. જોકે, ડ્યૂક ઓફ સસેક્સે રીવ્યૂ પ્રોસેસનો ભારે વિરોધ કર્યો હતો. હેરીનું માનવું હતું કે રીવ્યૂના કારણે તેમના પરિવારથી છેડો ફાડવાની અસર ઘટી જશે. વિસ્ફોટક જીવનકથા અનુસાર હેરી માનતા હતા કે બકિંગહામ પેલેસના ‘ઓલ્ડ ગાર્ડ- જૂના જોગીઓ’ મેગનને પસંદ કરતા ન હતા અને મેગનનું જીવન મુશ્કેલ બનાવવા માગતા હતા. મેગ્ઝિટમાં રીવ્યૂ વિકલ્પ સામેલ નહિ કરવા માટે આ માન્યતા કારણભૂત હતી. જોકે, હેરીએ ક્વીનના દબાણ હેઠળ રીવ્યૂની વાત સ્વીકારી લીધી હતી.
પુસ્તકને હેરી અને મેગનના આશીર્વાદ?
આ પુસ્તકમાં પ્રિન્સ હેરી અને મેગન તેમજ બાકીના શાહી પરિવાર વચ્ચે જે સતત ઘર્ષણ અને તણાવોની સ્થિતિ રહી તેના પરિણામે સંબંધોમાં કડવાશ પછી ‘મેગ્ઝિટ’ સર્જાયું તેના વિશે રસપ્રદ અને વિસ્ફોટક વિવરણ કરાયું છે. આ બાયોગ્રાફી સાથે પોતાને કોઈ સંબંધ નથી તેવો ખુલાસો હેરી અને મેગને કર્યો છે પરંતુ, પુસ્તકમાં જે પ્રકારે ઝીણી વિગતો અપાઈ છે તેને જોતાં આ ખુલાસો ગળે ઉતરતો નથી. તેમણે આ પુસ્તકના લેખકોને કોઈ પ્રત્યક્ષ ઈન્ટરવ્યૂ કે વિગતો આપ્યાનો ઈનકાર કર્યો છે. લેખકોએ સસેક્સ દંપતીના સુરક્ષિત ખાનગી જીવનની વિગતો જાહેર કરી છે તેને જોતાં પ્રિન્સ હેરી અને મેગનના આશીર્વાદ મળ્યા હોવાનું મનાઈ રહ્યું છે. હેરી અને મેગનની મુલાકાતો, તેઓની પ્રથમ ડેટ્સ, મેગનની કેન્સિંગ્ટન પેલેસની પ્રથમ મુલાકાત તેમજ તેમના સંબંધને માત્ર ત્રણ મહિના થયા હતા ત્યારે કેવી રીતે હેરીએ ‘આઈ લવ યુ’ કહેવા સાથે મેગન પ્રત્યે પ્રેમની જાહેરાત કરી અને મેગને ‘આઈ લવ યુ, ટુ’ નો ત્વરિત ઉત્તર પાઠવ્યો તેની વિસ્તૃત વિગતો પુસ્તકમાં અપાઈ છે.
પિતા અને ભાઈ સાથેના સંબંધ ચર્ચાની એરણે
પુસ્તકમાં પ્રિન્સ હેરી તેમજ મોટા ભાઈ વિલિયમ સહિત અન્ય શાહી સભ્યો વચ્ચે ખટરાગને જાહેર કરાયો છે. જોકે, ઘણા લોકોનું માનવું છે કે આ કોઈના માટે સારું દેખાતું નથી. પુસ્તકમાં માતા વિનાના બે ભાઈ હેરી અને વિલિયમના સંબંધોની સાથોસાથ ડ્યૂક ઓફ સસેક્સના તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સના સંબંધોની પણ છણાવટ કરવામાં આવી છે. પ્રિન્સ હેરીને એમ લાગતું હતું કે પ્રિન્સ ચાર્લ્સ તેમના પિતા-પુત્રના સંબંધ કરતાં પોતાની જાહેર છબીને વધુ મહત્ત્વ આપતા હતા. બીજી તરફ, મેગન સાથેના સંબંધોમેં સાવચેતીથી આગળ વધવાની સલાહ આપનારા મોટાભાઈ વિલિયમના ‘દંભ’થી હેરી ત્રાસી ગયો હતો. વિલિયમ વાંરવાર મેગનના ઈરાદાઓ વિશે પૂછપરછ કરતા હતા અને તેમને લાગતું હતું કે ડ્યૂક ઓફ સસેક્સ વાસનામાં અંધ બની ગયા છે. વિલિયમને નાના ભાઈની ખુશીથી આનંદ હતો પરંતુ, આ સંબંધ કઈ તરફ જઈ રહ્યો છે તેના વિશે આશંકા હતી. આ પછી, ભાઈઓ વચ્ચે ભાગ્યે જ વાતચીત થતી હતી. હેરી શાર્લોટ અને જ્યોર્જ માટે ગિફ્ટ્સ લાવતો પરંતુ, તેનો પણ અંત આવી ગયો હતો. વિલિયમની પત્ની કેટ સાતે મેગનને જરા પણ મિત્રતા ન હતી. કેટ તેના તરફ ધ્યાન આપતી ન હોવાથી મેગન દુઃખી થતી હતી. કેટે બે ભાઈઓનો ખટરાગ દૂર કરવા કોઈ પ્રયાસ કર્યો નહિ તેમ દંપતીનું માનવું છે.
આ સમય કકળાટ કરવાનો નથીઃ થોમસ મર્કેલ
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સની જીવનકથા ‘ફાઈન્ડિંગ ફ્રીડમ’ બાબતે મેગનના પિતા થોમસ મર્કેલ પણ નારાજ છે. મેક્સિકોના રોઝારિયો ખાતેના નિવાસેથી થોમસ મર્કેલે કહ્યું હતું કે તેઓ મેગન જે બની ગઈ છે તેને જરા પણ પસંદ કરતા નથી. પ્રિન્સ હેરી અને મેગન તેમજ બાકીના શાહી પરિવાર વચ્ચે જે ઘર્ષણ અને તણાવો ચાલતા હતા તેના પરિણામે સંબંધો તૂટી ગયાનું વિવરણ આ પુસ્તકમાં કરાયું છે. થોમસ મર્કેલે જણાવ્યું હતું કે,‘ કોઈ પણ બાબતે કકળાટ કે ફરિયાદો કરવાનો તેમના માટે આ સૌથી ખરાબ સમય છે કારણકે વિશ્વમાં તમામ સ્થળોએ લોકો કોરોના વાઈરસ મહામારીના કારણે યાતના સહન કરી રહ્યા છે. હું મારી પુત્રીને પ્રેમ કરું છું પરંતુ, તે જે બની ગઈ છે તે હું ખરેખર પસંદ કરતો નથી.’ ઓમિડ સ્કોબી અને કેરોલીન ડુરાન્ડ લિખિત આ પુસ્તકમાં ૭૬ વર્ષના થોમસ મર્કેલનો ઉલ્લેખ પણ કરાયો છે.