વિવાદિત રાઈટ ટુ રેન્ટ નિયમ વાજબીઃ અપીલ કોર્ટે બહાલી આપી

Wednesday 29th April 2020 02:16 EDT
 
 

લંડનઃ બ્રિટિશ સરકારની વિવાદાસ્પદ રાઈટ ટુ રેન્ટ યોજનાને યુકેની અપીલ કોર્ટે વાજબી ઠરાવતો ચુકાદો આપતા હોમ ઓફિસનો વિજય થયો છે. ગત વર્ષે જ હાઈ કોર્ટે આ નિયમને વર્ણભેદની દૃષ્ટિએ ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. હોમ ઓફિસે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ કરી હતી. ધ જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ દ્વારા સરકારની અપીલનો વિરોધ કરાયો હતો. હોમ ઓફિસે કહ્યું હતું કે યુકે પાસપોર્ટ સાથેના ભાડૂતની પસંદગી કરી મકાનમાલિકો ભેદભાવ કરતા હોય તો સરકારને જવાબદાર ઠરાવી ન શકાય. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આશરે ૧૭ ટકા વસ્તી પાસે બ્રિટિશ પાસપોર્ટ નથી.

અપીલ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બ્રિટિશ પાસપોર્ટ ન ધરાવતા કેટલાક સંભવિત ભાડૂતો સાથે કેટલાક મકાનમાલિકો દ્વારા ભેદભાવ કરાયો હોવાં છતાં, આ યોજના કાયદેસર હેતુ હાંસલ કરવાના યોગ્ય સાધન તરીકે વાજબી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે વહીવટી કારણોસર અને અનિયમિત ઈમિગ્રન્ટને ભાડે આપવાના કારણે સર્જાનારી સ્થિતિના ભયે આવો ભેદભાવ કરાયો હોઈ શકે પરંતુ, મોટા ભાગના લેન્ડલોર્ડ્સે ભેદભાવ વિના જ નિયમનું પાલન કર્યું હતું.

યુકેમાં ગેરકાયદે માઈગ્રેશન વિરોધી વાતાવરણ સર્જવા હોમ ઓફિસની યોજનામાં આ નિયમ મહત્ત્વપૂર્ણ હતો. આ નિયમ હેઠળ ખાનગી મકાનમાલિકોએ ભાડૂતો તેમજ સંભવિત ભાડૂતોના ઈમિગ્રેશન સ્ટેટસને ચકાસવાના હતા. જે મકાનમાલિકો ચકાસણી ના કરે તેમને પાંચ વર્ષ સુધી જેલની સજા અને દંડની જોગવાઈ રખાઈ હતી.

ગત વર્ષે જ હાઈ કોર્ટે મકાનમાલિકે દ્વારા સંભવિત ભાડૂતોના ઈમિગ્રેશન સ્ટેટસની ચકાસણીના આ નિયમને ગેરકાયદે અને વર્ણ ભેદભાવપૂર્ણ ઠરાવ્યો હતો. હાઈ કોર્ટે જણાવ્યું હતું કે તેનાથી વંશીય લઘુમતી પશ્ચાદભૂ સાથેના બ્રિટિશ નાગરિકો  તેમજ ભાડે રાખવાના કાનૂની અધિકાર ધરાવતા વિદેશીઓ સાથે મકાનમાલિકોએ ભેદભાવ કરવો પડતો હતો. આ નીતિ અપ્રમાણસર ભેદભાવની અસર ધરાવતી હોવા સાથે ઈમિગ્રેશને નિયંત્રણમાં લેવા પર અસરહીન હોવા ઉપરાંત, યુરોપિયન માનવાધિકાર કાયદા મુજબ ભેદભાવથી આઝાદીના અધિકાર સાથે સુસંગત ન હતી. 




to the free, weekly Gujarat Samachar email newsletter