વિશ્વ કપમાં ઈંગ્લેન્ડને બદલે ભારતને કરાતા સપોર્ટથી મને દુઃખ થયું

- લોર્ડ ડોલર પોપટ Wednesday 10th July 2019 03:22 EDT
 
 

લંડનઃ આ વર્ષનો આઈસીસી વર્લ્ડકપ, ક્રિકેટના સંપૂર્ણપણે વિજયોલ્લાસ જેવો રહ્યો છે. વિશાળ જનમેદની, રસાકસીભરેલી મેચો અને (મોટાભાગે !) સારા હવામાનને લીધે ૫૦ ઓવરની આ રમત માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગયા રવિવારે (૩૦ જૂન) ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી મેચ ખૂબ તણાવપૂર્ણ મામલો રહ્યો. ઈંગ્લેન્ડની બોલિંગ અને ફિલ્ડીંગ ઉત્કૃષ્ટ રહી હતી. રમતના અંતે ભારત ૩૧ રનથી હાર્યું તે અગાઉ ઘણી ઓવર સુધી તો લાગતું હતું કે ભારત ૩૩૮ રનના પડકારજનક લક્ષ્યને હાંસલ કરી લેશે. જોકે, એજબાસ્ટનમાં મેદાન પર ચાલતી રમત નહીં, પરંતુ, હજારો બ્રિટિશ ભારતીયો તેમના વતનના કોહલીની ટીમના ખેલાડીઓને સપોર્ટ કરી રહ્યા હતા તેના પર મારું ધ્યાન ગયું હતું.

બ્રિટનને પોતાનું વતન કહેવડાવે છે તેવા ઘણાં લોકોને તેને બદલે પોતાના પૈતૃક વતનને સપોર્ટ કરવાની ફરજ પડી હોય તેવું લાગતું હતું તેનાથી મને ખૂબ દુઃખ થયું. બ્રિટિશ ભારતીય સમુદાય બ્રિટિશ સમાજમાં ખૂબ સારી રીતે ભળી ગયો છે અને મને ખબર છે કે ઘણાં ભ્રિટિશ ભારતીયો ઈંગ્લેન્ડને સપોર્ટ કરી રહ્યા હતા પણ વિશ્વના કેમેરામેનોએ તે દ્રશ્યો બતાવ્યા જ નહીં. તેનાથી આપણી વફાદારી હકીકતે શેમાં રહેલી છે તે બાબતે એકંદરે ઈંગ્લિશ વ્યક્તિ સમક્ષ ખોટી છાપ પડી હતી. તે દર્શાવે છે કે આપણો સમુદાય આગળ ધપવાને બદલે પાછળ પડી ગયો છે.

ગયા અઠવાડિયે હું શેડવેલની એક ઈંગ્લિશ મહિલાને મળ્યો. તેઓ રવિવારે લંચ માટે ગયા હતા. તેમણે બ્રિટિશ ભારતીય યુવાનોને ભારતના સમર્થનમાં બૂમો પાડતા જોયા. જે લોકો અહીં રહ્યા, ભણ્યા અને કામ કર્યું અને સ્પષ્ટ ઈંગ્લિશ બોલે છે, રાષ્ટ્રીયતાથી બ્રિટિશ છે અને અડધા કરતાં વધુ અહીં જન્મ્યા છે તેઓ એક ક્રિકેટ મેચમાં તેમની હોમ કન્ટ્રી માટે આનંદ વ્યક્ત ન કરી શક્યા એ વાતનો તેમને ખૂબ ખેદ થયો. આ તો એકમાત્ર મહિલા હતા, પરંતુ, આખા દેશમાં આવા કેટલા બધાં લોકો હશે ?

આ નાની બાબતો કેટલી મહત્ત્વની હોય છે તે કેટલીક વખત આપણે ભૂલી જઈએ છીએ. બ્રિટિશ ભારતીયો પોતે કેવા દેશભક્ત છે અને બ્રિટિશર હોવાનું પોતાને કેટલું ગર્વ છે તેની વાતો કરતા હોય છે. પરંતુ, તેમ જ હોય તો માત્ર વાતો જ ન કરવી જોઈએ, તે મુજબનું વર્તન પણ કરવું જોઈએ. આપણને આપણી હોમ કન્ટ્રી માટે કેટલું ગૌરવ છે તે દર્શાવવું જોઈએ. અને આપણામાંથી ઘણાં લોકો જેઓ ઈસ્ટ આફ્રિકાથી પ્રતિકૂળ સંજોગોમાં આવ્યા હતા તેમણે તો બ્રિટને આપણા બાળકોને શિક્ષણ સહિત આપણને જે તકો આપી છે તે યાદ રાખવી જોઈએ.

આ કિસ્સામાં હું ઘણી વખત તો ભગવાન કૃષ્ણે જે સમરૂપતા દર્શાવી હતી તેનો ઉલ્લેખ કરું છું. તેમને બે માતા હતી. એક માતાએ તેમને જન્મ આપ્યો હતો અને બીજી માતાએ તેમને અપનાવીને તેમનું ભરણપોષણ કર્યું હતું. પરંતુ, ભગવાન કૃષ્ણે હંમેશા તેમની ભરણપોષણ કરનારી માતા પ્રત્યે વફાદારી દર્શાવી હતી. તેવી જ રીતે ઘણાં બ્રિટિશ ભારતીયોની વફાદારી હંમેશા તેમણે જેને વતન તરીકે અપનાવ્યું છે તે ઈંગ્લેન્ડ પ્રત્યે જ રહેશે.

હું સમજી શકું છું કે જ્યારે ક્રિકેટના ટૂંકા ફોર્મેટની વાત આવે ત્યારે ભારતની ટીમમાં ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓ છે. આઈપીએલ અને ભારતીય ક્રિકેટમાં જંગી રોકાણ સાથે, કોહલી, ધોની અને બૂમરાહ આ રમતના કેટલાંક આગળ પડતાં નામો છે. તેમની રમત જોઈને તેમજ તેમણે આ મહાન રમતને જે લોકપ્રિયતા અપાવી છે તેનાથી મને ખૂબ આનંદ થયો છે.

પરંતુ, જો ક્રિકેટીંગ ગોડ્સ એવું નક્કી કરે કે આ ટુર્નામેન્ટના ફાઈનલ રાઉન્ડ્સમાં ફરી આ બન્ને સામસામે ટકરાય તો મેં છેલ્લે કર્યું હતું તેમ હું ફરીથી મારા દેશ ઈંગ્લેન્ડને જ સપોર્ટ કરીશ. હું ચોક્કસપણે માનું છું કે બ્રિટિશ ભારતીયો પણ તેમ જ કરશે. અલબત્ત, શું કરવું તે તેમણે પસંદ કરવાનું છે.

આપણો દેશ જ્યારે વિશ્વમંચ પર નવેસરથી પોતાની ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવા સમયે અને લાંબા સમયથી પડતર કેટલીક સમસ્યાઓ અને સમાજમાં પ્રવર્તતી તંગદિલીના ઉકેલ માટે આપણે બ્રેક્ઝિટ બાદનું ભવિષ્ય ઘડવા જઈ રહ્યા છીએ તેવા સમયે બ્રિટિશ ભારતીય સમુદાયે બ્રિટન આવેલી એક કોમ્યુનિટી તરીકેનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ અને બ્રિટનને આપણું વતન કહેવામાં ગૌરવ અનુભવવું જોઈએ.

આપણે બ્રિટનના કેટલા આભારી છીએ તેની ફરીથી ખાતરી આપવા અને બ્રિટિશ ભારતીયો આ મહાન દેશમાં કેવી રીતે સફળ થયા છે તે દર્શાવવા માટે આ રસપ્રદ ટુર્નામેન્ટને તક તરીકે ગણવી જોઈએ. આપણે આપણા ભૂતકાળ તરફ નથી જોતાં પરંતુ, આપણે બ્રિટનના ભવિષ્યનો મધ્ય ભાગ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter