લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સતત પાંચમા વર્ષે પણ વિશ્વમાં શ્રેષ્ઠ યુનિવર્સિટી હોવાનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે પરંતુ, યુકે અને યુએસ કરતા એશિયન યુનિવર્સિટીઓ આગળ નીકળી રહી છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ત્રીજા સ્થાનેથી સરકીને છઠ્ઠા ક્રમે પહોંચી છે અને ઈમ્પિરિયલ કોલેજ લંડન પ્રથમ ૧૦ ક્રમમાંથી બહાર નીકળી ગઈ છે. મોટા ભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી પર આધાર રાખતી બ્રિટિશ યુનિવર્સિટીઓ માટે કપરો કાળ ચાલી રહ્યો છે.
વાર્ષિક મોજણીમાં વિશ્વની ૧,૫૦૦ યુનિવર્સિટીઓને શિક્ષણ, સંશોધન, સાઈટેશન્સ, આંતરરાષ્ટ્રીય અભિગમ અને ઈન્ડસ્ટ્રીની આવક એમ પાંચ ક્ષેત્રમાં ક્રમાંકિત કરાય છે. બ્રિટનની ૨૯ યુનિવર્સિટી પ્રથમ ૨૦૦માં આવી છે જે સંખ્યા ગયા વર્ષે ૨૮ની હતી. જોકે, ૧૫ યુનિવર્સિટીએ તેમના અગ્રક્રમો ગુમાવ્યા હતા. યુકેની યુનિવર્સિટીઓનું પરફોર્મન્સ પાંચ વર્ષથી કથળી રહ્યું છે. ટોપ ટેનમાં યુનાઈટેડ સ્ટેટ્સની આઠ યુનિવર્સિટી છે. ઓક્સફર્ડ પછી કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ, માસાચ્યુસેટ્સની હાર્વર્ડ, કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કેમ્બ્રિજ, બર્કલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, યેલ, પ્રિન્સટન અને યુનિવર્સિટી ઓફ શિકાગોના ક્રમ આવે છે. ઈમ્પિરિયલ કોલેજ લંડન એક સ્થાન ગુમાવી ૧૧મા ક્રમે આવે છે. એશિયન યુનિવર્સિટીઓમાં મેઈનલેન્ડ ચાઈનાની સાત યુનિવર્સિટી પ્રથમ ૨૦૦માં આવે છે. બીજિંગની ત્સિંગગુઆ યુનિવર્સિટી ૨૦મા સંયુક્ત ક્રમે છે જ્યારે પેકિંગ યુનિવર્સિટી ૨૩મા અને નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર ૨૫મા ક્રમે છે.