લંડનઃ વી.કે. કૃષ્ણમેનન અને ઈન્ડિયા લીગની કથા જણાવતા આગામી ફિલ્મ પ્રોજેક્ટ ‘ફ્રીડમ ફ્રેન્ડ્સ’નું લોન્ચિંગ ઓક્ટોબરના આરંભે ઈન્ડિયન YMCA ખાતે કરવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષામાં આ ફીચર ફિલ્મનું ડાયરેક્શન નેશનલ એવોર્ડવિજેતા ભારતીય ફિલ્મનિર્માતા આર. સરથ દ્વારા તેમજ ટિમ લેન્ગફોર્ડ દ્વારા સહલેખન કરાયું છે. આ ફિલ્મમાં વી.કે. કૃષ્ણમેનનની ઓછી જાણીતી વાતો અને ઈન્ડિયા લીગમાં લંડનમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની હિમાયત કરનારા તેમના બ્રિટિશ સાથીઓ વિશે જણાવાયું છે.
લોન્ચિંગ કાર્યક્રમમાં ખાસ રિયાધથી આવેલા પ્રોડ્યુસર જોલી લોનાપ્પન (જોલીવૂડ મૂવીઝ) તેમજ કેમડેનના કાઉન્સિલર રિશિ મંડલાણી (ચીફ ગેસ્ટ) અને ઈન્ડિયન YMCAના સીઈઓ લીઓનાર્ડ સાલીન્સ ઉપરાંત, ફિલ્મના અન્ય પ્રોડ્યુસરોમાં ફોર યોર એન્ટરટેઈનમેન્ટ ઈન આયર્લેન્ડના ગૌરવ એચ. સિંહ અને શ્વેદા દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મ ફાઈનાન્સના ભાગીદારોમાં એક નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ભારતમાં પોસ્ટ-પ્રોડક્શનમાં ફંડિંગ કરવાનું સ્વીકાર્યું છે. ફિલ્મનિર્માતાઓ વાર્ષિક ઈન્ડિયા વીકના ફિલ્મ કોન્ક્લેવની ટીમ સાથે વાતચીત કરી રહેલ છે, જેઓ યુકેમાં ફંડરેઈઝિંગ અને પ્રોડક્શનની કામગીરીમાં ભારતીય મૂળના ઘણા ફિલ્મનિર્માતા સાથે સહયોગ કરી રહ્યા છે.
‘ફ્રીડમ ફ્રેન્ડ્સ’માં મક્કમ નિર્ધાર સાથેના યુવા વિદ્યાર્થીમાંથી બ્રિટિશ સંસ્થાનવાદી શાસન વિરુદ્ધ ભારતીય રાષ્ટ્રવાદની હિમાયત કરનારી લંડનસ્થિત સંસ્થા ઈન્ડિયા લીગમાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બનવા તરફ વી.કે. કૃષ્ણમેનનની યાત્રા, બૌદ્ધિક પ્રતિભા, રાજકીય ચતુરાઈ અને આઝાદીની અથાગ હિમાયત સાથે ભારતીય આઝાદીની ચળવળનું ચિત્રણ કરવામાં આવ્યું છે.


