લંડનઃ કોરોના લોકડાઉન દરમિયાન થયેલા હજારો વિલ કાયદેસર અમલને પાત્ર ન હોવાનું ઠેરવતા વ્હાઈટહોલ સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિલ વીડિયો કોલ્સની સાક્ષીએ થયા હતા. જોકે, અસંખ્ય કાનૂની પડકારોથી સર્જાતી અંધાધૂંધીને ટાળવા માટે કાયદા મંત્રાલય આગામી સપ્ટેમ્બરમાં એક કાયદો લાવી રહ્યું છે જે ગઈ ૩૧ જાન્યુઆરીથી થયેલા તમામ ‘વીડિયો વિલ’ને પાછલી અસરથી કાયદેસર બનાવશે.
લોકડાઉનને લીધે ‘ઝૂમ’ એપ જેવા પ્લેટફોર્મ પર સોલિસિટરોની એપોઈન્ટમેન્ટમાં ભારે ઉછાળો આવ્યો હતો. પરંતુ, મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ (MoJ)ના અધિકારીઓએ હવે ઠેરવ્યું છે કે દૂરથી થયેલા વિલને કાયદેસર માન્યતા આપી શકાય નહિ કારણકે ઘણાં વિલ ઝૂમ પર સોલિસિટર્સ સાથેની મિટિંગમાં થયા હતા. વિલ કરનારા અને સાક્ષીઓ સ્પષ્ટ રીતે દેખાય તેમ રૂબરૂ હાજર હોવા જોઈએ.
બ્રિટિશ કાયદાઓમાં ૨૧મી સદીને અનુરુપ ઘણા ફેરફાર થાય છે ત્યારે વિલ્સ એક્ટ ૧૮૩૭ના સેક્શન ૯માં પણ સુધારો થવો જોઈએની માગણી થઈ રહી છે. આ સેક્શન વસિયતલક્ષી સાક્ષીઓની ફીઝિકલ હાજરી પર ભાર મૂકે છે. સદીઓથી વિલ માટે ત્રણ બાબત- એક તો તે લખાયેલું હોવું જોઈએ, સહી થઈ હોવી જોઈએ અને તે સાક્ષીની હાજરીમાં થઈ હોય તે આવશ્યક ગણાય છે બીજી તરફ, ઓનલાઈન અરજીઓ મારફત ડ્રાઈવિંગ લાઈસન્સ અને પાસપોર્ટ જેવા અતિ મહત્ત્વના દસ્તાવેજો મેળવી શકાય છે. જિના મિલર અને હેલેના કેનેડી QCએ યુદ્ધકાળની સ્થિતિમાં મૌખિક વસિયત નિવેદનોને પ્રોબેટ માટે માન્ય ગણાવાતા હતા તે રીતે જોગવાઈઓને કોરોના મહામારીમાં પણ લાગુ કરવા જણાવ્યું છે.