વૃદ્ધ મહિલાનાં ઘરના ફ્રીઝરમાં સંતાડેલા ઝવેરાતનો ખજાનો મળ્યો

Wednesday 13th November 2019 03:53 EST
 
 

લંડનઃ એવી કહેવત છે કે ‘ખુદા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે’ વિલ્ટશાયરના ઉફિંગ્ટનના પરિવારને આવો જ અનુભવ થયો જ્યારે તેમની વૃદ્ધ તરંગી પેન્શનર સંબંધી મહિલાના મૃત્યુ પછી ઘરના ફ્રીઝરમાં સંતાડેલા ઝવેરાતનો ખજાનો તેમને મળ્યો. વારસાના વેચાણ સંબંધે પૌત્ર દ્વારા પ્રોપર્ટીમાં કોઈ પ્રાચીન ચીજવસ્તુ હોય તો તેને શેધવા ઓક્શનર્સને કામગીરી સોંપી હતી, જેમાં ૫૦૦ વર્ષ જૂની જ્વેલરી સહિત ૧૦૦,૦૦૦ પાઉન્ડનો ખજાનો પ્રાપ્ત થયો હતો. આ ખજાનાની ૧૩ નવેમ્બરે સ્વીન્ડોન ખાતે હરાજી થવાની છે.

પરિવારને ૧૯૬૦ના દાયકામાં સમૃદ્ધ મહિલાએ લંડનના ડીલર્સ, જ્વેલર્સ અને ઓક્શનર્સ પાસેથી સારી વસ્તુઓ ખરીદ્યાની જાણ હતી. આ બધી વસ્તુઓ ક્યાં છે અને તેમનું શું થયું તેની જાણ ન હોવાથી તેની શોધખોળ માટે નિષ્ણાતોને બોલાવ્યા હતા. પેન્શનર સંબંધીના ગ્રામ્યવિસ્તારમાં જર્જરિત ઘરમાં ઓક્શનરોએ તપાસ આરંભી ત્યારે જૂના ફ્રીઝરના ખાનામાં માંસના ટુકડાઓ સાથે જ્વેલરીનો ખજાનો પણ મળી આવ્યો હતો. બેન્ક વોલ્ટ અથવા સેફ્ટી ડિપોઝીટ બોક્સના બદલે ડીપ ફ્રીઝરમાં છુપાવાયેલો આ પુરાકાલીન ખજાનો કોઈ બેન્કને લૂંટીને એકત્ર કરાયેલી જ્વેલરીનો ન હતો પરંતુ, ૧૯૬૦ના દાયકામાં ખરીદાયો હતો. હકીકત એ હતી કે આ ધૂની મહિલાને પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હતો અને તેમણે પુરાવા તરીકે રસીદો પણ રાખી હતી.

આ જ્વેલરીના કુલ ૩૦ લોટમાં ૧૬મી સદીના રેનેસાંકાળના ૩૦,૦૦૦ પાઉન્ડના રત્નજડિત પેન્ડન્ટ, ૧૭મી સદીના ઈટાલિયન નીલમ અને માણેકથી જડાયેલું ૧૫,૦૦૦ પાઉન્ડનું પેન્ડન્ટ તેમજ ૪૦૦ વર્ષ જૂના અને માણેક, હીરા અને પન્નાથી જડિત આઈબિરિયન ગોલ્ડના ૬,૦૦૦ પાઉન્ડના નેકલેસના સેટ ઉપરાંત, સોના-ચાંદીની વીંટીઓ, બ્રેસલેટ્સ, પેન્ડન્ટેસ, એરિંગ્સ અને બ્રોચનો સમાવેશ થાય છે. આ જ્વેલરીની પ્રાથમિક કિંમત ૧૦૦,૦૦૦ પાઉન્ડ રખાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter