વૃદ્ધ શેરચાનનું એવરેસ્ટ વિજયનો રેકોર્ડ ફરી સ્થાપવાનું સ્વપ્ન રોળાયું

Wednesday 10th May 2017 06:45 EDT
 
 

લંડન,કાઠમંડુઃ સૌથી વૃદ્ધ વયે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર વિજય હાંસલ કરવાની ૮૫ વર્ષીય મીન બહાદુર શેરચાનનું સ્વપ્ન આખરે રોળાઈ ગયું હતું. નેપાળી પર્વતારોહક અને પૂર્વ બ્રિટિશ ગુરખા સૈનિક મીન બહાદુર શેરચાન પોતાના માટે નવો વિક્રમ બનાવવા એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા પછી શનિવાર, ૬ મેની સાંજે સંભવતઃ હૃદય બંધ પડી જવાથી મોતને ભેટ્યા હતા. આ ઘટનાના પગલે એવરેસ્ટ સર કરવા માટે વયમર્યાદા લાદવા નેપાળ દ્વારા વિચારણા થઈ રહી છે. પર્વતારોહકની વયમર્યાદા ૭૬ વર્ષ રાખવા નેપાળ માઉન્ટેનીઅરીંગ એસોસિયેશન સરકાર પર દબાણ લાવવા માગે છે.

શેરચાન ૭૬ વર્ષના હતા ત્યારે મે ૨૦૦૮માં માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વયોવૃદ્ધ પર્વતારોહક બનવાનો વિક્રમ નોંધાવ્યો હતો પરંતુ, ૨૦૧૩માં જાપાની પર્વતારોહક યુઈશિરો મિઉરાએ ૮૦ વર્ષની વયે માઉન્ટ એવરેસ્ટ સર કરી નવો વિક્રમ બનાવ્યો હતો. આ પછી શેરચાને ફરી વિક્રમ સ્થાપવા તૈયારી આરંભી હતી. ગત મહિને એવરેસ્ટ યાત્રા આરંભવા પહેલા શેરચાને મહિનાઓ સુધી તાલીમ લીધી હતી. તેમણે પોતાને શ્વાસની કોઈ તકલીફ ન હોવાનો દાવો કર્યો હતો. તેમનું બ્લડ પ્રેશર પણ સામાન્ય જ હતું.

મીન બહાદુર શેરચાને ૨૦૧૫માં જ રેકોર્ડ પુનઃ સ્થાપિત કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ, તેઓ બેઝ કેમ્પ તરફ જઈ રહ્યા હતા ત્યારે જ વિનાશક ધરતીકંપ આવવાથી પર્વતારોહકોએ તેમના પ્રયાસ પડતા મૂકવાની ફરજ પડી હતી. બેઝ કેમ્પ પર શેરચાનના મૃત્યુથી વયોવૃદ્ધ લોકો માઉન્ટ એવરેસ્ટ સર કરવા પ્રયાસ કરે છે તે બાબતે હિમાલય પર્વતમાળામાં વિષમ પરિસ્થિતિ અને ઓક્સિજનના અલ્પ પ્રમાણના લીધે ચિંતા સર્જાઈ છે. નેપાળના કાયદા હેઠળ એવરેસ્ટ ચઢવા માટે પર્વતારોહકની ઓછામાં ઓછી વય ૧૬ વર્ષ હોવી જરૂરી છે. જોકે, વધુમાં વધુ વય કેટલી હોવી જોઈએ તેનો કોઈ ઉલ્લેખ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter