લંડનઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ લોર્ડ જોનાથન સમ્પશન વધુ એક વિવાદમાં ઝડપાયા છે. તેમણે NHSના ડોક્ટરો કેપ્ટન ટોમના બદલે ૨૫ વર્ષના યુવાનને બચાવવાનું પસંદ કરી શકે તેવું સૂચન કરી સનસનાટી મચાવી છે. અગાઉ તેમણે આંતરડાના ચોથા સ્ટેજનું કેન્સર ધરાવતી મહિલા ડેબોરાહ જેમ્સનાં જીવનનું મૂલ્ય અન્યો કરતાં ઓછું હોવાનું જણાવી વિવાદ સર્જ્યો હતો. GMB કાર્યક્રમમાં તેમના ઉત્તરથી લોકો રોષે ભરાયા હતા અને લોર્ડને ‘નૈતિક રીતે નાદાર’ અને ‘ભયાનક’ ગણાવ્યા હતા.
GMB કાર્યક્રમમાં હોસ્ટ પિયર્સ મોર્ગને પ્રશ્ન પૂછ્યો ત્યારે લોર્ડ સમ્પશનને ખ્યાલ ન રહ્યો કે તેઓ NHS માટે આશરે ૩૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ એકત્ર કરનારા સદીવીર હીરો કેપ્ટન ટોમ વિશે પૂછી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ૭૨ વર્ષીય પૂર્વ જજ લોર્ડ સમ્પશને કહ્યું હતું કે જો સ્રોતો મર્યાદિત હોય તો NHS દ્વારા યુવાન કરતા વૃદ્ધ કેપ્ટનની પ્રાથમિકતા ઓછી રહેશે.
રવિવારે જ બીબીસીના બિગ ક્વેશ્ચન્સ કાર્યક્રમમાં લોર્ડ ચોથા સ્ટેજના આંતરડાના કેન્સર સામે ઝઝૂમતી મહિલા ડેબોરાહ જેમ્સનું જીવન અન્યો કરતાં ‘ઓછા મૂલ્ય’નું જણાવી વિવાદમાં ગેરાયા હતા. કાર્યક્રમમાં મિસ જેમ્સ પણ હાજર રહ્યાં હતાં. લોર્ડે બચાવમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ચોક્કસપણે મિસ જેમ્સનો ઉલ્લેખ નથી કરતા પરંતુ, ‘હેલ્થ ઈકોનોમિક્સના સ્ટાન્ડર્ડ કોન્સેપ્ટ’ વિશે વાત કરી રહ્યા છે. લોકડાઉનની કોસ્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેમના બાળકો અને ગ્રાન્ડચિલ્ડ્રનના જીવનનું મૂલ્ય વધુ છે કારણકે તેમને વધુ જીવવાનું બાકી છે.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન્સના તીવ્ર વિરોધી લોર્ડ સમ્પશન ૨૦૧૨થી ૨૦૧૮ સુધીના ગાળામાં સુપ્રીમ કોર્ટના જજ રહ્યા હતા.


