લંડનઃ સમગ્ર યુકેમાં જીવનનિર્વાહ ખર્ચમાં વધારા સાથે વેતન મુદ્દે અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે. NHS દ્વારા હડતાળની ધમકીઓ વચ્ચે NHSના ડોક્ટરો અને GPએ 30 ટકા વેતનવધારાની માગણી કરી છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA)ના સભ્યોએ તેમના યુનિયનને આગામી પાંચ વર્ષ દરમિયાન જંગી પગારવધારા માટે મિનિસ્ટર્સ સાથે લોબિઈંગ કરવા જણાવ્યું હતું. રેલવે કર્મચારીઓની હડતાળ પછી વેતનવૃદ્ધિની માગણીમાં ડોક્ટરો અને GP, નર્સીસ, શિક્ષકો, સિવિલ સર્વિસ અને ક્રિમિનલ બેરિસ્ટર્સ પણ સામેલ થયા છે.
બ્રાઈટોનમાં BMAની વાર્ષિક સભામાં વેતનવધારાનો ઠરાવ રજૂ કરી 30 ટકા વેતનવધારાની તરફેણમાં મતદાન કર્યું હતુ. આના પરિણામે, યુનિયનને વાર્ષિક સરેરાશ 100,000 પાઉન્ડની કમાણી કરતા જનરલ પ્રેક્ટિશનર્સ (GP) સહિત તમામ ડોક્ટર્સ માટે વેતનમાં વધારવા મેન્ડેટ મળ્યો છે. તેમણે ઈન્ડસ્ટ્રીયલ એક્શનની શક્યતા સાથે દલીલ કરી હતી કે 2008થી ડોક્ટરોએ ફૂગાવાના કારણે વાસ્તવિક અર્થમાં ‘મિલિયન્સ પાઉન્ડ’ની ઓછી કમાણી કરી છે.
મિનિસ્ટર્સ અત્યાર સુધી વ્યાપક વેતનવધારા મુદ્દે યુનિયન સામે નમતું જોખવાની શક્યતા નકારી કહ્યું હતું કે તેનાથી માત્ર બ્રિટનમાં ઊંચે જઈ રહેલા ફૂગાવાને ઉત્તેજન મળશે. ટ્રેઝરીએ પબ્લિક સેક્ટરના વર્કર્સને જણાવ્યું છે કે તેમણે આશરે 3 ટકા જેટલા વધારાની અપેક્ષા રાખવી જોઈએ. ટેકનોલોજી એન્ડ ડિજિટલ ઈકોનોમીના મિનિસ્ટર ક્રિસ ફિલિપે ડોક્ટર્સની 30 ટકા પગારવધારાની માગણીને અશક્ય કહી ફગાવી દીધી હતી.
1970 પછી સૌથી ખરાબ રેલવે હડતાળના પગલે ક્રિમિનલ બેરિસ્ટર્સે 15 ટકા પગારવધારાની માગણી સાથે કામકાજ છોડ્યું હતું. શિક્ષકોના યુનિયન અને સિવિલ સર્વિસ દ્વારા પણ હડતાળ માટે મતદાન કરાવાનું છે. જુનિયર ડોક્ટર્સે 22 ટકા અને રોયલ કોલેજ ઓફ નર્સિંગ દ્વારા પણ 14 ટકા વધારાની માગણી સાથે હડતાળની ધમકી અપાયેલી છે. NHS અને સોશિયલ કેરના 500,000 વર્ક્સનું પ્રતિનિધિત્વ કરતા યુનિયન Unisonદ્વારા પણ ફૂગાવાને સુસંગત પગાર નહિ વધારાય તો ઈન્ડસ્ટ્રીયલ એક્શનની ચેતવણી અપાઈ છે.


