વેતનો વધતાં લાખો વર્કર હવે ૪૫ ટકાની સર્વોચ્ચ ટેક્સજાળમાં

Tuesday 06th June 2017 07:42 EDT
 
 

લંડનઃ સંખ્યાબંધ લોકો હવે ઈન્કમટેક્સના સર્વોચ્ચ ૪૫pના દરે ટેક્સ ચૂકવી રહ્યાં છે. વેતનમાં ફૂગાવાના કારણે વાર્ષિક ૧૫૦,૦૦૦ પાઉન્ડની ટેક્સમર્યાદાથી બહાર જવાથી તેમજ ઊંચા વેતનધારકોને મળતી પેન્શન ટેક્સ રાહત ઘટવાથી લોકો ઊંચી ટેક્સજાળમાં આવી ગયાં છે. આ ટેક્સ વર્ષના અંતે ૩૬૪,૦૦૦ વર્કર્સ ૪૫ ટકાનો ઈન્કમટેક્સ ચૂકવતા થઈ જશે તેવી રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગની ધારણા છે, જે ગયા વર્ષની સરખામણીએ ૧૦ ટકાનો અને સાત વર્ષ અગાઉ, આ ટેક્સબેન્ડનો આરંભ થયો તે પછી ૫૪ ટકાનો વધારો સૂચવે છે.

૪૫ ટકા ટેક્સ માટે વેતનમર્યાદા વાર્ષિક ૧૫૦,૦૦૦ પાઉન્ડની યથાવત રહી છે પરંતુ, વેતનો વધવાના કારણે દર વર્ષે મિડલ ક્લાસના હજારો વર્કર્સ આ ટેક્સજાળમાં ઉમેરાતા જાય છે. જોકે, વેતનવધારાનો વાસ્તવિક લાભ મળતો નથી. કન્સલ્ટન્ટ ડોક્ટર્સ, વકીલો અને ફાઈનાન્સ પ્રોફેશનલ્સ સહિત ઉચ્ચ વેતન મેળવનારા વધારાના ૧૨૮,૦૦૦ વર્કર આ જાળમાં આવ્યા છે.

બેઝિક દરે ટેક્સ ચૂકવતા ટેક્સપેયર્સની સંખ્યા ગત ત્રણ વર્ષથી જળવાઈ રહી છે પરંતુ, ૪૦ ટકાના દરે ઈન્કમ ટેક્સ ચૂકવતા કરદાતાની સંખ્યા ૨૦૧૫-૧૬ અને ૨૦૧૭-૧૮ના ગાળામાં ૩૫૦,૦૦૦ એટલે કે આઠ ટકા જેટલી ઘટશે તેમ રેવન્યુ વિભાગનો રિપોર્ટ જણાવે છે. બીજી તરફ, ઓછી આવક રળતાં ૬૦૦,૦૦૦ કરદાતા ગત અને વર્તમાન ટેક્સ વર્ષના ગાળામાં ટેક્સજાળમાંથી મુક્તિ મેળવશે.

સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તમામ રાજકીય પક્ષોએ ઊંચા વેતનધારકોને કોઈ પ્રકારના ટેક્સવધારાને લાગુ કરવાનું સૂચન કર્યું છે. લો ટેક્સ પાર્ટી તરીકે દાવો કરતા કન્ઝર્વેટિવ પક્ષ માટે તેની મોટી સમસ્યા થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter