વેપારવણજના ઓઠાં હેઠળ સત્તાની જમાવટ

સી.બી. પટેલ Wednesday 11th September 2019 03:17 EDT
 
 

વહાલા વાચકમિત્રો,

એક વેપારી કંપની ભારતમાં વેપાર કરવા આવી અને કેવી રીતે સમગ્ર દેશ પર એકહથ્થુ સત્તા જમાવી ૧૦૦ કરતા વધુ વર્ષ શાસન ચલાવ્યું તે વાતથી તમે જરા પણ અજાણ નહિ હો. બ્રિટિશ સામ્રાજ્ય અને ભારતના ઈતિહાસવિદ વિલિયમ ડાર્લિમ્પલના તદ્દન નવાં પુસ્તક ‘The Anarchy: The Relentless Rise of the East India Company’માં મહાકાય વેપારી કંપની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં જમાવેલી સત્તા વિશે સુપેરે વર્ણન કર્યું છે. તેઓ લખે છે કે,‘પોતાના અવરોધરુપ બની રહેલા પાડોશીઓથી એકલા પડેલા અંગ્રેજોને નવા બજારો અને વાણિજ્યિક દ્વારને વિસ્તારવા માટે સમગ્ર વિશ્વમાં ભટકવાની ફરજ પડી હતી. આ કામ તેમણે ચાંચિયાઓ જેવા ઉત્સાહ સાથે કર્યું હતું.’ જોકે, મારે નમ્રતાપૂર્વક કહેવું પડે છે કે આ વર્ણન તદ્દન અલ્પોક્તિ સમાન છે.

જ્હોન વોટ્સ દ્વારા વર્ષ ૧૬૦૦માં સ્થપાયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપની (EIC)ને બ્રિટિશ શાહી ખાનદાન દ્વારા એટલી બધી સત્તા આપવામાં આવી હતી કે તે સમગ્ર વિશ્વનો અડધોઅડધ વેપાર પોતાના હસ્તક લેવામાં કામિયાબ નીવડી રહી હતી. કંપનીના સત્તાવાળા રાજકારણમાં પણ સક્રિયપણે સંકળાયેલા હતા. બ્રિટિશ સામ્રાજ્યે તે સમયે ૫૬૦ જેટલા રજવાડાઓમાં વિભાજિત હિન્દુસ્તાન પર સત્તા હાંસલ કરવા માટે ‘વેપાર’નો મહોરા તરીકે જ ઉપયોગ કર્યો હતો. ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં તેની સત્તાના શિખર પર હતી ત્યારે ૧૮૦૩માં તેની ભારતની રેવન્યુ ૧૩,૪૬૪,૫૬૧ પાઉન્ડની હતી. કંપનીએ ભારતમાં મોટા ભાગના પ્રદેશો પર સત્તા જમાવી હતી, લશ્કરી બળનો ઉપયોગ કર્યો હતો અને ભારતમાં જ ૮૫૦થી વધુ લડાઈઓ લડી હતી. કંપનીએ શીખો, નવાબો, મરાઠાઓ તેમજ ભારતના દરેક રજવાડા સાથે લડાઈ કરી હતી. આ બધા સામે એકમાત્ર વિકલ્પ લડાઈનો સામનો કરવાનો જ હતો. જે આંતરિક લડાઈઓ ગુમાવવી પડી હતી તેમાં પણ કંપનીએ ચાલાકીપૂર્ણ વાટાઘાટોથી વિજય હાંસલ કર્યો હતો. ‘Sepoys Mutiny’ તરીકે પણ ઓળખાતા ૧૮૫૭નો ભારતીય બળવો તે સમયે લગભગ આખા ભારત પર કબજો જમાવી બેઠેલા બ્રિટિશ રાજ વિરુદ્ધ વિદ્રોહ-બગાવત હતી.

ઈતિહાસમાં EIC વિશે ઘણું લખાયું છે. કેટલીક વાતો ખુશામતખોરીથી લખાઈ છે તો કેટલાક વિરોધી અને અપ્રિય લાગે તેવા મત પણ દર્શાવાયા છે. કોઈ પણ સંજોગોમાં જે ધૂર્તતા કંપની દ્વારા આચરાઈ હતી તેના રુઆબ કે ધાકને કોઈ નજરઅંદાજ કરી શકે નહિ. જે રીતે EICએ સમગ્ર ભારતને ધમરોળી નાખ્યું તેની રીતભાત વિશે ડાર્લિમ્પલ જણાવે છે પરંતુ, પાયાની હકીકત એ છે કે બ્રિટિશ રાજવીઓ તેમની લંડનસ્થિત રાજગાદીએથી ભારત પર શાસન ચલાવતા હતા. ભારતના લોકોની હત્યાઓ, લૂલાં-લંગડા બનાવવા, છેતરપિંડી આચરવી અને તેમને ગુલામ બનાવવા માટે કંપનીને જવાબદાર ઠરાવવી તે દોષનો ટોપલો અન્યના માથે ઢોળવાનું ઘૃણાસ્પદ કાર્ય છે અને હવે તે અટકવું જોઈએ. બ્રિટન તેણે ભૂતકાળમાં આચરેલાં તમામ કાર્યોથી હાથ ધોઈ નાખવા માગે છે અને આથી જ તે પોતાના કાર્યોને કદી સ્વીકારશે નહિ.

માર્ચ ૧૯૪૭માં પાર્લામેન્ટે કોમન્સની બેઠક બોલાવી અને ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ અમલી બનાવાયો હતો. યુકેએ તબક્કાબાર ભારતમાંથી હઠવાનું શરુ કર્યું ત્યારે તમામ રજવાડાંઓને ભારત અથવા પાકિસ્તાનમાં સામેલ થવાની અથવા પોતાને અલગ, સ્વતંત્ર રાજ્ય જાહેર કરવા સંબંધિત પસંદગી આપવામાં આવી હતી. આ બાબતને વ્યવહારુ પગલા તરીકે નિહાળવામાં આવી અને ઘણાએ તેને આવકાર પણ આપ્યો. વાસ્તવમાં તો આ ખંડિત થઈ ગયેલા દેશને વધુ વિભાજિત કરવાનો વધુ એક પ્રયાસ જ હતો. ધારણા તો એવી હતી કે ભારત કદી એક રાજકીય સત્તા નહિ બને. આઝાદી માત્ર પોકળ સ્વપ્ન અને સંપ્રભુતા મૃગજળ બની રહેશે. બધા રજવાડાં સત્તા માટે આપસમાં લડશે. જોકે, બ્રિટિશ તાજને સદંતર નિરાશા ઉપજે તેમ સરદાર પટેલની ચાણક્યનીતિ થકી એક પણ ગોળી ચલાવ્યા વિના જ માત્ર બે સિવાયના રજવાડાં એક જ વર્ષની અંદર ભારતમાં સામેલ થઈ ગયાં.

બ્રિટિશ તાજ દ્વારા સ્વાર્થલોલુપ ગ્લોબલાઈઝેશનના કઠોર અને ભારે અસરકારક સ્વરુપને અમલી બનાવાયું હતું જેનાથી હિન્દુસ્તાનની દિશા સદાના માટે બદલાઈ ગઈ હતી. એક સમયે સુવર્ણપક્ષી - સોને કી ચિડિયા (Golden Bird)ની ઓળખ ધરાવતું ભારત તેજાના અને અન્ય સંસાધનો ધરાવતી સમૃદ્ધ ભૂમિ હતું. સંસ્થાનવાદીઓ જ્યારે ભારતને છોડી ગયા ત્યારે તે વિભાજિત થવા માટે છોડી દેવાયેલી છૂટીછવાઈ જમીનોના ટુકડાં જેવું જ હતું. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વર્ષો સુધી બ્રિટિશ તાજ વતી સાર્વભૌમ સત્તા તરીકે શાસન ચલાવ્યું હતું. વેપારવણજના ઓઠાં હેઠળ વર્ષો સુધી રાજ ચલાવ્યા પછી દેખાય જ છે કે તેમણે સૌથી વધુ લાભ મેળવ્યો હતો. તેમના માટે તો પસ્તાવા કે રંજનો કોઈ પ્રશ્ન જ નથી.

(એશિયન વોઈસમાં પ્રકાશિત As I See It  કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter