લંડનઃ વેમ્બલીના રીઝ એહમદે અભિનય માટે મુસ્લિમ મૂળના અને પ્રથમ એશિયન તરીકે એમી એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેને 'ધ નાઈટ ઓફ' સીરિઝ અથવા મૂવીમાં મુખ્ય અભિનેતા તરીકે નોંધપાત્ર અભિનય માટે એવોર્ડ એનાયત થયો હતો. તેમાં તેણે અમેરિકન કોલેજના પાકિસ્તાની/ઈરાની સ્ટુડન્ટ નાસીર 'નાઝ' ખાનની ભૂમિકા ભજવી જેના પર એક યુવતીની હત્યાનો આરોપ છે. આ શોમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં જાતિભેદની ક્રૂર અસરોની આંશિક સમીક્ષા કરાઈ છે.
વેમ્બલીમાં રહેતા એહમદનો જન્મ ૧૯૮૨માં બ્રિટિશ પાકિસ્તાની પરિવારમાં થયો હતો. તેના પેરેન્ટસ ૭૦ના દાયકામાં કરાચીથી યુકે આવ્યા હતા. નોર્થવુડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં અભ્યાસ કરનાર એહમદે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ક્રાઈસ્ટ ચર્ચ કોલેજમાંથી PPE (ફિલોસોફી, પોલિટિક્સ અને ઈકોનોમિક્સ)માં ડિગ્રી મેળવી છે. તેનો અનુભવ વિચિત્ર રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. પાછળથી તેણે સેન્ટ્રલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભિનયનો અભ્યાસ કર્યો હતો.
અગાઉ એશિયન મૂળના માત્ર બે અભિનેતાઓ આર્ચી પંજાબીએ ૨૦૧૦માં અને શોહરેહ અઘ્દાશ્લૂએ ૨૦૦૯માં એમી એવોર્ડ જીત્યો છે.


