વેમ્બ્લીમાં ચાચર ચોકઃ ગરબાના તાલે ડોલાવવા આવી રહ્યાા છે કિશન રાવલ

- બાદલ રમેશચંદ્ર લખલાણી Tuesday 29th September 2026 16:18 EDT
 
 

ઘરમાં જ પરંપરાગત સંગીત અને ભજન-ગરબાના માહોલ વચ્ચે કિશન રાવલનો શરૂ થયેલો સંગીત અને સૂરસાધના પ્રવાસ દેશ-વિદેશ સુધી પહોંચી ગયો છે. આ વખતે યુકેના માઇભક્તોમાં નવરાત્રીની રંગત જમાવવા કિશન રાવલ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર દરમિયાન પરંપરાગત ગરબાની સાથે આધુનિક - ફ્યુઝન ગરબાથી વેમ્બ્લીના ક્રિસ્ટલ ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ ખાતે ચાચરચોક નવરાત્રીના આયોજન દ્વારા લોકોને ડોલાવશે. આ અગાઉ તેઓ 2023માં લેસ્ટરમાં અને 2025માં ગરબાની રમઝટ બોલાવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એમ.કે. ઇવેન્ટ્સનાં હિનાબહેન પારેખ અને ઉમંગભાઈ પારેખે કિશનભાઈની લોકચાહનાને જોતાં તેમના ચાચરચોક ગરબાનું આયોજન કર્યું છે.
કિશન રાવલે જણાવ્યું હતું કે, ‘નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણા ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને લાગણી સાથે જોડાયેલો ઉત્સવ છે. ચાચર ચોક નવરાત્રીનું આયોજન અમે બે વર્ષથી કરી રહ્યા છીએ અને ચાચર ચોક નવરાત્રી-2025ની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ લંડનની ધરતી પર ગુજરાતીઓ સાથે મળીને ગરબાની રમઝટ બોલાવવાનો અનુભવ મારા માટે ખૂબ જ ખાસ રહેશે. ચાચર ચોક નવરાત્રીમાં અમે એવી રીતે રજૂઆત કરવા માગીએ છીએ કે લંડનમાં રહેતા ગુજરાતીઓને પણ પોતાના ગામ-શહેરની નવરાત્રી અને ચાચર ચોકની યાદ આવી જાય. ગુજરાતી ગરબા, લોકસંગીત અને આપણી સંસ્કૃતિની સુગંધ વિદેશમાં પહોંચાડવી મારા માટે ગૌરવની વાત છે.’
કિશન રાવલે ઉમેર્યું, ‘ચાચર ચોક નવરાત્રી 2025ને મળેલી ભવ્ય સફળતા બાદ આ વર્ષે લોકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લંડનમાં સૌને ગરબાના રંગમાં રંગાવાની અને સાથે મળીને યાદગાર નવરાત્રી બનાવવાની ખૂબ આતુરતા છે. મને વિશ્વાસ છે કે ચાચર ચોક નવરાત્રી 2026 સૌ માટે એક યાદગાર સંગીતમય અનુભવ બની રહેશે. આજની યુવા પેઢીને પરંપરાગત ઢાળ સુધી પહોંચાડવા તેમને ગમતું આધુનિક ફ્યુઝન સંગીત ખૂબ જરૂરી છે, જેનાથી તેમનો ગુજરાતી સંગીત અને પરંપરાગત ગરબા પ્રત્યેની લાગણી વધે. આ કારણે હું પરંપરાગત અને ફ્યુઝન બંનેને સારી રીતે પર્ફોર્મ કરીશ... આજની દેશ બહાર વસતી યુવાપેઢીને દેશની માટી અને પરંપરાઓ સાથે જોડી રાખવા ફ્યુઝન ખૂબ જરૂરી અને આકર્ષક માધ્યમ છે.’
યુકેમાં નવરાત્રી પર્ફોર્મ કરતાં મને અહીં ગુજરાત જેવો જ ઉત્સાહ અનુભવાય છે, મને એમ લાગે કે જાણે હું ગુજરાતમાં જ છું. લોકોનો પ્રેમ એટલો મળે છે કે જાણે હું મારા ઘરે જ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter