લંડનઃ લેબર સાંસદ વેલેરી વાઝને પ્રીવિ કાઉન્સિલના સભ્ય બનાવાયાં છે. હવે તેઓ ક્વીનના સલાહકાર તરીકે કામ કરશે. વેલેરી વાઝ સૌપ્રથમ ૨૦૧૦માં વોલસાલ સાઉથના લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.
ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા ત્રણ સભ્યોના નામ જાહેર કરાયા હતા, જેમાં વેલેરી વાઝ ઉપરાંત, કન્ઝર્વેટિવ સાંસદો સોલિસિટર જનરલ માઈકલ એલિસ અને એલેક શેલબ્રૂકનો સમાવેશ થાય છે. કાઉન્સિલના હિસ્સા તરીકે વેલેરી વાઝ રોયલ ચાર્ટરની પ્રસિદ્ધ, શાહી વિશેષાધિકારોના અમલ વિશે મહારાણીને સલાહ આપશે તેમજ પાર્લામેન્ટના કાયદાના મુસદ્દા પણ ઘડી શકે છે.
પ્રીવિ કાઉન્સિલમાં હાલ ૭૦૦ સભ્ય છે અને તેમાં પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન, લંડનના મેયર સાદિક ખાનનો પણ સમાવેશ થાય છે.