વેલ્સમાં હિન્દુ અને શીખ સમુદાયના લોકો માટે દાહભસ્મ વિસર્જનની સુવિધાનો આરંભ

Wednesday 04th August 2021 04:59 EDT
 
(જમણેથી) મિ. માર્ટિન બિર્ક (કાર્ડિફ અધિકારી), વિમલાબહેન પટેલ (અંતિમ સંસ્કાર ગ્રૂપ વેલ્સના અધ્યક્ષા), વિરેન્દર ભોગલ, શિવા શિવાપાલન, શક્તિ ગુહા નિયોગી (હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના અધ્યક્ષ), ચાન્ની કાલેર, લેડી મેયોરેસ, કાર્ડિફના લોર્ડ મેયર, કાઉન્સિલર માઈકલ માઈકલ, રાધિકા કાબાડા, જશવંતસિંહ, કરસનભાઈ વાઘાણી, નારણભાઈ પટેલ
 

કાર્ડિફઃ વેલ્સમાં હિન્દુ અને શીખ કોમ્યુનિટીના લોકોના દિવંગત સ્નેહીજનોના અંતિમ સંસ્કારમાં અસ્થિની ભસ્મનું વિસર્જન કરવા લાલાન્ડાફના બ્રીજ રોડ પરની લાલાન્ડાફ રોઈંગ ક્લબ ખાતે આવેલી જગ્યાનો ઉપયોગ કરવાની સુવિધાનું શનિવાર ૩૧ જુલાઈએ ઉદ્ઘાટન કરાયું હતું. અંતિમ સંસ્કાર ગ્રૂપ વેલ્સ (ASGW)ના પ્રયાસો અને કાર્ડિફ કાઉન્સિલના સપોર્ટથી વેલ્સમાં આ પ્રકારની પ્રથમ વિસર્જન સવલત છે જે પેઢીઓ સુધી બંને કોમ્યુનિટીઓને સેવા આપશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં કાર્ડિફના લોર્ડ મેયર કાઉન્સિલર રોડ મેક્કેરલિચ, વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ, કાર્ડિફ કાઉન્સિલના લીડર કાઉન્સિલર હ્યુ થોમસ, કાઉન્સિલર માઈકલ માઈકલ, કાઉન્સિલર કનાયા સિંહ, ટ્રેવર વિંગ (લાલાન્ડાફ રોઈંગ ક્લબના ચેરમેન), રાજ અગ્રવાલ OBE (ભારતીય કોન્સ્યુલેટ), શીખ કાઉન્સિલ ઓફ વેલ્સના ચેરમેન મિ. ગુરમિત રંધાવા MBE તેમજ અન્ય કોમ્યુનિટી અગ્રણીઓનો સમાવેશ થયો હતો.

રાધિકા કાબાડા દ્વારા હિન્દુ પ્રાર્થના, વેરિન્દર ભોગલ દ્વારા શીખ અરદાસ થકી ઉદ્ઘાટન કાર્યક્રમનો આરંભ કરાયો હતો. અંતિમ સંસ્કાર ગ્રૂપ વેલ્સના અધ્યક્ષા વિમલાબહેન પટેલ MBEએ સ્વાગત પ્રવચન કર્યું હતું. વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ, કાર્ડિફના લોર્ડ મેયર કાઉન્સિલર રોડ મેક્કેરલિચ, કાર્ડિફ કાઉન્સિલના લીડર કાઉન્સિલર હ્યુ થોમસ, કાઉન્સિલર માઈકલ માઈકલ, ટ્રેવર વિંગ અને જશવંતસિંહે પણ સંબોધનો કર્યા હતા. કાર્ડિફ કાઉન્સિલના લીડર કાઉન્સિલર હ્યુ થોમસ, કાઉન્સિલર માઈકલ માઈકલના હસ્તે તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

સ્નેહીજનની વિદાય સાથે ભારે દુઃખ અને ભાવનાત્મક તણાવ સંકળાયેલા રહે છે. હિન્દુ અને શીખ કોમ્યુનિટીમાં અંતિમ સંસ્કાર માનવજીવનનું અતિ આવશ્યક પાસુ છે અને તેની વિધિ ફરજિયાત ગણાય છે. આ કારણે વ્યક્તિના મૃત્યુ પછી તેના શરીરના આખરી અવશેષરુપી દાહભસ્મનું નદીમાં વિસર્જન કરાવાય છે. આનાથી સ્વર્ગસ્થના આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે, ભાવિ જીવન તરફ પ્રયાણમાં મદદ મળે છે અને પરિવાર અને મિત્રોનો શોક પણ હળવો થાય છે.

વેલ્સમાં હિન્દુ અને શીખ કોમ્યુનિટીના લોકોને તેમના દિવંગત સ્નેહીજનોના અંતિમ દાહભસ્મ અવશેષોને નદીમાં વિસર્જિત કરવાની સંસ્કાર વિધિની સવલતો પ્રાપ્ય ન હોવાથી તેઓ મુશ્કેલી અનુભવતા હતા. વેલ્સમાં આવી સવલતના અભાવથી બંને કોમ્યુનિટીઓના પ્રતિનિધિઓને ૨૦૧૨માં સંયુક્ત કમિટી અંતિમ સંસ્કાર ગ્રૂપ વેલ્સ રચવાની પ્રેરણા મળી હતી. કમિટીનું ધ્યેય આવશ્યક સંમતિઓ મેળવવા કાર્ડિફ કાઉન્સિલ સાથે મળી કામ કરવા તેમજ સ્નેહીજનોની દાહભસ્મ સન્માન અને ગૌરવ સાથે પધરાવી શકાય તેવાં યોગ્ય સ્થળને શોધવાનું હતું.

આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કેટલાંક વર્ષ લાગી ગયા છે. આ સ્થળને ૨૨, જુલાઈ ૨૦૨૧ના રોજ ભૂમિપૂજન અને અરદાસ થકી પવિત્ર કરવામાં આવ્યું હતું. કાર્ડિફ કાઉન્સિલ, લાલાન્ડાફ રોઈંગ ક્લબના સહયોગ અને દાતાઓની ઉદારતા વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. કમિટી દ્વારા શોકાતુરો માટે આવશ્યક માર્ગદર્શન અને માહિતી પૂરી પાડતી બુકલેટ પણ પ્રસિદ્ધ કરાઈ છે જેની ડિઝાઈન રાજેન્દ્ર અને નિર્મલા પિસાવાડિયાએ કરી હતી. આ સ્થળનો ઉપયોગ માત્ર હિન્દુ અને શીખ કોમ્યુનિટી જ નહિ, બુકિંગ પ્રોસિજરનું અનુસરણ કરવા સાથે કોઈના દ્વારા પણ કરી શકાશે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter