વોશિંગ્ટનઃ વોરેન બફેટે શુક્રવારે ગેટ્સ ફાઉન્ડેશન અને ચાર ફેમિલી ચેરિટીઝને બર્કશાયર હેથવેના સ્ટોકમાંથી 6 બિલિયન ડોલર (અંદાજે 516 બિલિયન રૂપિયા)નું દાન આપ્યું, જે લગભગ બે દાયકા પહેલા તેમણે પોતાનું ધન દાનમાં આપવાનું શરૂ કર્યું ત્યારથી તેમનું સૌથી મોટું વાર્ષિક દાન છે. આ દાન સાથે જ બફેટનું ચેરિટીઝને કુલ દાન 60 બિલિયન ડોલરનો આંક વટાવી ગયું છે.
તેમણે ગેટ્સ ફાઉન્ડેશનને 9.43 મિલિયન શેર, સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશનને 943,384 શેર, અને તેમના બાળકો હોવર્ડ, સુસી અને પીટર દ્વારા સંચાલિત ત્રણ ચેરિટીઝ હોવર્ડ જી. બફેટ ફાઉન્ડેશન, શેરવુડ ફાઉન્ડેશન અને નોવો ફાઉન્ડેશન દરેકને 660,366 શેર દાનમાં આપ્યા છે. બાકી રહેલા શેરના આધારે, વોરેન બફેટ હજુ પણ બર્કશાયરના શેરના 13.8 ટકા માલિક છે.
ફોર્બ્સ મેગેઝિન અનુસાર શુક્રવારના દાન પહેલાં તેમની 152 બિલિયન ડોલરની સંપત્તિથી વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ હતા. આ દાન પછી બફેટ છઠ્ઠા ક્રમે આવશે, જે ગયા જૂનમાં તેમણે આપેલા 5.3 બિલિયન ડોલરને વટાવી ગયું હતું. તેમણે ગયા નવેમ્બરમાં કૌટુંબિક ચેરિટીઝને વધુ 1.14 બિલિયન ડોલરનું દાન આપ્યું હતું. એક નિવેદનમાં, બફેટે જણાવ્યું હતું કે તેમનો બર્કશાયરના કોઈપણ શેર વેચવાનો કોઈ ઇરાદો નથી. ૯૪ વર્ષના થયેલા બફેટે 2006થી દાન આપવાનું શરૂ કર્યું હતું.