લંડનઃ બ્રિટનને ત્રાસવાદના અભૂતપૂર્વ જોખમમાંથી બચાવવા કટ્ટરવાદીઓને નજરબંધ રાખવાના ખાસ કેમ્પ્સની હિમાયત કરવામાં આવી છે. ૭/૭ના લંડન વિસ્ફોટ સમયે મેટ્રોપોલીટન પોલીસના આસિસ્ટન્ટ કમિશનર રહેલા પૂર્વ મુસ્લિમ ઓફિસર તારિક ગફૂરે વિવાદસ્પદ હાકલમાં જણાવ્યું છે કે યુકેની પોલીસ કે MI5 ઓફિસરો ૩,૦૦૦ ઉદ્દામવાદીઓ પર નજર રાખી શકે તે શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ વતી લડીને આવેલા ૪૦૦થી વધુ ખતરનાક ત્રાસવાદીઓ સહિત જોખમી ઉદ્દામવાદીઓની સંખ્યા દેશમાં વધી રહી છે.
એક અખબારમાં ખાસ લેખમાં તારિક ગફૂરે જણાવ્યું છે કે ઉદ્દામવાદીઓ હુમલા કરી જ ના શકે તે માટે તેમને ખાસ કેમ્પ્સમાં નજરબંધ રાખવા જરૂરી છે. આ લોકોને ડી-રેડિકલાઈઝેશન પ્રોગ્રામમાંથી પસાર કરી શકાય. દેશની શેરીઓમાં હરતાફરતા ઉદ્દામવાદીઓ પર નજર રાખવા માટે બ્રિટનની પોલીસ ઓછી પડે છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ૧૯૭૦ના દાયકામાં IRA સભ્યોને નોર્ધર્ન આયર્લેન્ડમાં ઈન્ટર્નમેન્ટમાં રાખવાનો પ્રયોગ સફળ થયો ન હતો અને હિંસક ઘટનાઓ તેમજ ભૂખહડતાળો વધી હતી. પરંતુ, ઈમામો દ્વારા માન્ચેસ્ટર હુમલા જેવાં હત્યાકાંડને વખોડતા ‘ફતવાઓ’ જારી કરાય તો ઉદ્દામવાદીઓને નજરબંધ રાખવા શક્ય બનશે.
તેમણે આ મુદ્દે યોગ્ય રાષ્ટ્રીય ચર્ચા અને કોઈ કોમ્યુનિટીઓને દુભવવાનો ડર અથવા રાજકીય યોગ્યતાની વાત છોડી ખુલ્લેઆમ બોલવાથી નહિ ડરવાની હિમાયત કરી હતી.
શંકાસ્પદ ત્રાસવાદીઓને ટ્રાયલ વિના જેલની ચર્ચા
સરકાર દ્વારા પણ શંકાસ્પદ ત્રાસવાદીઓને ટ્રાયલ વિના જેલમાં ધકેલવાની ચર્ચા હાથ ધરાઈ હોવાનું કહેવાય છે. જો યુકેમાં પરિસ્થિતિ વણસે તો ઈન્ટર્નમેન્ટ કેમ્પ્સમાં તેમને બંધ કરી શકાય. અફઘાનિસ્તાનમાં પૂર્વ બ્રિટિશ આર્મી કમાન્ડર કર્નલ રિચાર્ડ કેમ્પ દ્વારા પણ જિહાદીઓ માટે આવા પગલાંની તરફેણ કરાઈ હતી. જોકે, સ્કોટલેન્ડ યાર્ડના પૂર્વ કમિશનર લોર્ડ બ્લેરે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે તેનાથી મુસ્લિમ કોમ્યુનિટીમાં રોષ સર્જાશે, ત્રાસવાદીઓને મૂળથી ખતમ કરવા તેમના સહકારની જરૂર છે.
અત્યારે પોલીસ તમારા પર આરોપ લગાવે અથવા મુક્ત કરે તે પહેલા ૨૪ કલાક અટકમાં લઈ શકે છે. જો હત્યા જેવા ગંભીર અપરાધની શંકા હોય તો તમને ૩૬ અથવા ૯૬ કલાક સુધી કસ્ટડીમાં રાખવાની અરજી પોલીસ કરી શકે છે. આ ઉપરાંત, ટેરરિઝમ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવે તો ચાર્જ લગાવ્યા વિના જ ૧૪ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે.


