લંડનઃ મંગળવાર, ૨ ફેબ્રુઆરીએ કોવિડ-૧૯ સામેનો જંગ જીતી નહિ શકેલા શતજીવી લોકનાયક કેપ્ટન સર ટોમ મૂરને સમગ્ર બ્રિટને બુધવારે સાંજે તાળીઓના ગડગડાટ સાથે આખરી સલામ આપી હતી. કેપ્ટનને આદરાંજલિ અર્પણ કરવા સમગ્ર દેશ તેમના પરિવાર સાથે સામેલ થયો હતો. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દિવંગત કેપ્ટનના માનમાં પ્રતિમા ઉભી કરવાના અભિયાનને સમર્થન આપ્યું છે.
દ્વિતીય વિશ્વયુદ્ધના પીઢ સૈનિક અને NHS ચેરિટીઝ માટે ૩૩ મિલિયન પાઉન્ડનું ફંડ એકત્ર કરનારા હીરો ન્યૂમોનિયા માટે સારવાર દરમિયાન હોસ્પિટલમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામ્યા હતા. હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની આગેવાનીમાં સાંસદોએ કેપ્ટનને આદર આપવા તાળીઓ પાડી હતી. સાંસદોએ તેમના સન્માનમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. વડા પ્રધાને લોકોને તાળીઓ પાડવામાં સાથ આપવા જણાવી કહ્યું હતું કે કેપ્ટન મૂરે અન્યોની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. દરમિયાન, કેપ્ટન મૂરના પરિવારજનોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લઈ જવાયા તે પહેલા તેમણે નિયમિત કોવિડ-૧૯ના ટેસ્ટ કરાવ્યા હતા અને નેગેટિવ આવ્યા હતા.
વડા પ્રધાન જ્હોન્સન ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની બહાર, કેપ્ટન મૂરના નિવાસસ્થાને તેમની પુત્રી હન્નાહ ઈન્ગ્રામ-મૂર પુત્ર બેન્જી, પુત્રી જ્યોર્જિયા અને પતિ કોલીન ઈન્ગ્રામ સાથે તેમજ હજારો લોકો પોતાના ઘરની બહાર અને બારીઓમાં તાળીઓ પાડવામાં સામેલ થયાં હતાં. વડા પ્રધાને પોતાની કોવિડ પ્રેસ કોન્ફરન્સમાં કોરોના મહામારી દરમિયાન યુદ્ધવીરના પ્રયાસોની યાદમાં તેમની પ્રતિમા ઉભી કરવાના અભિયાનને ટેકો જાહેર કર્યો હતો.
કેપ્ટન ટોમના પરિવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના અભિયાન પછી આ શુભચેષ્ટા માટે તેઓ ગદગદિત થયા છે. બેડફોર્ડશાયરમાં તેમના નિવાસસ્થાન નજીક લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઈસ્ટ બેલફાસ્ટ સહિતના સ્થળોએ કેપ્ટન મૂરની તસવીર સાથે વિશાળ મ્યુરલ જોવાં મળ્યાં હતાં.


