લંડનઃ યુકેમાં ઉનાળાની રજાઓ અગાઉ જ તમામ પ્રાઈમરી શાળાઓ ખોલી દેવાની યોજનામાં સરકારે પીછેહઠ કરી છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જાહેર કર્યું હતું કે સેકન્ડરી સ્કૂલ્સ સપ્ટેમ્બર મહિનાથી પણ વધુ સમય બંધ રહી શકે છે અને સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સ્વૈચ્છિક સ્વેબ અને એન્ટબોડી ટેસ્ટ કરાશે. બીજી તરફ, ચિલ્ડ્રન્સ કમિશનર ફોર ઈંગ્લેન્ડ એન લોન્ગફિલ્ડે પ્રાઈમરી સ્કૂલ્સ ખોલવામાં સરકારની પીછેહઠને નિરાશાજનક ગણાવી હતી.
પ્રાઈમરી શાળાઓમાં ઉનાળાની રજા પડે તે અગાઉ વિદ્યાર્થીઓને એક મહિનાનું શિક્ષણ મળે તે માટે જૂન મહિનાના અંત સુધીમાં રિસેપ્શન, ધોરણ એક અને છના વર્ગો ખોલવાની સરકારની યોજના ખોરંભે પડી છે. તમામ વિદ્યાર્થીઓને વર્ગમાં આવકારવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરવા પૂરતી જગ્યા શાળાઓ પાસે નથી. આના પરિણામે, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને સ્પષ્ટ કર્યું હતું કે પ્રાઈમરી સ્કૂલ્સ ફરી ખોલવાના વચનમાંથી હાલ પૂરતી પીછેહઠ કરીએ છીએ.
દરમિયાન, હેલ્થ સેક્રેટરી હેનકોકે જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક વર્ષના આરંભે સેકન્ડરી સ્કૂલ્સ ફરી ખોલવામાં મુશ્કેલી પડી શકે છે. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષાના વર્ષોની તૈયારી કરતા હોવાથી તેઓ ૧૫ જૂનથી શિક્ષકોને મળી શકશે પરંતુ, સપ્ટેમ્બરમાં શાળાઓ ફરી ખોલવાનું લક્ષ્ય શક્ય જણાતું નથી. જોકે, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓનું કહેવું છે કે સરકારે શાળાઓ ફરી ખોલવાની યોજનામાં પીછેહઠ કરવી પડી તેનાથી કોઈ નવાઈ લાગી નથી કારણકે મિનિસ્ટર્સે જે હાંસલ ન થઈ શકે તેના માટે મોટા વચનો આપ્યા હતા.
હેલ્થ સેક્રેટરી હેનકોકે શાળાઓ ખોલાય ત્યારે વર્ગખંડોમાં કોરોના વાઈરસના રોગના ફેલાવા પર નજર રાખવા ૨૦,૦૦૦ વિદ્યાર્થી અને શિક્ષકોના કોરોના પરીક્ષણો કરાવવાની જાહેરાત કરી છે. ઉનાળુ ટર્મના અંત સુધીમાં ઈંગ્લેન્ડની ૧૦૦ શાળામાં આ પરીક્ષણો દરેક શાળાના ૨૦૦ સ્ટાફ અને બાળકોના ધોરણે કરવામાં આવશે. સ્વેબ અને એન્ટિબોડી બ્લડ ટેસ્ટના આ મિશ્ર પરીક્ષણો સ્વૈચ્છિક રહેશે.