શાળાઓમાં અપરાધિક માનસિકતા ધરાવતા શિક્ષકો અંગે તમારા સંતાનોને સાવધ રાખો

બાળકો સાથે શારીરિક સંબંધોની વિકૃતિ ધરાવતા શિક્ષકો પર આંધળો વિશ્વાસ ન કરો

Wednesday 30th November 2022 06:09 EST
 
 

લંડન

આપણે આપણા સંતાનોને શાળામાં શિક્ષણ, મૂલ્યો અને સંસ્કારોના સિંચન માટે મોકલીએ છીએ ત્યારે શાળામાં શિક્ષણ આપતા શિક્ષકો પર આંખો મીંચીને વિશ્વાસ કરીએ છીએ કે તેઓ આપણા સંતાનોની કાળજી લેશે, તેમને ઉત્તમ શિક્ષણ પુરું પાડશે અને દેશના સારા નાગરિક બનવા મૂલ્યો અને સંસ્કારોનું સિંચન કરશે. પરંતુ કેટલાક શિક્ષકો તેમની ફરજો ચૂકીને વાલીઓએ તેમના પર મૂકેલા વિશ્વાસનું હનન કરે છે. બર્મિંગહામ અને બ્લેક કાઉન્ટીના કેટલાક શિક્ષકો આ પ્રકારના વિશ્વાસઘાતના કારણે હવે કોર્ટમાં કેસોનો સામનો કરી રહ્યાં છે. તેમના અપરાધો આઘાતજનક અને ક્રુર છે. ટિચિંગ રેગ્યુલેશન એજન્સીએ આવા શિક્ષકોને નોકરીમાં પાછા ફરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

પીટર જેનકિન્સ નામના શિક્ષક પર 1984થી 2005 વચ્ચે 4 વિદ્યાર્થિની પર બળાત્કાર સહિતના 15 આરોપો સાથે વોરવિક ક્રાઉન કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને 13 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. પ્રાઇમરી સ્કૂલ ટીચર નાસેર ખલિલે 12 વર્ષની કન્યા તરીકે પોતાને રજૂ કરનાર અંડર કવર કોપને અશ્લિલ મેસેજ મોકલ્યા હતા. આ શિક્ષક બાળકો સાથે શારીરિક સંબંધો બાંધવાની ખરાબ માનસિકતા ધરાવતો હતો. તેની સામે બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને 20 મહિનાની કેદ ફટકારાઇ હતી. ટેમવર્થમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પોલ સ્ટ્રેન્જને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવાનો ચસકો હતો. તેને 24 મહિના કોમ્યુનિટી સર્વિસની સજા કરાઇ હતી. વિજ્ઞાનના શિક્ષકમઝહર હુસૈને 14 વર્ષની કન્યા સાથે બનાવટી લગ્ન કર્યાં હતાં અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. સ્ટેનફોર્ડના આ શિક્ષકને 3 વર્ષ અને 3 મહિનાની કેદ ફટકારવામાં આવી હતી.

સમાજમાં આવા તો ઘણા કિસ્સા જોવા મળી રહ્યાં છે. જ્યારે વાડ જ ચીભડાં ગળી જતી હોય ત્યારે વાલીઓએ પોતાના સંતાનોના મામલામાં વધુ સાવધ રહેવાની જરૂર છે. કોઇપણ શિક્ષક પર આંખો મીંચીને વિશ્વાસ કરવો જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter