શાળાઓમાં ચિંતાજનક સાયબર બુલિંગઃ એક વર્ષમાં ૩૭ ટકા વધ્યું

Wednesday 22nd November 2017 07:20 EST
 
 

લંડનઃ બ્રિટનની શાળાઓમાં સાયબર બુલિંગ (ઓનલાઈન ધાકધમકી )માં એક વર્ષમાં ૩૭ ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. ટેક્નોલોજીના જાણકાર વિદ્યાર્થીઓ દ્વારા બનાવટી પ્રોફાઇલથી સહપાઠીને મેસેજ મોકલતા હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. જોકે, શિક્ષકો સાયબર બુલિંગ સામે લાચાર જણાય છે. દસમાંથી ચાર શિક્ષકો વર્ગમાં ઓનલાઇન બુલિંગ સાથે કઇ રીતે કામ પાર પાડવું એ સમજી શકતા નથી. બીજી તરફ, મોટા ભાગના પેરન્ટ્સ સંતાનોની ઓનલાઇન વર્તણૂક અને અનુભવોને અવગણે છે.

ટેકનોસેવી વિદ્યાર્થીઓ ફેક પ્રોફાઇલ બનાવીને વિદ્યાર્થીઓને ધમકીભર્યા અને ડરામણા મેસેજ કરતા હોય એવા બનાવોની સંખ્યા ૧૨ મહિનામાં ૩૭ ટકા વધી છે. શિક્ષણકાર્ય દરમિયાન પણ આ કામ એવી ગુપ્તાથી થાય છે કે શિક્ષકો પણ શંકા કરતા નથી. ઇન્ટરનેટ દ્વારા સેક્સ શિકારીઓ વિદ્યાર્થીઓને નિશાન બનાવી રહ્યાની દસમાંથી ચાર શિક્ષકોને ચિંતા છે.

સર જોન કાસ્સ ફાઉન્ડેશન દ્વારા ઓક્ટોબરમાં ૩૨૦ ટીનએજર્સના સર્વેમાં ૫૩ ટકા ટીનેજર્સે તેઓ ત્રાસજનક સાયબર બુલિંગના શિકાર બન્યા હોવાનું સ્વીકાર્યું હતું. આમ છતાં, માત્ર ૨૨ ટકા માબાપ જ સંતાનને ઓનલાઇન માઠા અનુભવ થયાનું સ્વીકારે છે. ફક્ત પાંચમાંથી એક જ ટીનેજર ઓનલાઇન ધમકી મળ્યાની ફરિયાદ કરે છે, જ્યારે તેમના બાળક સાથે આમ થયું હોવાનું ૧૦ ટકાથી ઓછા વાલી માને છે. બાળકો ઈન્ટરનેટ પરથી શું મેળવે છે તેને માતાપિતા મોટા ભાગે નજરઅંદાજ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter