શાળાની કેન્ટીનમાં ઘરનું લંચ કરો તો £૨નો ‘સેન્ડવિચ ટેક્સ’

Monday 17th April 2017 07:55 EDT
 
 

લંડનઃ ઘેરથી પેક કરીને લંચ લાવી શાળાની કેન્ટીનમાં ખાતા વિદ્યાર્થીઓ પર દરરોજ બે પાઉન્ડ સુધીનો ચાર્જ લગાવતી સરકારી શાળાઓની સંખ્યા વધી રહી છે. આ ચાર્જ ‘સેન્ડવિચ ટેક્સ’ તરીકે ઓળખાય છે, જે ડાઈનિંગ હોલ્સની સફાઈ અને સુપરવિઝન માટે લેવાતો હોવાનું કહેવાય છે. સ્કૂલ લીડર્સ આ ચાર્જને તેમની સંસ્થાઓ દ્વારા અનુભવાતી ખરાબ નાણાકીય સ્થિતિનું પરિણામ ગણાવે છે. બીજી તરફ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ ચાર્જને અસ્વીકાર્ય ગણી સંબંધિત શાળાઓને ફરિયાદ કરવા પેરન્ટ્સને સલાહ આપી છે.

ટીચિંગ યુનિયન NASUWT દ્વારા સરકારી શિક્ષણના છુપા ખર્ચ અંગે પરિવારોને પ્રશ્ન કરાયો હતો. ૨,૨૧૧માંથી ૨૬ (૧.૧૮ ટકા) પેરન્ટ્સે શાળામાં મળતા ભોજન અંગે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે તેમના બાળકને શાળામાં લંચ બોક્સ લઈ જવા માટે દરરોજ ૧.૫૦થી ૨ પાઉન્ડ સુધીનો ચાર્જ ચુકવવો પડે છે. ગયા વર્ષે ૦.૯૫ ટકાએ આવો ઉત્તર આપ્યો હતો.

NASUWT ના ડેપ્યુટી જનરલ સેક્રેટરી ડો. પેટ્રિક રોશે જણાવન્યું હતું કે શાળામાં મળતા ભોજનનો ખર્ચ પરવડે નહિ તેવા પેરન્ટ્સ તેમના બાળકોને સેન્ડવિચ આપે છે અને તેમને શાળાના કાફેટેરિયામાં બેસવાના અધિકાર માટે જ આવો ચાર્જ ચુકવવાનો થાય છે. એજ્યુકેશન એક્ટ ૨૦૧૧૧ના કારણે શાળાઓ વધારાનો ચાર્જ લગાવી શકે છે. આ પેરન્ટ્સ માટે ‘સેન્ડવિચ ટેક્સ’ છે.’

NASUWT દ્વારા ૩,૯૩૪ પેરન્ટ્સને સરકારી શિક્ષણના સમગ્રતયા ખર્ચ અંગે પ્રશ્નો કરાયા હતા. પાંચમાંથી એક અથવા ૧૮ ટકા પેરન્ટ્સે જણાવ્યું હતું કે તેમની પાસે શાળાએ નિયમિત નાણાકીય ફાળાની માગણીઓ કરી હતી. આમાંથી ૨૦ ટકાએ વાર્ષિક ૫૧થી ૧૦૦ પાઉન્ડ સુધી નાણા ચુકવ્યા હતા, જ્યારે ૬ ટકાએ વાર્ષિક ૪૦૦ પાઉન્ડથી વધુ રકમ ચુકવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter