શાળામાં ગુલામીનો ઈતિહાસ શીખવવો જરૂરીઃ બ્રિસ્ટલના કોલ્સ્ટોન ફોર આરોપમુક્ત

Wednesday 19th January 2022 05:00 EST
 

લંડનઃ યુનાઈટેડ સ્ટેટ્સમાં ૨૫ મે ૨૦૨૦ના દિવસે પોલીસ ઓફિસરના હાથે જ્યોર્જ ફ્લોઈડની હત્યાના પગલે બ્લેક લાઈવ્ઝ મેટર દ્વારા વિરોધ પ્રદર્શનોમાં જૂન ૨૦૨૦માં બ્રિસ્ટલમાં ગુલામોના વેપારી એડવર્ડ કોલ્સ્ટોનનું પૂતળું ઉખાડવામાં ભાગ લઈને ગુનાઈત નુકસાન કર્યું હોવાના આરોપમાંથી ચાર વ્યક્તિ (કોલ્સ્ટોન ફોર) - સેગ વિલોબી, જેક સ્કૂસ, મિલો પોન્સફોર્ડ અને રિહાન ગ્રેહામને જ્યુરીએ નિર્દોષ જાહેર કર્યા છે.

જ્યુરી સમક્ષ રજૂઆત કરાઈ હતી કે બ્રિસ્ટલ સિટી કાઉન્સિલે ૩૦ વર્ષના ગાળામાં પૂતળું દૂર કરવા તેમજ ગુલામોના વેપારી કોલ્સ્ટોનને બ્રિસ્ટોલના પનોતા અને શાણા પુત્રોમાં એક ગણાવતું પ્રશંસાત્મક લખાણ દૂર કરવાની માગણીનજરઅંદાજ કરી છે. વાસ્તવમાં આ સ્લેવ ટ્રેડર ૮૪,૦૦૦ અશ્વેત સ્ત્રી, પુરુષ અને બાળકોને ગુલામ બનાવવા અને ૧૯,૦૦૦થી વધુ લોકોના મોત માટે જવાબદાર હોવાનું પણ કહેવાયું હતું. આરોપીઓએ પૂતળાને નુકસાન પહોંચાડ્યાનો કે તેવો ઈરાદો હોવાનું નકારી સ્ટેચ્યુ પરની તક્તીનું લખાણ ઈન્ડિસેન્ટ ડિસ્પ્લે (કન્ટ્રોલ) એક ૧૯૮૧થી વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમને સજા કરાય તે તેમની માન્યતા, વાણી સ્વાતંત્ર્યના અધિકારોની વિપરીત બની રહેશે.

જોકે, કોલ્સ્ટોન ફોર આરોપમુક્ત કરાયાનો વિરોધ થઈ રહ્યો છે તેને જોતાં શાળાઓમાં ગુલામીના વેપારનો ઈતિહાસ શીખવવો જરૂરી જણાય છે. સેકન્ડરી કક્ષાએ શાળાના અભ્યાસક્રમોમાં ગુલામોના વેપારના મુખ્ય લાભાર્થીઓ કોણ હતા તેમજ આ ઘૃણાસ્પદ અત્યાચારમાંથી મળેલી રકમોથી વૈભવી ઈમારતો, લાઈબ્રેરીઝ, મ્યુઝિયમ્સ, ફેક્ટરીઓ, કોલેજો, બંદરીય નગરો, શાળાઓ, યુનિવર્સિટીઓ અને ઘણું બધું ઉભુ કરી શકાયું હતું તે પણ શીખવવામાં આવતું નથી. આપણા બાળકોને એ શીખવાતું નથી કે બ્રિટિશ સરકારે ગુલામોના માલિકોને વળતર ચૂકવવા ૧૮૩૩માં ૨૦ મિલિયન પાઉન્ડ કરજે લીધા હતા જે ૧૯મી સદીમાં ઘણી મોટી રકમ હતી. આ જંગી દેવું આખરે ૨૦૧૫માં જ ચૂકવી શકાયું હતું.

જે લોકો પૂતળાઓ ઉખાડી ફેંકવાનો વિરોધ કરે છે અને દેશે પોતાનો ઈતિહાસ તેમજ સારીનરસી બાબતો માટેના સ્મારકો, પૂતળાં જાળવી રાખવાની દલીલો કરે છે તેઓ એ સ્વીકારવાનું ભૂલી જાય છે કે ખરાબ ભૂતકાળ મોટા ભાગે છુપાવાય, નજરઅંદાજ કરી દેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter