લંડનઃ યુકેના શાહી પરિવારમાં સોમવાર ૬ એપ્રિલની સવારે ૫.૨૬ કલાકે નવા સભ્યનું આગમન થયું છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલનું પ્રથમ સંતાન બ્રિટિશ તાજના વારસ તરીકે સાતમા ક્રમે છે અને ૯૩ વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીય અને ૯૭ વર્ષીય પ્રિન્સ ફિલિપ- ડ્યૂક ઓફ એડિનબરાનો આઠમા ક્રમનો ગ્રેટ-ગ્રાન્ડચાઈલ્ડ છે. પ્રિન્સ ઓફ વેલ્સનું આ ચોથું ગ્રાન્ડચાઈલ્ડ છે. આ બાળકનું આગમન તેની નિશ્ચિત તારીખથી થોડાં દિવસ વિલંબથી થયું છે. એમ કહેવાય છે કે મેગનની હોમ ડિલિવરીની આશા સંપૂર્ણ થઈ નથી અને બાળકના જન્મ માટે હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. માતા અને બાળક તદ્દન સ્વસ્થ છે. ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે ઈન્સ્ટાગ્રામ પર પ્રથમ સંતાનની જાહેરાત કરી હતી. આ પછી, પ્રિન્સ હેરીએ આનંદથી ગળગળાં સાદે પ્રેસ કોન્ફરન્સમાં બાળકના આગમનની જાહેરાત કરી હતી.
બકિંગહામ પેલેસે બપોરના ૨.૦૦ કલાકની આસપાસ ડચેસ ઓફ સસેક્સની પ્રસવપીડાની જાહેરાત કરી તેના કલાકો અગાઉ જ બાળકનો જન્મ થઈ ગયો હતો. બાળકનો જન્મ ક્યાં થયો હતો તે વિશે તેમાં કશું જણાવાયું ન હતું. સત્તાવાર બર્થ સર્ટિફિકેટમાં તેનો ઉલ્લેખ કરાશે. જોકે, ડેઈલી મેઈલ અખબારના સમર્થનવિહોણા અહેવાલમાં દાવો કરાયો હતો કે ફ્રોગમોર કોટેજમાં બાળકનો જન્મ થાય તેવી મેગનની આશા ફળીભૂત થઈ ન હતી અને સેન્ટ્રલ લંડનની હોસ્પિટલમાં તેમને લઈ જવાયાં હતાં. મેગન અને હેરીએ હિપ્નોપર્થિંગ ટેક્નિક્સનો અભ્યાસ કર્યો હતો અને ફ્રોગમોર કોટેજમાં તમામ સ્ત્રી મીડવાઈવ્ઝની હાજરીમાં પ્રસૂતિ કરાવાય તેવી તેમની ઈચ્છા હતી. પરંતુ, બાળજન્મનો સમય લંબાતા આ શક્ય ન હોવાનું જણાયું હતું.
બાળકના જન્મ સમયે પ્રિન્સ હેરી હાજર રહ્યા હતા. જન્મ સમયે હાજર રહેવાનું કેવું લાગ્યું તેવા પ્રશ્નના ઉત્તરમાં પ્રિન્સે જણાવ્યું હતું કે, ‘આ નિશ્ચિતપણે મારો પ્રથમ જન્મ છે. હું ચંદ્ર પર વિહરું છું. અદ્ભૂત અને અતુલનીય. મેં કહ્યું તેમ મને મારી પત્ની વિશે ગૌરવ છે.’ બાળકનાં નામ વિશે તેમણે કહ્યું હતું કે બાળજન્મમાં વિલંબ થયો હોવાથી તેનું નામ વિચારવાનો અમને ઓછો સમય મળ્યો છે. લોકો બાળકને નિહાળી શકે તે માટે બુધવારે વધુ એક જાહેરાત થવાની શક્યતા છે. બાળકના જન્મની નોટિસ બકિંગહામ પેલેસના સેરેમોનિયલ ઈઝલ પર જાહેર પ્રદર્શનાર્થે મૂકાઈ હતી.
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તેઓ બાળકના જન્મને અંગત રાખશે અને નવજાત બાળક સાથે હોસ્પિટલના આંગણે ફોટોગ્રાફનો શિષ્ટાચાર નહિ અનુસરે. બાળક શાહી તાજના સીધા વારસદાર ક્રમમાં નહિ હોય તેમજ રાજા પણ બને તેમ ન હોવાથી આવો પબ્લિક શો આવશ્યક નથી. બેબી સસેક્સ યુકે અને યુએસની બેવડી નાગરિકતા ધારણ કરનાર પ્રથમ સીનિયર શાહી સભ્ય બની રહેશે.
નવજાત બાળક વજનમાં હળવું છે.
મેગન અને હેરીના બાળકનું વજન ૩.૩ કિલોગ્રામ (7lb 3oz) છે, જે તેના પિતરાઈઓની સરખામણીએ ઓછું કહેવાય. ગત વર્ષે એપ્રિલમાં જન્મેલા પ્રિન્સ લૂઈ ઓફ કેમ્બ્રીજનું વજન ૮ રતલ અને ૭ ઓંસ હતું, જ્યારે ૨૦૧૩માં જન્મેલા મોટા ભાઈ જ્યોર્જનું વજન ૮ રતલ અને ૬ ઓંસ હતું. ૨૦૧૫માં જન્મેલી તેમની બહેન શાર્લોટનું વજન ૮ રતલ અને ૩ ઓંસ હતું. જોકે, તેના પિતા પ્રિન્સ હેરી (૧૯૮૪માં જન્મ સમયે વજન ૬ રતલ અને ૧૪ ઓંસ) અને કાકા પ્રિન્સ વિલિયમ (૧૯૮૨માં જન્મ સમયે વજન ૭ રતલ અને દોઢ ઓંસ)ને ધ્યાનમાં લઈએ તો નવજાત બાળકનું વજન ઓછું તો ન જ કહેવાય.
મેગન અને હેરીને ઢગલાબંધ અભિનંદન
મેગનની માતા ડોરિયા રેગલેન્ડ પોતાનાં પ્રથમ ગ્રાન્ડચાઈલ્ડના આગમન માટે લોસ એન્જલસથી આવી છે અને હાલ પુત્રીની સુશ્રુષામાં છે. તેમણે ગ્રાન્ડચાઈલ્ડના આગમન અંગે ભારે ખુશી વ્યક્ત કરી હતી. મેગનના પિતા થોમસ મર્કલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો તેમજ માતાપિતા અને શાહી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. ક્વીન, પ્રિન્સ ફિલિપ, પ્રિન્સ ચાર્લ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, ડ્યૂક એન્ડ ડચેસ ઓફ કેમ્બ્રીજ, દવંગત પ્રિન્સેસ ડાયેનાનાં ભાઈ-બહેનોને પણ આ સમાચાર મોકલાયાં હતાં અને તમામે હર્ષ વ્યક્ત કર્યો હતો. પ્રિન્સ વિલિયમ અને કેટ પણ નવા ભત્રીજાને નિહાળવા ભારે આતુર છે. નવજાત બાળકના માતાપિતા બનેલાં પ્રિન્સ હેરી અને મેગન મર્કેલને ટ્વીટ, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર અભિનંદનનો પ્રવાહ વહ્યો હતો. યુએસના પૂર્વ પ્રથમ સન્નારી મિશેલ ઓબામા, પ્રિન્સ એન્ડ્રયુ, હેરીના મામા અર્લ સ્પેન્સર, દંપતીના લગ્ન કરાવનારા આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી, બિશપ માઈકલ કરી, પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે, લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન, મેગનના ટીવી સહકલાકાર પેટ્રિક્સ એડ્મ્સ, સ્કોટિશ કન્ઝર્વેટિવ લીડર રુથ ડેવિડસન સહિતના મહાનુભાવોએ અભિનંદન સાથે ખુશી વ્યક્ત કરી હતી.
સૌથી પસંદગીનું નામ એલેકઝાન્ડર
શાહી નવજાત બાળકનું નામ શું હશે તેના વિશે અનુમાનોની ભરમાર વધી રહી છે. જોકે, પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે તેમણે હજુ સુધી બાળકના નામ વિશે વિચાર કર્યો નથી. બૂકમેકર્સના મતે સૌથી પસંદગીનું નામ એલેકઝાન્ડર છે. આ પછી આર્થર, આલ્બર્ટ અને જેમ્સ આવે છે. આર્થર નામ પરિવારની પરંપરાને જાળવશે કારણકે ચાર્લ્સ અને વિલિયમમાં મધ્ય નામ તરીકે આર્થર આવે છે. તે બ્રિટનના લેજન્ડરી રાજવી આર્થરની યાદ પણ અપાવશે. અન્ય શક્યતા સ્પેન્સર નામ રાખવાની પણ છે કારણકે તે પ્રિન્સેસ ડાયેનાનું પારિવારિક નામ છે તેમજ પ્રિન્સ હેરીનું આખું નામ પણ દર્શાવશે. એક શાહી પ્રશંસકે ‘સ્પેન્સર વિલિયમ ચાર્લ્સ ફિલિપ’ નામની તરફેણ કરી હતી, જેમાં માતા ડાયેના, ભાઈ વિલિયમ, પિતા ચાર્લ્સ અને દાદા ફિલિપનો સમાવેશ થાય છે. જોકે, દંપતી કદાચ વધુ આધુનિક નામની પસંદગી પણ કરી શકે છે. મેગને એક વખત તેના સૌથી પસંદ નામોમાં ‘ગ્રે’ હોવાનું જણાવ્યું હતું.
ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે તેમના બાળકનું નામ જાહેર નહિ કરવામાં શાહી પરંપરાને અનુસરી છે. ક્વીન અને પરિવારના અન્ય સભ્યોને બાળકના આગમનની જાણકારી ન અપાય ત્યાં સુધી તો તેઓ રાહ જોશે. ઉલ્લેખનીય છે કે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજે તેમનાં પ્રથમ બે બાળકો જ્યોર્જ અને શાર્લોટના નામ જાહેર કરવામાં બે દિવસ અને લૂઈ માટે ચાર દિવસનો સમય લીધો હતો.
બ્રિટિશ ગાદીનો સાતમો વારસદાર
પ્રિન્સ હેરી અને મેગન વર્કેલનું પ્રથમ સંતાન બ્રિટિશ ગાદીના વારસદાર તરીકે સાતમો ક્રમ ધરાવશે. પ્રિન્સ ચાર્લ્સ, ડ્યૂક ઓફ કેમ્બ્રીજ અને તેમના સંતાનો પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શર્લોટ અને પ્રિન્સ લૂઈ તથા ખુદ પિતા પ્રિન્સ હેરી પછી આ બાળકનો ક્રમ આવે છે. હવે પ્રશ્ન એ પણ છે કે પ્રિન્સ હેરી અને મેગનનાં બાળકનો ઉલ્લેખ પ્રિન્સ તરીકે કરાશે કે કેમ. જોકે, આનો નિર્ણય માત્ર ક્વીન લઈ શકે છે. બાળકનું ટાઈટલ ડ્યૂકના સંતાન તરીકે અર્લ ઓફ ડમ્બર્ટન અને સરનેમ માઉન્ટબેટન-વિન્ડસર હોવાની શક્યતા છે. તેને ભવિષ્યમાં વારસા તરીકે ડ્યૂક ઓફ સસેક્સનું ટાઈટલ મળી શકે છે.
એવી પણ શક્યતા છે કે હેરી અને મેગન તેમનાં બાળકનો સામાન્ય ઉછેર કરવા માટે વિશેષ ટાઈટલ પસંદ ન પણ કરે. કિંગ જ્યોર્જ પંચમના ૧૯૧૭ના આદેશ અનુસાર ગ્રાન્ડ રોયલ ટાઈટલ્સની સંખ્યા મર્યાદિત બની જાય છે. આ કારણે પ્રિન્સ હેરી અને મેગનનાં બાળક એક ડ્યૂકના સંતાન તરીકે પ્રિન્સ કહેવડાવવાના બદલે લોર્ડ તરીકે ઓળખાઈ શકે છે. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસે આદેશ જારી કર્યો હતો કે ડ્યૂક અને ડચેસ ઓફ કેમ્બ્રીજના બધાં બાળકો પ્રિન્સ અથવા પ્રિન્સેસ તરીકે ઓળખાશે.


