લંડનઃ ગત વર્ષે ઇંગ્લેન્ડના શિક્ષણ વિભાગ તરફથી હાથ ધરાયેલા એક સર્વેના તારણમાં જણાયું હતું કે માધ્યમિક શાળાઓમાં ફિઝિક્સ ભણાવતા શિક્ષકોમાંથી ત્રીજા ભાગના શિક્ષકો પાસે તેમના જ વિષયની ડિગ્રી નથી. જ્યારે ગણિત અને અંગ્રેજી ભણાવતા પાંચમાંથી એક શિક્ષક માત્ર એ-લેવલ સાથે પાસ થયા છે.
આ ઉપરાંત, અનેક વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી, ફોરેન લેન્ગ્વેજ અને ભૂગોળ જેવા વિષયોમાં નિષ્ણાત શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવી શકતા નથી. શાળાના સંચાલકોએ પણ આ બાબતની ગંભીરતા સ્વીકારતા જણાવ્યું હતું કે શિક્ષકોની સંખ્યા ઓછી હોવાને કારણે શિક્ષકોને પોતાના વિષય ઉપરાંત, અન્ય વિષયો ભણાવવાની ફરજ પડે છે, જે માટેની ડિગ્રી તેમની પાસે હોતી નથી.

