શિક્ષિકા ઝેના ભુંડીઆએ કોલ સેન્ટર ઠગાઈનાં પાંચ કલાકના કોલમાં સર્વસ્વ ગુમાવ્યું!

જાન્યુઆરી ૨૦૧૯ સુધીના છ મહિનામાં આવી ઠગાઈના ૬૦,૦૦૦ રિપોર્ટ્સ મળ્યાં

Wednesday 17th April 2019 03:14 EDT
 
 

લંડનઃ બનાવટી ટેક્સ અધિકારીઓ દ્વારા ઠગાઈના કિસ્સાઓ બહાર આવવા લાગ્યાં છે. અમદાવાદના કોલ સેન્ટર દ્વારા દરરોજ ૧૦,૦૦૦ બ્રિટિશર સાથે ઠગાઈના લક્ષ્યના રિપોર્ટનો ઘટસ્ફોટ થયા પછી ઠગાઈના નોંધાતા કિસ્સા ૧૦ ટકા વધ્યા છે. ઠગાઈનો શિકાર બનેલાં હજારો લોકોએ HMRCનો સંપર્ક કરી બોગસ અધિકારીઓ તેઓ કથિત નહિ ચૂકવાયેલી બાકી ટેક્સ રકમ ન ચૂકવે તો જેલભેગાં કરવાની ધમકી આપતા હોવાનું જણાવ્યું છે. HMRC સ્ટાફને જાન્યુઆરી ૨૦૧૯ સુધીના છ મહિનામાં આવી ઠગાઈના ૬૦,૦૦૦ રિપોર્ટ્સ મળ્યાં છે, જે તેની અગાઉના છ મહિનાની સરખામણીએ ૩૬૦ ટકા વધુ છે.

પાંચ કલાકના કોલમાં સર્વસ્વ ગુમાવ્યું

લંડનની સાયકોલોજીની ગ્રેજ્યુએટ અને ૩૩ વર્ષીય શિક્ષિકા ઝેના ભુંડીઆ પર કૌભાંડીઓનો ફોન આવ્યો અને તે પાંચ કલાક ચાલ્યો હતો. બે બાળકોની માતાએ આ પાંચ કલાક ખાધાપીધાં વિના જ વીતાવવાં સાથે ૫,૫૦૦ પાઉન્ડ ગુમાવ્યાં હતાં. કહેવાતા ટેક્સ અધિકારીઓએ તેને પાંચ વર્ષની જેલ કરાશે તેવી ધમકી આપી હતી. તે વર્ગમાં ભણાવતી હતી ત્યારે HMRCનો નંબર જણાતો એક મિસકોલ આવ્યો હતો. તેણે વળતો ફોન કર્યો ત્યારે તે જો ફોન મૂકી દેશે તો તેની તત્કાળ ધરપકડ થશે તેવી ધમકી મળી હતી. ઝેના ભુંડીઆ સાયકોલોજીની ગ્રેજ્યુએટ હોવાં છતાં જેલની ધમકીથી પોતાનાં બાળકોથી વિખૂટાં પડવાની કલ્પનાથી જ ગભરાઈને બેબાકળી બની ગઈ હતી.

તેણે HSBC પોતાના ખાતાખાતામાંથી કૌભાંડીઓએ જણાવેલાં ચોક્કસ ખાતામાં અનેક ચૂકવણીઓ કરી હતી અને કુલ ૫,૫૦૦ પાઉન્ડ ગુમાવ્યાં હતાં. ઝેનાએ કહ્યું હતું કે,‘આ ઘટનાએ મને આજીવન આઘાતમાં મૂકી દીધી છે. તેમણે મારું સર્વસ્વ લઈ લીધું છે. હું મારાં કલાસરુમમાં ફસાયેલી હતી. ડેઈલી મેલ અખબારમાં કૌભાંડીઓના ચહેરા જોઈ હું ફરી ગભરાઈ હતી અને ફોનની સમગ્ર ઘટના ફરી યાદ આવી ગઈ.’

બનાવટી ટેક્સ અધિકારીઓનો શિકાર બનેલાં સંખ્યાબંધ લોકોએ પોતાના જીવનની બચતો ગુમાવી છે અને છેતરામણી પછી હતાશા અને ભયના હુમલાઓમાં જીવી રહ્યાં છે. બ્રિટિશ સત્તાવાળાથી ડરતા નહિ હોવાનું કહેતા કૌભાંડીઓએ ઓનલાઈન બ્રિટિશ ટેલીકોમ ફોન ડિરેક્ટરીનો ઉપયોગ કરી અજાણ્યાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. આવા શિકારને ફોન કરી તેઓ ટેક્સની બાકી રકમ નહિ ચૂકવે તો તેમના બેન્કખાતા તેમજ મકાન પણ જપ્ત કરી લેવાશે, પેન્શનની ચૂકવણી બંધ કરાશે અને છેલ્લે ધરપકડ સાથે જેલભેગાં કરાશે તેવી ધમકીઓ આપતા હતા. અમદાવાદની પોલીસના દાવા અનુસાર તેમણે કૌભાંડના સૂત્રધારકૃષ્ણા બોરા અને તેના બે સાગરીતની ધરપકડ કરી છે. ગત સપ્ટેમ્બરમાં આ કૌભાંડનો શિકાર બની જેલની ધમકી મેળવી ચૂકેલાં જેન રિપ્લેએ પોતાનાં મિત્ર પાસેથી તત્કાળ હજારો પાઉન્ડ ઉધાર લેવાં પડ્યાં હતાં. બ્રાઈટનની આ ૬૪ વર્ષીય મહિલાએ નાણા એકત્ર કરવા ત્રણ દિવસ ઉચાટમાં ગાળવા પડ્યાં હતાં જેનું તેઓ વર્ણન પણ કરી શકતાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter