લંડનઃ ૧૯૮૫માં ગુમ થયેલી મનાતી શીખ મહિલા હરબંસ કૌર લાલી ઉર્ફ સુસાનની હત્યાની શંકાએ વેસ્ટ યોર્કશાયર પોલીસે આઠ જાન્યુઆરીએ બે પેન્શનર- ૭૫ વર્ષીય પુરુષ અને ૭૪ વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. આ બંનેને પોલીસ જામીન પર મુક્ત કરાયાં હતાં. ભારતની મુલાકાત પછી ગુમ થવાના સમયે હરબંસ કૌર ૧૯ વર્ષની હતી. પોલીસે હરબંસ કૌર વિશે તપાસમાં સાથ અને માહિતી આપવા લોકોને વિનંતી કરી છે.
પોલીસે કેન્ટમાં ગ્રેવસેન્ડની એક પ્રોપર્ટીમાંથી બે પેન્શનરની ધરપકડ કરી હતી. બર્મિંગહામમાં ખોટું બોલ્યાની શંકાએ ૫૩ વર્ષના માણસની પણ ધરપકડ કરાઈ હતી, જેને તપાસ હેઠળ મુક્ત કરાયો હતો. મિસ લાલીનું પ્રથમ નામ રાનુ હતું. તેનો જન્મ, ઉછેર અને અભ્યાસ વોરવિકશાયરના રગ્બી ખાતે થયો હતો. ૧૯૮૦ના દાયકામાં લીડ્સમાં રહેતી હતી અને એપ્રિલ ૧૯૮૫ સુધી યોર્કશાયરમાં બર્ટન ગ્રૂપમાં નોકરી કરતી હતી. લીડ્સ અગાઉ તે રગ્બીમાં રહેતી હતી અને લાપતા થવા અગાઉ રગ્બીમાં પાછી રહેવા આવી હતી. તેણે ૧૯૮૪ના ફેબ્રુઆરીમાં લગ્ન કર્યાં હતાં અને ૧૯૮૫ના જુલાઈમાં જ લીડ્સની સેન્ટ જેમ્સ હોસ્પિટલમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો.