લંડનઃ બ્રિટનના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે નવા નિશાળિયા ડ્રાઇવરો પર કડક વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે. નવા નવા જ ગાડી ચલાવવાનું શીખેલાં લોકો રાત્રે વાહનો ચલાવી શકશે નહિ. વિભાગે જણાવ્યા મુજબ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સમાં ગ્રેજ્યુએટિંગ લાઇસન્સ સિસ્ટમ લાગુ કરાશે. દરેક પાંચમાંથી એક ડ્રાઇવર ગાડી શીખ્યાનાં એક વર્ષની અંદર અકસ્માત કરી બેસે છે તેમ આંકડાથી જણાય છે.
પરિવહન વિભાગે કહ્યું છે કે નવા નિયમમાં આવા શીખાઉ ડ્રાઇવરો માટે ગાડી ચલાવવા પર પ્રતિબંધ ઉપરાંત નિશ્ચિત વય સુધી એકલા ડ્રાઇવિંગ સહિતની શરતો ઉમેરાશે. માર્ગ સુરક્ષા પ્રધાન માઇકલ એલિસે જણાવ્યું હતું કે નવી યોજનાથી યુવા ડ્રાઈવરો માટે લાઇસન્સ કઢાવવું અને ગાડી ચલાવવી પડકારરૂપ થશે. એલિસે કહ્યું કે ગ્રેજ્યુએટિંગ લાઇસન્સ પ્રક્રિયા લાગુ થયા બાદ નવા નિશાળિયા ડ્રાઇવર જાતે પણ સુરક્ષિત રહી શકશે અને તેમની ભૂલોનાં કારણે માર્ગો પર લોકોના મોત અને ઇજા થવાની સંખ્યામાં ઘટાડો થશે.
સ્કોટલેન્ડ સરકારના પ્રવક્તાએ કહ્યું કે તેમના તમામ મંત્રીઓને ગ્રેજ્યુએટિંગ લાઇસન્સિંગ સિસ્ટમનું સમર્થન કર્યું છે. તેથી તેને લાગુ કરવામાં બહુ સમસ્યા નહિ આવે. તેમણે કહ્યું કે ઉત્તર આયર્લેન્ડમાં આ યોજના લાગુ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
હાલના નિયમોમાં લાઇસન્સ મળ્યાના બે વર્ષની અંદર જો ડ્રાઇવરને ૬ પેનલ્ટી પોઇન્ટ મળે તો તેનું લાઇસન્સ રદ થઈ શકે છે પરંતુ, વયના હિસાબે શિખાઉ ડ્રાઇવર કેટલા લોકોને બેસાડી ગાડી ચલાવી શકે તેને કોઈ રોકટોક નથી.


