શીખોની વંશીય ઓળખની માગણીથી બ્રિટિશ ભારતીય ડાયસ્પોરામાં રોષ છવાયો

ડો. રેમી રેન્જર સહિત અનેક શીખ અગ્રણીઓએ આવી વિભાજક માગણીને અયોગ્ય ગણાવી

રુપાંજના દત્તા Wednesday 27th September 2017 06:14 EDT
 
 

લંડનઃ સેન્સસ ૨૦૨૧માં પોતાના માટે અલાયદી વંશીય ઓળખ માટે બ્રિટિશ શીખોની માગણીથી યુકેસ્થિત ભારતીય ડાયસ્પોરામાં રોષની લાગણી છવાઈ છે. ગત સેન્સસ (૨૦૧૧)માં ૮૩,૩૬૨ શીખોએ વંશીયતા સેક્શન હેઠળના વર્તમાન ટ્ક બોક્સ કોલમને અવગણી પોતાને શીખ તરીકે ઓળખાવવા ‘રાઈટ ઈન’ વિકલ્પનો ઉપયોગ કર્યા પછી આ માગણી ઉભી થઈ છે. સેન્સસમાં વૈકલ્પિક ધર્મ સેક્શનમાં પોતાને શીખ તરીકે ઓળખાવવા લોકોને છૂટ અપાઈ છે. જોકે, આ પગલાથી ભારે વિવાદો સર્જાવા સાથે શીખો સામે યુકેમાં ખાલિસ્તાન ચળવળને ઉશ્કેરવા અને સમર્થન આપવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે, અનેક શીખ અગ્રણીઓએ આવી વિભાજક માગણીને અયોગ્ય ગણાવી છે.

બર્મિંગહામ એજબાસ્ટનના લેબર સાંસદ અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપના અધ્યક્ષ પ્રીત કૌર ગિલે સેન્સસ ૨૦૨૧માં શીખ એથનિક ટિક બોક્સની માગણી સાથેનો પત્ર યુકેના નેશનલ સ્ટેટેસ્ટિશિયન અને કાર્યાલયના વડા જ્હોન પુલિન્જરને પાઠવ્યો છે. આ પત્રમાં એશિયન મૂળના ફૈઝલ રશિદ, મોહમ્મદ યાસીન, તનમનજિતસિંહ ધેસી, ખાલિદ મહમૂદ, સીમા મલ્હોત્રા, તુલિપ સિદિક, વિરેન્દ્ર શર્મા, કિથ વાઝ અને યાસ્મિન કુરેશી સહિત ૧૪૦ જેટલા સાંસદોએ સહીઓ કરી છે. એશિયન અને બીન-શીખ સાંસદોએ પણ આ પત્રને ટેકો આપ્યો હોવાનું જાણી ભારતીય કોમ્યુનિટીને વધુ દુઃખ થયું છે. જોકે, ભારતીય સત્તાવાળાઓ હજુ કોઈ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી.

આ પત્ર મુદ્દે પ્રીત ગિલે એક નિવેદનમાં જણાવ્યું છે કે,‘આ મુદ્દે શીખોને વ્યાપક ટેકો હોવાથી સહી કરનારા સાંસદોની સંખ્યા બમણી કે ત્રણ ગણી પણ થઈ શકતી હતી પરંતુ, ONS સાથે મુલાકાત હોવાથી અમે વધુ સહીઓ લેવાનું અટકાવ્યું હતું. ONS હવે જાણે છે કે તેણે સેન્સસ ૨૦૨૧માં અલગ શીખ ટિક બોક્સનો સમાવેશ કરવા પાર્લામેન્ટને ભલામણ કરવી જ પડશે અન્યથા સાંસદો તેને માન્ય કરશે નહિ. કેટલા શીખોએ ૨૦૧૧માં ધાર્મિક પ્રશ્નનો ઉત્તર આપ્યો નથી તે સ્થાપિત કરવા ONS દ્વારા કશું જ કરાયું નથી.’

શીખ નેટવર્ક દ્વારા ૨૦૧૬માં ૪૫૦૦થી વધુ શીખોએ સર્વેમાં મત આપ્યો હતો જેમાં ૯૩.૫ ટકાએ શીખ ટિક બોક્સને ટેકો આપ્યો હતો તેમજ ૨૦માંથી ૧૯ શીખે ભારતીય અથવા એશિયન તરીકે નહીં પરંતુ શીખ તરીકે ઓળખાવાનું પસંદ કર્યું હતું. શીખ કોમ્યુનિટી આ મુદ્દે વિભાજીત છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં સૌથી પ્રથમ પાઘડીધારી ઉમરાવ અને નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઇઝેશન્સના ડાયરેક્ટર લોર્ડ ઇન્દરજીતસિંહે તાજેતરમાં ૧૭મા એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ હાંસલ કર્યો છે. જર્નાલિસ્ટ અને વ્યવસાયે બ્રોડકાસ્ટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘શીખ ફેડરેશન હંમેશાં ચળવળકારી મુદ્દા શોધતું રહ્યું છે છેલ્લો મુદ્દો અગામી સેન્સસમાં અલગ વંશીય જૂથ તરીકે શીખોના સમાવેશનો છે. કોમ્યુનિટીના મૂળ જ્યાં છે તે ભૂગોળ અને કુદરત અથવા સામાજિક વાતાવરણને બદલવાનું લો લોર્ડસના હાથમાં નથી. તે ૧૦૦ સાંસદોની કહેવાતી સહીઓ પણ કોઈ તફાવત લાવી શકશે નહીં. કેટલાક શીખો એમ માને છે કે પોતાને વંશીય જૂથ (જે આપણે નથી) તરીકે ગણાવી શીખો માટે ના કહેવાતા વતન ખાલિસ્તાનનો કેસ મજબૂત કરી શકાશે.’ રાજકીય બાબતો ભૂલી જઈએ તો પણ ખાલિસ્તાનની વાતો એક સૂત્રથી વધુ કશું નથી. પંજાબમાં શીખો હંમેશાં બહુમતીમાં છે અને ઈઝરાયેલ કે પાકિસ્તાનની માફક ધાર્મિક રાષ્ટ્ર જ્યાં અન્ય ધર્મોની ગેરહાજરીમાં શીખોને વધુ અધિકારો મળે તે આપણા ગુરુઓના ઉપદેશોની સ્પષ્ટ વિરુદ્ધ રહેશે.’

સન માર્ક લિમિટેડના સ્થાપક અને ચેરમેન તથા ધ બ્રિટિશ શીખ એસોસિયેશનના ચેરમેન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ડો. રેમી રેન્જર CBE શીખ કોમ્યુનિટીના જાણીતા એન્ટ્રેપ્રિન્યોર છે. રેન્જરના પિતા શાહિદ નાનકસિંહ સ્વાતંત્ર્યસેનાની હતા. જેમણે ધર્મના આધારે ભારત-પાકિસ્તાન ભાગલાનો વિરોધ કર્યો હતો અને અશાંતિ દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.

ડો. રેમી રેન્જરે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં જણાવ્યું છે કે,‘શીખ ગુરુઓએ માનવસર્જિત અવરોધોને દૂર રાખી આધુનિક અને પ્રગતિશીલ ધર્મની વિચારધારા આપી છે. તેમણે વૈશ્વિક બંધુત્વને ઉત્તેજન આપ્યું હતું. જોકે, તેમના કેટલાક અનુયાયીઓ તેઓ વધુ મહાન સ્વપ્નદૃષ્ટા હોવાના દાવા કરી અલાયદા વતન જ નહિ, અલાયદી વંશીયતાની માગણી ઉઠાવી રહ્યા છે.

સમગ્ર માનવજાતનો હિસ્સો બની રહેવાના બદલે અલગ સમૂહ કે જૂથ તરીકે વર્ગીકૃત થવા ઈચ્છતા મારા સાથી શીખોની માગણીથી હું દુઃખી થયો છું. મારા મત અનુસાર પુનઃ વિભાજિત થવાની માગણી કરીને આપણે પોતાને જ નુકસાન કરી રહ્યા છીએ. શું તેઓ આપણા પવિત્ર ધર્મગ્રંથોમાંથી તમામ બીન-શીખોના ઉપદેશો દૂર કરવાની માગણી પણ કરશે?

સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય ઉપખંડના દરેક લોકો હિન્દુ DNA ધરાવે છે અને ધર્મ પરિવર્તન કરવાથી આપણે આપણો વંશકુળ- Race બદલી શકતા નથી. શીખ ગુરુઓ અને તેમના અનુયાયીઓ હિન્દુ હતા અને આ હકીકતને કોઈ નકારી શકે નહિ. શીખ ગુરુઓએ માનવજાતને વધુ નિકટ લાવવા આંતરધર્મીય ઉપદેશો પર આધારિત આધુનિક ફીલોસોફી શીખોને આપી હતી અને કેટલાક ગણ્યાગાંઠ્યા લોકોની આવી પ્રવૃત્તિ અદૂરદર્શી અને ફાચર મારવા સમાન છે.

બ્રિટિશ સાંસદોના સમર્થન બાબતે મારે એટલું જ કહેવાનું છે કે તેઓ હંમેશાં લોકોને નબળાં પાડવા માટે તેમને વિભાજિત કરવાની તરફેણમાં જ રહ્યાં છે. હું મારા શીખ બંધુઓને એવો જ અનુરોધ કરીશ કે આપણા ગુરુઓએ જેની કદી હિમાયત કરી નથી તેવી કોઈ માગણી ઉઠાવે નહિ કારણકે તે આપણા મૂળ વતનના લોકો સાથે નિકટ નહિ લાવે.’

શીખ ફેડરેશન ઓફ યુકેના પ્રેસ સેક્રેટરી ગુરજીતસિંહે નિવેદનમાં જણાવ્યું છે કે યુકેના કાયદા ઘડનારાઓ તરફથી અલગ વંશીય ઓળખ મુદ્દે શીખ કોમ્યુનિટીને નોંધપાત્ર ટેકો મળ્યો છે. તેઓ શીખ અધિકારો માટે લોબિંગ કરે છે અને કોઈ ત્રાસવાદી સંગઠનો સાથે સંકળાયેલા નથી.

સાંસદ સીમા મલ્હોત્રાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે આ મુદ્દો ખરેખર તો સેન્સસમાં એકત્ર કરાયેલો ડેટા જાહેર સેવાઓ માટે સ્રોતોની ફાળવણી અંગેની માહિતી છે. કોઈ કોમ્યુનિટી જૂથ દ્વારા તેના માટે ચિંતા પ્રગટ થાય તો તે સાચી છે અને તેની સમીક્ષા કરવી જોઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter