ઓલ્ડ વિક ખાતે શનિવાર બપોરના શોમાં ઓડિયન્સ ઓડિપસ નાટકને નિહાળવા ભારે ઉત્સુક હતું. ઓડિપસના પાત્રમાં રામી મલેક અનેજોકાસ્ટાના પાત્રમાં ઈન્દિરા વર્માએ અભિનયના કામણ પાથર્યા હતા. ગ્રીક માયથોલોજિકલ કથામાં ઓડિપસ થીબ્સનો રાજા છે જે અજાણતામાં પોતાના પિતાની હત્યા કરી પોતાની જ માતા સાથે લગ્ન કરે છે. હોમરના જણાવ્યા મુજબ ઓડિપસની પત્ની અને માતા જોકાસ્ટા ફાંસી લગાવી આત્મહત્યા કરે છે જ્યારે ઓડિપસ પોતાનું શાસન ચલાવતો રહે છે. અન્ય કેટલાકના જણાવ્યા મુજબ ઓડિપસ ખુદ અંધ બની જાય છે અને એથેન્સની બહાર દેશનિકાલ થઈને વસે છે. આખરે તેને ધરતી પોતાનામાં સમાવી લે છે અને તે ભૂમિનો રક્ષક બની રહે છે.
ઓડિપસ થકી એલ્લા હિક્સન પોતાને બ્રિલિયન્ટ નાટ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. જે વર્તમાન સંદર્ભમાં ગૂઢ ભૂતકાળની કથાને એડપ્ટ કરી શકે અથવા કહી શકે છે. વરસાદ અને પીવાના પાણીની અછત, વિશ્વમાં હાલ છવાઈ ગયેલી ક્લાઈમેટ કટોકટીની ઝાંખી અને નૃત્યકારો વરસાદને લાવે છે. આ જોઈને મને ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ ગાઈડના દૃશ્યો યાદ આવે છે જેમાં રાજુ ગાઈડનું પાત્ર પ્રસિદ્ધ અભિનેતા દેવ આનંદે ભજવ્યું હતું. તે જ દુકાળનો અંત લાવી શકશે તેવી ગ્રામજનોની માન્યતામાં ફસાઈ રાજુ ગાઈડ 12 દિવસના ઉપવાસ કરે છે અને આખરે વરસાદના અમીછાંટણા પડવા સાથે તેના જીવનનો અંત આવે છે.
આ જ પ્રમાણે ઓડિપસ ઓરેકલની આગાહીમાં ફસાય છે અને થીબ્સમાં દુકાળનો અંત લાવવા કિંગ લેઈસના હત્યારાને સજા કરી ન્યાય લાવવાની જાહેરાત કરે છે. આગળ વધીને કરુણાન્તિકામાં તે અંધત્વ પામે છે અને તેનો સુંદર પરિવાર વેરવિખેર થઈ જાય છે.
બહાદુર છતાં, ભાંગી પડેલી મહિલાની મજબૂરીનું પાત્ર ભજવવામાં ઈન્દિરા વર્માની તોલે કોઈ આવી શકે તેમ જણાતું નથી. જીવનની કરૂણતાઓ વચ્ચે વહેંચાયેલી પત્ની, માતા અને રાણી તરીકે તેનો અભિનય અદ્ભૂત છે. તે ઓસ્કારવિજેતા અભિનેતા મલેકને પણ ઢાંકી દે છે.
દિગ્દર્શન, કોરીઓગ્રાફી અને મ્યુઝિક પણ સુંદર છે. ઓડિપસ નાટક 29 માર્ચ 2025 સુધી દ ઓલ્ડ વિક ખાતે નિહાળી શકાશે.
સ્ટાર રેટિંગ (પાંચમાંથી): *****