શું તમને વારસા અને સંબંધિત ઈન્હેરિટન્સ ટેક્સની ચિંતા છે?

એક અભ્યાસ કહે છે કે પાંચમાંથી એક વ્યક્તિ પોતાના સંતાનો માટે નાણા છોડી જવાનું આયોજન કરતી નથી. ઈન્હેરિટન્સ પરિવારોને સશક્ત-મજબૂત બનાવે છે કે વિનાશ કરે છે તેના તારણો અમે કાઢ્યાં છે.

શેફાલી સક્સેના Wednesday 15th September 2021 05:40 EDT
 
 

‘આપણે પૂર્વજો પાસેથી વારસામાં વિશ્વને પ્રાપ્ત કરતા નથી, આપણે તો આપણા સંતાનો પાસેથી તે ઉધારમાં લઈએ છીએ’ – ચીફ સીએટલ

આપણે આ કથનનું પુનઃ મૂલ્યાંકન કરવાની જરૂર છે. વર્તમાન યુગમાં પાંચમાંથી એક વ્યક્તિ પોતાના મૃત્યુ પછી સંતાનો માટે નાણા છોડી જવાનું આયોજન કરતી નથી. એક સર્વે પણ એમ જ કહે છે કે ઘણાં પેરન્ટ્સ પોતાના બાળકો માટે નાણાનો વારસો છોડી જતા નથી.

જેમ્સ બોન્ડ ફિલ્મ સ્ટાર ડેનિયલ ક્રેગ પોતાના બાળકો માટે સંપત્તિ છોડી જવાના નથી તેવા સમાચાર પછી વિશ્વમાં વારસા મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હારગ્રીવ્ઝ લેન્સડાઉન સર્વેમાં જણાયું છે કે ૮૨ ટકા લોકો પોતાના મૃત્યુ પછી બાળકો માટે સંપત્તિ છોડી જવાનું આયોજન કરે છે જ્યારે ૭ ટકા લોકો પરિવારના અન્ય સભ્યો માટે નાણા છોડી જવા માગે છે.

હારગ્રીવ્ઝ લેન્સડાઉનમાં પર્સનલ ફાઈનાન્સ એનાલિસ્ટ સારાહ કોલ્સ કહે છે કે,‘ આ માત્ર ડેનિયલ ક્રેગની વાત નથી, પાંચમાંથી લગભગ એક વ્યક્તિ મૃત્યુ પછી બાળકો માટે નાણા છોડી જવા માગતા નથી. કેટલાક તેમના સમગ્ર પરિવાર માટે યોગ્ય આયોજનના નિર્ણયો કરે છે.’ વારસો મૂકી જવો તે ખાસ કરીને એશિયન પરિવારોમાં યુગો જૂની પ્રથા છે. માનવસમાજોમાં તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે અને આ પ્રક્રિયા પર નિયંત્રણ રાખવા વિવિધ પ્રકારના વારસાઈ કાયદા અથવા તો ઈન્હેરિટન્સ લોઝ વિકસાવાયા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા કોમ્યુનિટીના સભ્યો સાથે વાતચીત કરી આપણે સાંસ્કૃતિક પ્રથાઓમાં વારસા બાબતે શું વિચારીએ છીએ તે જાણવા પ્રયાસ કરાયો છે.

વારસો અથવા ઈન્હેરિટન્સ શું છે?

ન્યૂ વર્લ્ડ એન્સાઈક્લોપીડિયામાં ઈન્હેરિટન્સને સામાજિક સિદ્ધાંત ગણાવાયો છે. તે કહે છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના બાળકો અથવા અન્ય વારસદારોને સંપત્તિ વસીયતમાં આપી જવાની ક્ષમતાને માનવ સમાનતાના આધુનિક વિચારોમાં અસંમગત ગણવામાં આવી છે કારણકે સમાજ અને વિશ્વને યોગદાન આપવા કે મહેનત કર્યા વિના થોડા લોકો માટે ગણનાપાત્ર સંપત્તિ એકત્ર કરવાનું તે શક્ય બનાવે છે. આમ વિચારીએ તો વારસો સદીઓથી સામાજિક અન્યાયને આગળ વધારતા રહેવાનું સાધન છે. જોકે, કોઈ વ્યક્તિની મહેનતનું ફળ તેના વારસદારોને આપતા જવાનું નકારાય તો સખત મહેનત કરવા માટે પ્રોત્સાહન મળતું નથી અને આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થાય છે. નાણાની માફક જ વારસો કે ઈન્હેરિટન્સની પ્રથા-પરંપરા ઈષ્ટ કે અનિષ્ટ નથી પરંતુ, મોટા ભાગે સ્વાર્થી અને સંભાળ નહિ લેનારા સમાજથી પ્રભાવિત માનવીઓની સારાઈ અથવા લોભ-લાલચનો વિષય છે.

જે રીતે, પ્રતિભા જેવા બાયોલોજિકલ લક્ષણો અથવા વ્યક્તિના પેરન્ટ્સ થકી શીખવામાં આવતી કુશળતા કોઈ પ્રકારની સમાનતા કે સરકારી નિયંત્રણો વિના જ વારસમાં ઉતરી આવે છે તે જ રીતે કોઈના માતાપિતાની મહેનતના ભૌતિક ફળના વારસાને કોઈ પ્રકારના કાયદાથી સમાનતા બક્ષી શકાય નહિ.

ધનાઢ્ય એશિયનો પ્રમાણમાં ઓછાં છે

સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ ૨૦૨૧માં એશિયનોની સંખ્યા ઓછી છે જેમાં, હિન્દુજાઓ અને મિત્તલથી રૂબેન બંધુઓ આગળ છે. આ યાદીમાં આશરે ૧૮ સાઉથ એશિયન (ભારતીય મૂળના ૧૦થી વધુ) છે. ભૂતકાળમાં બ્રિટનસ્થિત એશિયન લોકોનું પ્રતિનિધિત્વ રિચ લિસ્ટમાં સારું રહ્યું હતું. આ વર્ષે કોરોના મહામારીના કારણે વંશીય લઘુમતીઓનું પ્રમાણ ઘટ્યું છે. રિચ લિસ્ટ ૨૦૨૧માં હિન્દુજા બ્રધર્સ વિશે સ્પષ્ટ કહેવાયું હતું કે તેઓ ૧૭ બિલિયન પાઉન્ડની નેટ વર્થ સાથે ત્રીજા સ્થાને સરી પડ્યા હતા. વાન મેન્યુફેક્ચરિંગ અને લક્ઝરી હોટેલ્સથી માંડી બેન્કિંગ અને હેલ્થકેર સુધી વિસ્તરેલા હિન્દુજા બિઝનેસ સામ્રાજ્યમાં તિરાડ પડી હોવાં છતાં તેમણે આ સ્થાન હાંસલ કર્યું હતું. લંડનસ્થિત ૮૫ વર્ષીય શ્રીચંદ હિન્દુજા અને તેમના ત્રણ ભાઈઓ- ગોપીચંદ (૮૧). જીનિવાસ્થિત પ્રકાશ (૭૫) અને મુંબઈસ્થિત અશોક હિન્દુજા (૭૦)- વચ્ચે કાનૂની ખટરાગ સર્જાયો છે.

વારસો પરિવારોને ખતમ કરે છે

બ્લેક સ્ટોન મોર્ગેટના વિજય ઠક્કરે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘જે પરિવારોએ સંપત્તિનું સર્જન કર્યું છે તેમણે વારસાઈના આયોજનના ભાગરુપે પોતાના બાળકોમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેમને સાંકળવાની કાળજી રાખી છે. મારું માનવું છે કે યુવા પેઢીમાં તેમના વારસા પ્રત્યે ફરજની મજબૂત લાગણી છે. તેઓ ઉપકારની લાગણી અનુભવવા સાથે તેમની પારિવારિક સંપત્તિને વ્યવસ્થિતપણે વિકસાવી અથવા જોખમ ઘટાડવા માટે અન્ય બિઝનેસીસમાં પણ વૈવિધ્ય અપનાવી સતત વધારવાની પ્રબળ પ્રેરણા ધરાવે છે.

બીજી તરફ, વારસો પરિવારોનો નાશ પણ કરે છે. યુવા વર્ગ તેમની પાસે જરૂર કરતાં વધુ સંપત્તિ હોવાના કારણે આળસ અને નિષ્ક્રિયતામાં સરી પડે છે, કામકાજ કરવાની ઈચ્છા રાખતા નથી. તેઓ ફેમિલી બિઝનેસ હસ્તગત કરે છે અને કદી ફેમિલી બિઝનેસનો વહીવટ કર્યો ન હોય પરંતુ, આવી જવાબદારી તેમના શિરે આવી જાય છે. શિક્ષણ, માર્ગદર્શન, આગોતરું આયોજન અને સૌથી વધુ તો બાળકો યોગ્ય કાર્ય કરશે તેવો વિશ્વાસ રાખવો તે સફળતા અને સંપત્તિને એક પેઢીથી બીજી પેઢીને હસ્તાંતર કરવાની ચાવીરુપ બાબતો છે.’

ઈન્હેરિટન્સ ટેક્સ કેટલો આવે?

સ્ટાન્ડર્ડ ઈન્હેરિટન્સ ટેક્સનો દર ૪૦ ટકા છે. ટેક્સ લાગુ થવાની મર્યાદાની ઉપરની સંપત્તિ કે એસ્ટેટ માટે ટેક્સ ચૂકવવો પડે છે. જો તમે તમારા વિલમાં નેટ વેલ્યુના ૧૦ ટકા અથવા વધુ ચેરિટીને આપતા હો તો કેટલીક એસેટ્સ પર એસ્ટેટને ૩૬ ટકાના ઘટાડેલા દરે ઈન્હેરિટન્સ ટેક્સ ચૂકવવાનો આવે. તમારી એસ્ટેટના ફંડ્સમાંથી રેવન્યુ અને કસ્ટ્મ્સ (HMRC) વિભાગને ઈન્હેરિટન્સ ટેક્સ ચૂકવવાનો થાય છે.

એસ્ટેટનો વહીવટ ચલાવનાર (જો વિલ હોય તો એક્ઝિક્યુટર) આ બધી કામગીરી કરે છે. સામાન્યપણે તમારા લાભાર્થીઓ (તમારી એસ્ટેટ-સંપત્તિનો વારસો મેળવનારા)એ તેમને મળેલા વારસાની ચીજવસ્તુઓ પર ટેક્સ ચૂકવવાનો થતો નથી. ઉદાહરણ તરીકે, જો તેમને વિલ હેઠળ મકાન મળ્યું હોય તેમાંથી થતી ભાડાંની આવક પર ટેક્સ ચૂકવવાનો થાય. તમે જે લોકોને બક્ષિસો આપો તેમણે કદાચ ઈન્હેરિટન્સ ટેક્સ ચૂકવવો પડે પરંતુ, તમે ૩૨૫,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ આપી હોય અને તેના સાત વર્ષમાં જ મોત થાય તો જ તેમણે ટેક્સ ચૂકવવો પડશે.

ઈન્હેરિટન્સ ટેક્સ ટાળી શકાય છે

Chown Dewhurst LLPના પ્રિન્સિપાલ કૌશિક દેસાઈ ટેક્સ એડવાઈઝર તરીકે પોતાના દીર્ઘ અનુભવથી કહે છે કે લોકો જેમ વૃદ્ધ થતા જાય છે તેમ તેમના મૃત્યુ પછી સંતાનોએ ઈન્હેરિટન્સ ટેક્સ ચૂકવવો પડશે તેની ચિંતા ધરાવે છે. ‘કેટલાક ક્લાયન્ટ્સ તેના વિશે જરા પણ ચિંતા કરતા નથી અને સંતાનોને તેમની સંપત્તિના ઓછામાં ઓછાં ૬૦ ટકા તો મળશે તેવો સંતોષ ધરાવે છે કારણકે તેમને પોતાના પેરન્ટ્સ પાસેથી જે વારસો મળ્યો હોય તેના કરતાં તો બહેતર ગણાય તેમ માને છે.’

કૌશિક દેસાઈ કહે છે કે,‘ જો કોઈ વ્યક્તિ તેના બાળકોને સંપત્તિની બક્ષિસ કરે અને તે પછી ઓછામાં ઓછાં સાત વર્ષ સુધી જીવતા રહે તો ઈન્હેરિટન્સ ટેક્સ ટાળી શકાય છે. આમ છતાં, ભેટ-બક્ષિસ આપતા પહેલા તમારે કેપિટલ ગેઈન્સ ટેક્સની તપાસ કરી લેવી જોઈએ. હું એવી સલાહ આપું કે તમારે જે વસ્તુ-ભેટ આપવાની પોસાતી હોય અને પાછી મેળવવાની અપેક્ષા ન હોય તેની જ ભેટ આપવી જોઈએ. ઘણા બાળકો એસેટ્સનો એક કે બીજી રીતે ઉપયોગ કરી લીધો હોય અને ભેટમાં મળેલી એસેટ્સ તમને પરત આપવાની સ્થિતિમાં ન પણ હોય.’

તેમણે ઉમેર્યું હતું કે,‘નિવૃત્તિમાં તમારી જરૂરિયાતો સંદર્ભે આયોજન કરવું આવશ્યક છે અને ઓછાં વ્યાજ દર સાથે રિટાયરમેન્ટમાં પૂરતી આવક મળી રહે તે માટે સંપત્તિની નોંધપાત્ર રકમની જરૂર રહે છે. સરકારી રિપોર્ટ્સ અનુસાર જે લોકો પાસે એકથી ૧૦ મિલિયન પાઉન્ડ વચ્ચે સંપત્તિ હોય તેઓ ઈન્હેરિટન્સ ટેક્સમાં વધુ રકમો ચૂકવે છે કારણકે તેમણે મોટા ભાગની સંપત્તિનો ઘણો વહેલો નિકાલ કરી દીધો હોય છે. તમારા બાળકોને સંપત્તિ કેવી રીતે વારસામાં આપવી તેનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. મારા કેટલાક ક્લાયન્ટ્સ બાળકોને નોંધપાત્ર પ્રમાણમાં વારસો આપવા માગતા નથી જેથી તેઓ પોતાના જીવનમાં મક્કમતા અને પ્રેરણા સાથે આગળ વધવાનું ચાલુ રાખે. ઘણા ક્લાયન્ટ્સ એવી ચિંતા કરે છે કે તેમણે આખી જિંદગી મહેનત કરી સંપત્તિ ઉભી કરી તે વારસામાં વહેંચાઈ જશે. આથી, મારી સલાહ એવી છે કે લોકોએ સંપત્તિને એવી રીતે ટ્રસ્ટમાં મૂકવી જોઈ જેથી બાળકો તેમાંથી આવકને માણી શકે અને મૂળ મુદ્દલ ખર્ચાય નહિ.’

ખોટા હાથમાં જાય તો વારસો ખરાબ

વારસો સારો કે ખરાબ તે અંગે વિચારો દર્શાવતા સુભાષ વી. ઠકરારે અમને જણાવ્યું હતું કે, ‘વારસો ખરાબ હાથમાં આવી પડે તો ખરાબ જ કહેવાય. પરિવારો સાથે મારા સલાહકારી કામકાજમાં મેં આવા ઘણા કિસ્સા જોયાં છે. ઘણી વખત આપણે જ સફળતાના શિકાર બની જઈએ છીએ. આપણા બાળકોને સારું શિક્ષણ આપ્યું હોય અને તેઓ પોતાની રીતે જ સંપત્તિના સારા સર્જક બન્યા હોય. જ્યારે આવા બાળકોને વારસો પ્રાપ્ત થાય ત્યારે તેમને લેવાની ઈચ્છા હોતી નથી અને વારસાની સંપત્તિ સાથે શું કરવું અને તેને સંબંધિત ટેક્સ સમસ્યાઓથી તણાવમાં આવી જતા હોવાનું મેં જોયું છે. ઘણા માને છે કે આ મારું નથી અને ભાવિ પેઢી માટે મૂકતા જાય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેઓ વારસામાં શું મળશે તેના પર નજર રાખતા હોય છે અને ઘણા તેના દુરુપયોગમાં પડી જાય છે. આવા લોકો પોતાનો હિસ્સો મેળવવા પરિવારના અન્ય સભ્યો સાથે મોટી કાનૂની તકરાર કરે છે. આવા કેસ વર્ષો સુધી અથવા તેમની જિંદગીથી પણ આગળ સુધી ખેંચાયા કરે છે અને જંગી કાનૂની ખર્ચા ભોગવે છે! આવા કિસ્સાઓમાં વારસો ખરેખર ખરાબ છે. મારા મતે જેમની પાસે ૧ મિલિયન પાઉન્ડથી વધુ સંપત્તિ હોય તેમણે સલાહ લઈને આયોજન કરવું જોઈએ અન્યથા વારસદારોને ધાર્યા લાભ મળી શકશે નહિ.’

સાયકોલોજિકલ અને ભાવનાત્મક પરિબળો

એક્ઝિક્યુટિવ અને બિઝનેસ કોચ શિલ્પા પાંચમટિઆએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે, ફેમિલી બિઝનેસની ગતિવિધિ એવી છે કે મોટા ભાગે તેની ચર્ચા ડિનર ટેબલ પર થતી હોય છે જ્યાં ખુલ્લા મને ચર્ચા થાય છે અથવા જનરેશન ગેપના કારણે કોમ્યુનિકેશન બંધ પણ થઈ જાય છે. ‘ફેમિલી બિઝનેસમાંથી એક્ઝિટ કરવાની હોય ત્યારે પેરન્ટ્સ બિઝનેસમાંથી પોતાના નિવૃત્તિકાળના ભંડોળની વ્યવસ્થા કરે છે. યોગ્ય ચર્ચા અને વારસદાર સાથે મળીને એક્ઝિટ પ્લાન અમલી ન બનાવાય તો બિઝનેસ અને બંને પાર્ટીને સહન કરવાનું આવે છે. બિઝનેસ સતત ચાલતો રહે, લીડરશિપ અને લક્ષ્યોમાં બદલાવ આવે તે સહિતના આયોજનમાં સાયકોલોજિકલ અને ભાવનાત્મક પરિબળો પર ધ્યાન આપવું જરૂરી બને છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter