લિસ્બનનો ભૂકંપ અને સુનામી ત્રાટક્યા હતા, જેમાં કમનસીબે ૧૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ લોકોએજીવ ગુમાવ્યા હતા, તે ૧૭૫૫ના વર્ષ (પહેલી નવેમ્બર-ઓલ સેઈન્ટ્સ ડે)થી આ દલીલ સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવતી રહી છે. અહીં સુધી તો યુરોપમાં ક્રિશ્ચિયાનિટીને પ્રભુત્વશાળી ધર્મ તરીકે ગણવામાં આવતી હતી. જોકે, આ મહા દુર્ઘટના પછી તત્વચિંતકો પ્રશ્ન કરવા લાગ્યા કે શા માટે ઈશ્વરે આટલા બધાં લોકોનાં મોત થવા દીધા અને આ પ્રશ્ન જ્ઞાનોદયના યુગ તરફ દોરી ગયો, જ્યાં પશ્ચિમ યુરોપમાં નાસ્તિકતા (atheism) અને અજ્ઞેયવાદ (agnosticism )નો પ્રસાર વધતો ગયો હતો. આ પહેલા (જે આજે પણ પ્રલિત છે) તો એવી માન્યતા પ્રબળ હતી કે ઈશ્વર સર્વશક્તિમાન, સર્વહિતૈષી (સર્વનું હિત ઈચ્છનારા) અને સર્વજ્ઞ છે. ભૂકંપ પછી, ‘દુષ્ટતાની સમસ્યા’ની દલીલની રચના થઈ હતી. મૂળ તો આ વિચાર ગ્રીક તત્વચિંતક એપિક્યુરસે વિકસાવ્યો હતો. તેમાં એવી દલીલ કરાઈ હતી કે દુષ્ટતાનું અસ્તિત્વ છે અને તેથી ઈશ્વર સર્વશક્તિમાન અને સર્વહિતૈષી હોઈ શકે નહિ. લિસ્બનના મહાભીષણ ભૂકંપ પછી તુરત જ આ દલીલને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અન્ય ફિલોસોફર વોલ્ટેર હતા. વોલ્ટેરે લિસ્બન ધરતીકંપ વિશે હૃદયોર્મિ દર્શાવતું કાવ્ય લખ્યું હતું, જે ૧૭૫૬માં પ્રસિદ્ધ થયું હતું. તેમણે ‘Poème sur le désastre de Lisbonne’ કાવ્યમાં સર્વશક્તિમાન, સર્વહિતૈષી અને સર્વજ્ઞ ઈશ્વરના આદર્શ પર ભારે પ્રહાર કર્યા હતા. તેમણે લિસ્બન કરુણાંતિકાને પોર્ટુગલના પાપી નિવાસીઓ પર ઈશ્વરના ક્રોધ ઉતર્યો હોવાની કેથોલિક સંપ્રદાયની દલીલ તેમજ પોર્ટુગીઝ લોકો કેથોલિક હોવાથી આ થયું હોવાનું દોષારોપણ કરનારા પ્રોટેસ્ટંટ સંપ્રદાયની તીવ્ર આલોચના કરી હતી. લિસ્બન ટ્રેજેડી સંદર્ભે પ્રવર્તમાન ધાર્મિક મતો પર વોલ્ટેરના પ્રહારોથી જ અલગ પ્રકારના ઈશ્વર સંબંધે દલીલોને વેગ આપ્યો હતો.
લિસ્બન ધરતીકંપે લગભગ શક્તિહીન અથવા તમામ જ્ઞાન ન ધરાવતા ઈશ્વરના વિચારની પ્રસ્થાપના કરી હતી. આના પરિણામરુપ, પીડિત ઈશ્વરનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. કદાચ, તેઓ આ બધી આફતો સામે આપણું રક્ષણ કરવા માગતા હોય પરંતુ, શક્તિહીન હોવાના કારણે તેને અટકાવી શકતા ન હોય. તેઓ સર્વજ્ઞ હોવાના કારણે આફતો આવતી હોવાનું જોઈ શકે તેના લીધે વિચલિત રહે અને આફતોને અટકાવવામાં શક્તિહીન હોવાથી યાતના પણ અનુભવતા હોય. દુષ્ટતા કે અનિષ્ટ બે પ્રકારના હોય છે, કુદરતી અને માનવસર્જિત. આપણે દ્વિતીય વિશ્વ યુદ્ધનું ઉદાહરણ લઈ શકીએ, જેમાં આધિપત્ય સ્થાપવાના છ વર્ષના સંઘર્ષમાં લાખો લોકો માર્યા ગયા હતા. સર્વજ્ઞ અને સર્વહિતૈષી છતાં શક્તિહીન ઈશ્વર ચોક્કસપણે યુદ્ધને અટકાવવા સક્ષમ નહિ રહ્યા હોય. પરંતુ, જો તેઓ સર્વશક્તિમાન, સર્વના શુભેચ્છક હોવાં સાથે સર્વ નહિ જાણનારા ઈશ્વર હોત તો પણ યુદ્ધ અટકાવવા સક્ષમ હોત. આના વિશે જરા વિચારો. છ વર્ષનું યુદ્ધ ઘણો લાંબો સમયગાળો છે. જો તેઓ આપણને ચાહતા હોત તો તેમણે નિશ્ચિતપણે હસ્તક્ષેપ કર્યો હોત અને યુદ્ધ અટકાવ્યું હોત. અસંખ્ય લોકોને ઘૃણાસ્પદ અત્યાચાર અને પીડાદાયી યાતનાનો અનુભવ કરવો પડ્યો હતો તે અટકાવી શકાયું હોત, પરંતુ તેમ થયું નહિ.
ધર્મશાસ્ત્રીઓએ સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉઠાવ્યો કે સર્વને ચાહનારા ઈશ્વર શા માટે માનવસર્જિત અનિષ્ટને અટકાવી શક્યા નહિ. તેમણે ચાર ઉત્તરો રજૂ કર્યા છે પરંતુ, એક પણ પ્રતીતિજનક નથી. સૌ પહેલા તો તેમણે દલીલ કરી છે કે ઈશ્વર માનવીઓની સ્વતંત્ર ઈચ્છાનું માન કરે છે અને તેમના કાર્યોનાં પરિણામોની પીડા સહન કરવા દે છે. આ બરાબર છે પરંતુ, ઈશ્વરે શા માટે આવી ગંભીર ખામીઓ ધરાવતા માનવીનું સર્જન કર્યું અને જ્યારે તેમના કાર્યોના ભયાનક પરિણામો આવતા હોય ત્યારે પણ તેમણે શા માટે હસ્તક્ષેપ કર્યો નહિ તે પ્રશ્નનો ઉત્તર મળતો નથી. બીજું, ઘણી વખત એવી દલીલ કરવામાં આવે છે કે જેને દુષ્ટતા કહેવાય છે તે આપણા મતે દુષ્ટતા છે ઈશ્વરના મતે નહિ. આ દલીલ પણ અસ્વીકાર્ય છે કારણકે લાખો લોકોનાં મોત માત્ર આપણા માટે જ નહિ સર્વને પ્રેમ કરનારા ઈશ્વર માટે પણ દુષ્ટતા કે અનિષ્ટ જ હોય. ત્રીજી બાબત એ છે કે માનવજાતને તેમની નબળાઈની યાદ અપાવવા અને ઘમંડી બનવાની તેમની કુદરતી માનસિકતાનો સામનો કરવા ઈશ્વર અનિષ્ટ અને યાતનાના સાધનનો ઉપયોગ કરે છે. આ દલીલથી પણ એ નથી સમજાતું કે ઈશ્વરે યાદ અપાવવા માટે શા માટે આવા બર્બરક સ્વરુપોનો ઉપયોગ કરવો પડે જેથી લાખો લોકોએ મોતને ભેટવું પડે. આખરે ધર્મશાસ્ત્રીઓ અનિષ્ટ અને યાતના ને માનવ જાતના પાપો માટે દિવ્ય શિક્ષા તરીકે વાજબી લેખાવે છે. આ દલીલ પણ ધણી ઓછી સમજાય છે કારણકે અનિષ્ટ અંધાધૂંધ ફેલાય છે અને નિર્દોષ લોકો તેમજ જેમને પાપ કરવાની કોઈ તક જ ન સાંપડી હોય તેવા નવજાત બાળકોને પણ અસર કરે છે.
આમ, આપણે એવી ધારણા બાંધી શકીએ કે આ ઈશ્વર માત્ર સર્વહિતૈષી છે અને સર્વશક્તિમાન નથી કે સર્વજ્ઞ પણ નથી. પરંતુ, મર્યાદિત શક્તિ અને જ્ઞાન સાથે તેઓ આટલા જટિલ બ્રહ્માંડનું સર્જન કેવી રીતે કરી શક્યા હશે? આટલી બધી અટપટી અને જટિલ ગણતરીઓ સાથેના યુનિવર્સ જેવી અતિ વ્યાપક અને વિશાળ સિસ્ટમની રચના તો માત્ર અતિ બુદ્ધિશાળી અને શક્તિશાળી હસ્તી જ કરી શકે. આનાથી ઈશ્વરે ઉત્ક્રાંતિનું સર્જન કર્યું તેવી દલીલ સામે પ્રશ્નાર્થ સર્જાય છે. પ્રસિદ્ધ ભારતીય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઈશ્વર એક કળાકાર હોવાની ઉપમા આપી છે, જે એક સંપૂર્ણ-ખામી વિનાનું ટેબલ બનાવવાની મથામણ કરે છે અને સમયાંતરે તેને સંપૂર્ણ બનાવી શકે છે. ટાગોરના મતે આ જ ઉત્ક્રાંતિ છે. હું તેમની સાથે સંમત નથી. સમયાંતરે ટેબલ વધુ સારું બનતું રહેવું જોઈએ પરંતુ, હાલ મધ્ય પૂર્વમાં સંઘર્ષો અને માનવજાત મોટા પાયે યાતના અનુભવે છે તે સૂચવે છે કે ટાગોરની ટેબલની ઉપમા અનુસાર વિશ્વ સંપૂર્ણતા ધારણ કરી રહ્યું નથી.
આ બાબત હવે મને એ મુદ્દા પર લાવે છે કે માત્ર સર્વહિતૈષી ઈશ્વર હોઈ શકે નહિ અને ઈશ્વરને સારા દર્શાવતા અન્ય વિકલ્પો મેં અસંભવ ગણાવ્યા છે. આથી, ઈશ્વર માત્ર સર્વશક્તિમાન અને/અથવા સર્વજ્ઞ હોઈ શકે પરંતુ, સર્વહિતૈષી ન હોઈ શકે. પ્રશ્ન એ થાય કે આ પ્રકારના ઈશ્વરનું અસ્તિત્વ હોઈ શકે? જો ઈશ્વર બધાને ચાહનારા ન હોય તો તેમણે આપણું સર્જન શા માટે કર્યું હશે? જો તેઓ યાતના નિહાળીને આનંદ મેળવતા હોય તે સિવાય આ બાબત નિરર્થક ગણાશે. જીવન હજુ પણ આનંદપૂર્ણ આશ્ચર્યોથી ભરેલું છે, પ્રેમાળ અને પરોપકારી લોકો પણ છે અને વિશ્વના થોડાં વિસ્તારોમાં જ સંઘર્ષ જણાય છે. ચોક્કસપણે મર્યાદિત શક્તિ અને મર્યાદિત જ્ઞાન ધરાવતા ઈશ્વર પાસે મર્યાદિત પ્રેમ પણ છે અન્યથા તેમણે આપણું સર્જન કર્યું જ ન હોત. પરંતુ કોને પ્રેમ કરવો તેનો નિર્ણય તે કેવી રીતે લેતા હશે અને આપણે માત્ર મર્યાદિત શક્તિ ધરાવતા ઈશ્વર સાથે શા માટે જોડાવું જોઈએ? આથી, બે સંભવિત નિષ્કર્ષ પર પહોંચી શકાય કે સર્વશક્તિમાન અને/અથવા સર્વજ્ઞ ઈશ્વરનું અસ્તિત્વ છે પરંતુ, જે પ્રેમ વર્ષાવવામાં પસંદગી રાખે છે. અથવા ઈશ્વર જેવી કોઈ બાબત-વસ્તુ છે જ નહિ.
ઈશ્વરના અસ્તિત્વ હોવા અને નહિ હોવા વિશે ઘણી દલીલો છે. આ ટુંકા નિબંધમાં પ્રકૃતિમાં અને વિશેષતઃ માનવવિશ્વમાં દુષ્ટતાના અસ્તિત્વના લીધે જ મને તેના સંબંધે રસ જાગ્યો છે. જો આ દૃષ્ટિકોણ જોઈએ તો ઈશ્વરનું અસ્તિત્વ નથી અથવા તો તે સર્વહિતૈષી નથી કે તેની પાસે મર્યાદિત શક્તિઓ છે. આ ત્રણે નિષ્કર્ષ હતાશાજનક છે અને ઈશ્વરમાં અપરિવર્તનીય માન્યતાને આપણા પ્રમાણમાં ટુંકા જીવનનો આધાર નહિ બનાવીએ તો કદાચ જીવન સારું જીવાશે.
(લેખક ૧૪ વર્ષના તરુણ છે અને મેગ્ડેલન કોલેજ સ્કૂલ, ઓક્સફર્ડમાં અભ્યાસ કરે છે.)

