લંડનઃ કેન્યામાં જન્મેલી બ્રિટિશ નાગરિક આરતી ધીર અને તેના સાથીદાર કંવલજીત રાયજાદાને સૌરાષ્ટ્રના પોરબંદરના ૧૨ વર્ષીય અનાથ બાળક ગોપાલને દત્તક લઈ તેની કરોડો રુપિયાના વીમાની રકમ માટે હત્યા કરવાની ભૂમિકા બદલ ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવી શકે છે. આરતી ધીર અને કંવલજીત રાયજાદા ૨૩ જાન્યુઆરીએ કોર્ટ સમક્ષ હાજર થયા હતાં. આરતીની પ્રત્યાર્પણ અરજી પર વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં સુનાવણી માટે ૩૦ એપ્રિલ નિશ્ચિત કરાઈ છે. તાજેતરમાં વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે ચુકાદો આપનારા જજ ચીફ મેજિસ્ટ્રેટ એમા આર્બુથ્નોટ આ કેસની સુનાવણી કરી રહ્યાં છે.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે આરતી ધીરે બાળકની હત્યાના કલાકો જ પહેલાં સહષડયંત્રકાર સાથે જે ઈ-મેઈલ્સની આપ-લે કરી હતી તેની વિસ્તૃત વિગતો ભારત સરકાર પાસેથી મંગાવી છે. આ સાથે જ કોર્ટે સનસનાટીભર્યા સમગ્ર કેસમાં બંને આરોપીઓ સામે પ્રથમદર્શીય રીતે પ્રત્યાર્પણનો કેસ બનતો હોવાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ચીફ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે ગોપાલની હત્યા થયાના ત્રણ કલાક પહેલાં આરતી ધીરે નીતિશને ઈ-મેઈલ કર્યો હતો. મેજિસ્ટ્રેટે કહ્યું કે આરતી ધીરે નીતિશ મુંડને કરેલા તમામ ઈ-મેઈલ હું જોવા માંગુ છું. જોકે, ભારત સરકારે આ બંને વચ્ચેના ઈ-મેઈલ્સ હજુ આપ્યા નથી. કોર્ટે ઈ-મેઈલ્સ રજૂ કરવા ભારત સરકારને બે મહિનાનો સમય આપ્યો છે. પ્રથમ દ્દષ્ટિએ આ પ્રત્યાપર્ણનો કેસ બને છે. ગોપાલનો વીમો ઉતારાવાયો હતો અને ત્યાર પછી ઈ-મેઈલ્સ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને હત્યા કરવામાં આવી તે દિવસના ઈ-મેઈલ્સ અગત્યના છે.
ભારતીય જેલોમાં માનવ અધિકારોનો મુદ્દો
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલોએ ધીર અને રાયજાદાના પ્રત્યાર્પણ વિરુદ્ધ ભારતીય જેલોમાં માનવ અધિકારો અને ત્યાંની કોર્ટ્સમાં કેસના ચુકાદા આવવામાં ભારે વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. આરતી ધીરના કાઉન્સેલ એડવર્ડ ફિટ્ઝિરાલ્ડે તેમના અસીલની સ્વાસ્થ્યની સ્થિતિનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આરતી ડિપ્રેશનથી પીડાય છે અને તેને પીઢની સમસ્યા છે. તેને મનોચિકિત્સા અને ફીઝિયોથેરાપીની જરૂર છે. ડો. જેમ્સ મેક્મનુસે જણાવ્યું હતું કે, ‘જેલમાં મેડિકલ કેર યોગ્ય છે અને ૯૯ ટકા દવાઓ મફત અપાય છે.’ તેમણે એમ પણ કહ્યું હતું કે સાઈકિયાટ્રિસ્ટ દર સપ્તાહે બે કલાક માટે જેલમાં આવે છે અને સુરક્ષિત વોર્ડ ધરાવતી હોસ્પિટલ પણ નજીકમાં છે.
પ્રિઝન એક્સપર્ટ જૂનાગઢ જેલની મુલાકાતે
યુરોપિયન કમિટી ફોર ધ પ્રીવેન્શન ઓફ ટોર્ચરમાં યુકેના પ્રતિનિધિ અને પેરોલ બોર્ડ ફોર સ્કોટલેન્ડના ચેરમેન ડો. જેમ્સ મેક્મનુસે પ્રિઝન એક્સપર્ટ તરીકે એપ્રિલ-મે ૨૦૧૮માં ત્રણ દિવસ માટે જૂનાગઢ જેલની મુલાકાત લીધી હતી. તેમણે નિર્ણયમાં જણાવ્યું હતું કે જેલની સ્થિતિ યુરોપિયન કમિશન ફોર હ્યુમન રાઈટ્સ (ECHR)ની માર્ગદર્શિકાને સુસંગત છે. તેમની મુલાકાત દરમિયાન, જેલની સત્તાવાર ૨૫૦ પુરુષ અને ૧૫ મહિલા કેદી (કુલ ૨૬૫)ની ક્ષમતા સામે ૨૪૭ પુરુષ અને ૧૩ મહિલા કેદી હતાં. ટોઈલેટ્સ, બાથરુમ્સની સંખ્યા, બારીઓની સાઈઝ તથા અન્ય જોગવાઈઓ સંતોષકારક જણાયાં હતાં. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે કેદીઓ માટે પથારીઓ ન હતી તેમજ કેદીઓ જમીન પર સૂતાં હતાં અને સાદડી તથા બ્લેન્કેટ આપવામાં આવ્યાં હતાં.
જોકે, રાયજાદાના કાઉન્સેલ પીટર કાલ્ડવેલે કેદીઓની સંખ્યા દર્શાવાઈ હોય તેવી પ્રિઝન નોટિસ બોર્ડની તસવીરો રજૂ કરી હતી, જેમાં ઓક્ટોબર ૨૦૧૮ના એક દિવસે કેદીઓની કુલ સંખ્યા ૨૬૫, ડિસેમ્બર ૨૦૧૮માં ૩૬૫ તેમજ જાન્યુઆરી ૨૦૧૯ની ૧૨ તારીખે ૩૬૭ની સંખ્યા હતી. ઓગસ્ટ ૨૦૧૭માં કેદીઓની સૌથી વધુ સંખ્યા ૪૧૩ હતી. ડો. જેમ્સ મેક્મનુસ પણ આ બાબત સાથે સંમત થયા હતા. જોકે, જજે એવી ટીપ્પણી કરી હતી કે પુરુષ કેદીઓની સંખ્યા ક્ષમતાથી વધુ રહી હતી પરંતુ, બે મોટી કોટડીઓમાં સ્ત્રી કેદીઓની સંખ્યામાં ખાસ ફેરફાર જણાયો ન હતો.
ભારતમાં ટ્રાયલમાં ભારે વિલંબનો મુદ્દો
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં ટ્રાયલના બીજા દિવસે માનવ અધિકાર ધારાશાસ્ત્રી અને પિપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના નેશનલ જનરલ સેક્રેટરી ડો. વી. સુરેશે આવી ટ્રાયલો માટે કાર્યવાહી અને સમયગાળા વિશે ભારતથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જુબાની આપી હતી. બચાવપક્ષે ટ્રાયલમાં વિલંબ અને અંડરટ્રાયલ કેદી તરીકે લાંબા સમય સુધી જેલમાં રહેવું પડતું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જૂનાગઢની જેલમાં આવો સરેરાશ સમયગાળો બેથી અઢી વર્ષનો તેમજ કેટલાક માટે જામીન વિના ૧૧ વર્ષનો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સુરેશે કોર્ટને જણાવ્યું હતું કે, ‘મારા મતે આરોપીઓને ભાગેડુ ગણાવાશે તેથી તેમને જામીન મળવાની શક્યતા નથી.’
અગાઉ, હીથ્રો એરપોર્ટ પર કામ કરતી આરતી ધીરને હત્યાના આરોપસર જૂન ૨૦૧૭માં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા ધરપકડ કરાયા પછી જામીન અરજીની સુનાવણી માટે લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં રજૂ કરાઈ હતી. તેના પરિવારજનો સિક્યુરિટી સ્વરુપે આશરે ૫૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરી શક્યા હોઈ કોર્ટમાં પૂરતી ડિપોઝિટ ના થાય ત્યાં સુધી કસ્ટડીમાં રખાઈ છે.
ગુજરાત પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર ધીર અને અન્ય બે આરોપી નીતિશ મુંડ અને કંવલજીત રાયજાદાએ ૨૦૧૫માં ગોપાલને દત્તક લીધો હતો અને તેના અપહરણ અને હત્યાની યોજના ઘડતા પહેલા ૧.૩ કરોડ રુપિયાનો વીમો ઉતરાવ્યો હતો. બાળકના મૃત્યુ પછી વીમાની રકમ આપસમાં વહેંચી લેવાની હતી. ત્રણ આરોપી લંડનમાં અભ્યાસ કરતા હતા ત્યારે મળ્યાં હતાં. ગોપાલ અને તેના સંબંધી હરસુખ કારદાણી પર હુમલો કરાયો હતો અને તેમના મૃતદેહ ગુજરાતના રાજકોટની બહાર મળી આવ્યા હતા. ગુજરાત પોલીસે બે કોન્ટ્રાક્ટ કીલરની ધરપકડ કરી છે તેમજ ગોપાલને દત્તક લેવામાં અને હત્યામાં ભાગ ભજવ્યાની કબૂલાત નીતિશ મુંડ દ્વારા કરવામાં આવી છે.ગત વર્ષે એપ્રિલમાં ધીર માટે ઈન્ટરપોલ દ્વારા ‘રેડ કોર્નર નોટિસ’ જારી કરવામાં આવી હતી.
કેન્યામાં જન્મેલી અને મૂળ પંજાબના ગુરૂદાસપુરની આરતી ધીર (ઉ.૫૪) અને જૂનાગઢ નજીક કેશોદના રહેવાસી કંવલજીત રાયજાદા (ઉ.૩૦) સામે અનાથ બાળક ગોપાલ અજાણીની હત્યા કરવાનો આરોપ છે. ગોપાલને દત્તક લીધા પછી તેનો ૧.૩ કરોડ રુપિયાનો વીમો ઉતરાવાયો હતો. બાળકની વીમા પોલિસી માટે ૧૩ લાખ રુપિયાનું પ્રીમિયમ પણ ધીર, રાયજાદા અને મુંડે સરખા ભાગે ચૂકવ્યું હોવાનું મનાય છે. ગોપાલના મોત પછી વીમાની રકમ પણ તેઓ સરખા ભાગે વહેંચી લેવાનાં હતાં. હત્યા પછી વીમાની રકમ હડપ કરવા આ બંને આરોપીએ પાંચ લાખ રુપિયામાં ભાડૂતી હત્યારો રોકી ગુજરાતમાં બાળક ગોપાલ તથા તેના બનેવી હરસુખ કારદાણીની ૧૮, ફેબ્રુઆરી, ૨૦૧૭માં હત્યા કરાવી હતી. હત્યારાએ છરીના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હતી. આ કેસમાં ગુરૂદાસપુરના નીતિશ મુંડનું પણ નામ ખુલ્યું છે. નીતિશ વિદ્યાર્થી હતો ત્યારે લંડનમાં રાયજાદા સાથે અભ્યાસ કરતો હતો.


