લંડનઃ શેફિલ્ડમાં પોલીસ જે કારનો પીછો કરી રહી હતી તે કાર સાથે અન્ય કાર ટકરાતા તેમાં સવાર પિતા અને પુત્ર સહિત ચાર લોકોનું મૃત્યુ થયું હતું. ત્રણ સંતાનોના ૩૫ વર્ષીય પિતા અદનાન અશરફ જરાલ તેમના પત્ની અને એક વર્ષીય પુત્ર તેમજ અન્ય પરિવારના ચાર લોકો સાથે લંડનની ડે ટ્રિપથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની સેવન સીટર કાર VW Golf સાથે ટકરાઈ હતી. પોલીસ આ કારનો પીછો કરી રહી હતી.
સાઉથ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં જે અન્ય બે લોકોનું મૃત્યુ થયું તેમાં પતિ-પત્નિ વ્લાસ્ટા દુનોવા (૪૧) અને મિરોસ્લેવ દુનોવા (૫૦)નો સમાવેશ થાય છે. તેમની ૨૨ વર્ષીય પુત્રી નિકોલા દુનોવાને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલે લઈ જવાઈ હતી. જોકે, તેની હાલત સ્થિર જણાવાઈ હતી. જ્યારે તેની ત્રણ વર્ષીય પુત્રી લિવીયા મેતોવાની હાલત ગંભીર હતી. જરાલના પત્ની તહરીનને પણ ઈજા પહોંચી હતી. જોકે, હોસ્પિટલમાં તેમની હાલત સુધારા પર હતી. આ તમામ લોકો ટુરાન પીપલ કેરિયરમાં જઈ રહ્યા હતા.
પોલીસ જે કારનો પીછો કરી રહી હતી તેમાં સવાર ૧૮, ૧૭ અને ૨૩ વર્ષીય પુરુષોને નજીવી ઈજા થઈ હતી અને પોલીસે તેમની ધરપકડ કરી હતી.


