શેરીઓમાં ઉજવણીથી ભારતીયોની છબીને ભારે નુકસાન થવાનું જોખમ

નીતિન મહેતા Wednesday 28th September 2022 07:03 EDT
 

તાજેતરમાં લેસ્ટરમાં જે અશાંતિ ઉભી થઈ તેનાથી એક ચેતવણી મળે છે કે આંતરવંશીય હિંસા ગમે ત્યારે સપાટી પર આવી શકે છે. આના પરિણામે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં ભંગાણ પડે અને લોકો માટે જાણે સમસ્યાઓ ઓછી ન હોય તેમાં ભય અને ચિંતા તેમજ પારાવાર દબાણોનો ઉમેરો થશે.

ગત 20 વર્ષના ગાળામાં આપણે મોટી સંખ્યામાં ભારતીયોને આ દેશમાં સ્થાયી થતા નિહાળ્યા છે. આના પરિણામે, ઈસ્ટ આફ્રિકન ભારતીયો અને તાજેતરમાં ભારતથી આવેલા ભારતીયોનું અનોખું સંમિશ્રણ જોવા મળ્યું છે. આ બંને એકબીજાના પૂરક બની રહ્યા છે. ભારતથી આવેલા ભારતીયોને ઈસ્ટ આફ્રિકન ભારતીયો દ્વારા તેમની સખત મહેનત અને ધર્મ તરફની પ્રતિબદ્ધતાના પરિણામે અહીં નિર્માણ કરાયેલાં મંદિરો અને શાળાઓની પ્રવર્તમાન સવલતો અને સમૃદ્ધ થઈ રહેલી સંસ્કૃતિનો લાભ મળ્યો છે. બીજી તરફ, ભારતથી આવેલા ભારતીયોએ પણ આપણી સંસ્કૃતિ અને ધર્મને જીવંત રાખ્યા છે. તેઓ ભારે શિક્ષિત અને ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરનારા છે. આ શ્રેષ્ઠ ભાગીદારી કે સમન્વય રાજકારણ, એન્ટ્રેપ્રીન્યોરશિપ, શિક્ષણ અને સંસ્કૃતિના જોશના તમામ મોરચાઓ પર ઘણું હાંસલ કરવા પૂર્વનિર્ધારિત છે. આપણે ખાસ કાળજી તો એ રાખવાની છે કે આ દેશના ધારાધોરણ અને મૂલ્યો સાથે સંમિશ્રિત થાય તેવી કાયદાપાલક કોમ્યુનિટીની આપણી પ્રતિષ્ઠા જળવાઈ રહે.

ભારતમાં જો ક્રિકેટ મેચમાં વિજય થાય તો શહેરાના માર્ગો કે શેરીઓમાં હર્સોલ્લાષથી લોકો તત્કાળ ઉજવણીઓ કરવા લાગે છે અને તેનાથી ઘણા અવરોધો કે ખલેલ સર્જાય છે. તેનાથી ટ્રાફિક જામ થાય, અવાજનું પ્રદૂષણ વધે અને સામાન્ય જનતાના જીવન સાથે નકારાત્મક દખલગીરી ઉભી થાય. આના કારણે આપણી કોમ્યુનિટીની છબી ખરડાય છે. તાજેતરના ભારતીય સ્વાતંત્ર્યદિને ભારતીય મોટર બાઈક ડિલિવરી રાઈડર્સે કિંગ્સબરીના આસપાસના વિસ્તારમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો. બૂમબરાડા, કોલાહલ સાથે અને એક જૂથ થઈને વાહનો ચલાવવાથી આપણી છબી જરા પણ સારી ઉભી થાય નહિ.

રેસિડેન્શિયલ માર્ગો પર લોકો ગરબા રમતા હોય તેવી વીડિયો ક્લિપ્સ પણ જોવા મળે છે. જરા વિચારો, આ બધી સ્ટ્રીટ્સમાં અન્ય ધર્મોના લોકો રહેતા હોય તેમની શુભેચ્છા કેટલી ગુમાવીએ છીએ. રમતગમતની ઉજવણીઓ આપણા ઘરની ચાર દીવાલો અથવા નિયત કોમ્યુનિટી સેન્ટર સુધી મર્યાદિત રહેવી જોઈએ. હું આપણી કોમ્યુનિટીના વડીલોને વિનંતી કરું છું કે તેમણે સ્પષ્ટ સંદેશો પાઠવવો જોઈએ કે આગોતરી પરમિશન લીધા વિના કે આયોજન વિના શેરીઓ પર ઉતરી આવવું તે આપણી કોમ્યુનિટીના હિતમાં જરા પણ નથી.

દીવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે ફટાકડા ફોડવાથી તદ્દન દૂર રહેવું જોઈએ. તેનાથી પ્રદૂષણ સર્જાય છે અને ઘરેલું-પાલતુ પ્રાણીઓ ઘણા ડરી જાય છે. જો તમારે ફડાકડાં ફોડવાં જ હોય તો રહેઠાણના વિસ્તારોથી દૂર ખેતરો-ફાર્મમાં જવું જોઈએ. આ દેશમાં કોમ્યુનિટીઓ તમામ મોરચે પોતાની ગર્ભિત ક્ષમતા કે શક્તિઓનો ઉપયોગ કરી શકતી હોય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જ્યુઈશ કોમ્યુનિટી અને તેમની અપ્રતિમ સફળતા છે.

એક કોમ્યુનિટી તરીકે આપણે આ દેશમાં ઘણુંબધું હાંસલ કર્યું છે અને અહીં ઉછરી રહેલા આપણા યુવાવર્ગ માટે પણ આપણી ઘણી મહેચ્છા અને અરમાન છે. નકામા હિસાબો સરભર કરવામાં આપણે આપણી છબીને નુકસાન ન પહોંચાડીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter